
અભિનેત્રી માહિરા શર્મા આજકાલ કામની સાથે સાથે પોતાના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એવી અફવાઓ છે કે અભિનેત્રી માહિરા શર્મા અને ક્રિકેટર મોહમ્મદ સિરાજ ફક્ત મિત્રો નથી. બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. માહિરાનું નામ તાજેતરમાં ક્રિકેટર મોહમ્મદ સિરાજ સાથે જોડાયું હતું અને હવે અભિનેત્રીએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.
માહિરાએ અફવાઓનો ઈનકાર કર્યો
તાજેતરમાં જ માહિરાએ આપેલા ઇન્ટરવ્યુમાં આ વિશે વાત કરી હતી. માહિરાએ ડેટિંગની અફવા પર કહ્યું, "હું કોઈને ડેટ નથી કરી રહી." માહિરાએ કોઈની સાથેના લિંક-અપ સમાચારોનો સામનો કરવાની પોતાની રીતો વિશે પણ વાત કરી.
માહિરા આ વાતો પર ધ્યાન નથી આપતી
માહિરાએ કહ્યું કે, "ફેન્સ તમારા નામને કોઈપણ સાથે જોડી શકે છે. આપણે તેમને રોકી નથી શકતા. જ્યારે હું કામ કરું છું, ત્યારે લોકો મારું નામ મારા કો-સ્ટાર સાથે જોડે છે. તેઓ એડિટ પણ બનાવે છે, પણ હું આ બધાને બહુ મહત્ત્વ નથી આપતી. જો તમને તે પસંદ છે તો કરો, પણ એવું કંઈ નથી."
આ રીતે ડેટિંગની અફવા શરૂ થઈ
હકીકતમાં, સિરાજે માહિરાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટને લાઇક કર્યા પછી ડેટિંગની અફવાઓ ફેલાઈ હતી. બંનેએ આ પ્લેટફોર્મ પર એકબીજાને ફોલો કરવાનું પણ શરૂ કર્યું હતું. આ પહેલા માહિરાની માતા સાનિયા શર્માએ પોતાની પુત્રી સાથે જોડાયેલી અફવા પર મૌન તોડ્યું હતું. તેમણે કહ્યું, "તમે શું કહી રહ્યા છો? લોકો કંઈ પણ કહે છે. હવે જ્યારે મારી દીકરી એક સેલિબ્રિટી છે, લોકો તેનું નામ કોઈની પણ સાથે જોડશે, શું તમે તેમના પર વિશ્વાસ કરશો?"