Home / Entertainment : Nadeem-Shravan also scored a hat-trick of dunks in Judai

Chitralok : જુદાઇમાં નદીમ-શ્રવણે નકલની પણ હેટ્રિક કરી

Chitralok : જુદાઇમાં નદીમ-શ્રવણે નકલની પણ હેટ્રિક કરી

- 'જુદાઈ'નાં આઠ ગીતોમાં ત્રણ ગીતો સીધી અન્ય હિટ ગીતોની કોપી છે. પોતાની આગવી ગાયન શૈલી અને બુલંદ મર્દાના કંઠ દ્વારા દુનિયાભરના કવ્વાલી રસિકોને આકર્ષનારા પાકિસ્તાની ગાયક ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાને ગાયેલાં બે ગીતોની તર્જ અહીં સીધી ઊંચકી લેવામાં આવી છે

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આકાલમ વિન્ટાજ મ્યુઝિકની છે, પણ કેટલીકવાર એવું બને છે કે ફિલ્મને લગતી અન્ય કેટલીક રસપ્રદ માહિતી પણ આપોઆપ આવી જાય. દાખલા તરીકે, આજે જે  ફિલ્મના સંગીતની વાત કરવી છે એ ફિલ્મ 'જુદાઇ'. ૧૯૮૦માં પણ એક 'જુદાઇ' આવેલી. એ વી. સુબ્બારાવે બનાવેલી. જિતેન્દ્ર અને રેખાને ચમકાવતી આ 'જુદાઇ' તેલુગુ ફિલ્મ 'અલુ મગાલુ'ની રિમેક હતી. તો ૧૯૯૭માં સુરેન્દ્ર અને બોની કપૂરે બનાવેલી ફિલ્મ 'જુદાઇ' ૧૯૯૪માં બનેલી તેલુગુ ફિલ્મ શુભલગ્નમની રિમેક હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર, શ્રીદેવી, ઊર્મિલા માતોંડકર અને મહેમાન ભૂમિકામાં પૂનમ ધીલોં ચમક્યાં હતાં. માત્ર સાડાછ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે કપૂર (સુરેન્દ્ર, બોની અને અનિલ) પરિવારને ૪૮ કરોડની કમાણી કરાવી આપી હતી.

અને હા, શ્રીદેવીની પ્રલંબ પહેલી ઇનિંગ્સની આ છેલ્લી હિન્દી ફિલ્મ હતી. ત્યારબાદ એ બોની કપૂર સાથે પરણી ગઇ. બે પુત્રીની માતા બની. છેક ૨૦૧૨માં એ 'ઇંગ્લિશ વિંગ્લિશ' ફિલ્મ દ્વારા પાછી ફરી. કહેવા ખાતર 'જુદાઈ' નાયિકાપ્રધાન કથા ધરાવતી હતી. ધનદૌલતની લાલચુ એક મહિલા પોતાના પતિને બે કરોડ રૂપિયામાં વેચી દેવા તૈયાર થાય છે. વાસ્તવમાં એ માત્ર દૌલત ખાતર પતિને બીજાં લગ્ન કરવાની ફરજ પાડે છે. બીજી પત્ની સાચા દિલથી આ એન્જિનીયર પતિ અને એનાં પહેલાં લગ્નથી થયેલાં સંતાનોને પ્રેમ કરે છે. કથા પૂરી કરવા પછી તડજોડ કરવી પડે એટલે છેલ્લે ઘીના ઠામમાં ઘી પડી જાય છે. પહેલી પત્નીને ભૂલ સમજાય છે. બીજી પત્ની પરદેશ પાછી ચાલી જાય છે જ્યાંથી એ આવેલી. ફિલ્મમાં હીરોઇનોના અભિનયની ભારોભાર પ્રશંસા થઇ હતી. 

આ 'જુદાઇ'નાં ગીતો સમીરનાં હતાં. સંગીત નદીમ-શ્રવણનું હતું. અગાઉ આ સ્થાનેથી કહેલું એમ સમય તમારી સાથે હોય ત્યારે ધૂળમાં હાથ નાખો અને હાથમાં સોનું આવી જાય. કંઇક એવુંજ નદીમ-શ્રવણ માટે કહી શકાય. કામનું પ્રચંડ દબાણ હોય કે બીજું કોઇ કારણ હોય,નિર્માતા-નિર્દેશકે પોતાને ગમતાં ગીતની કોપી કરવાની ફરજ પાડી હોય, જે હોય તે. 'જુદાઈ'નાં આઠ ગીતોમાં ત્રણ ગીતો સીધી અન્ય હિટ ગીતોની કોપી છે. પોતાની આગવી ગાયન શૈલી અને બુલંદ મર્દાના કંઠ દ્વારા દુનિયાભરના કવ્વાલી રસિકોને આકર્ષનારા પાકિસ્તાની ગાયક ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાને ગાયેલાં બે ગીતોની તર્જ અહીં સીધી ઊંચકી લેવામાં આવી છે. તમે નુસરત ફતેહ અલી ખાનના ચાહક હો અને આ ફિલ્મમાં અમુક ગીત સાંભળો કે તરત તમને ઓરિજિનલ યાદ આવી જાય. એથી પણ આગળ વધીને કહું તો મૂળ ગીતની તર્જ વાપરવી સહેલી થઇ પડે, એટલા ખાતર સમીરે મૂળ ગીતના છંદમાં શબ્દો ફિટ કર્યા છે. નદીમ-શ્રવણે નુસરત ફતેહ અલી ખાનનાં તો ઘણાં ગીતોની આ રીતે નકલ કરી છે. જોકે એવું કર્યાનો કદી ઇનકાર પણ કર્યો નથી.

એવું પહેલું ગીત છે, 'મુઝે એક પલ ચૈન ન આયે સજના તેરે બિના...' મૂળ ગીત છે 'સાનુ એક પલ ચૈન ન આયે...' મૂળ ગીત નુસરત ફતેહ અલી ખાનના કંઠમાં છે. અહીં અલકા યાજ્ઞિાક અને જસપિન્દર નરુલાના કંઠે રજૂ કર્યું છે. ખરું પૂછો તો આ ફિલ્મમાં સંગીતકારોએ અગાઉ ઓછા અથવા નહીં વાપરેલા ગાયકો અજમાવ્યા છે. અગાઉ કુમાર સાનુ, ઉદિત નારાયણ,અનુરાધા પૌડવાલ, અલકા યાજ્ઞિાક, વિનોદ રાઠોડ વગેરેને અજમાવ્યાં હતાં. અહીં જસપિન્દર, સપના મુખરજી, અભિજિત, અમિત કુમાર, પ્રિયા ભટ્ટાચાર્ય, બાલી બ્રહ્મભટ્ટ, શંકર મહાદેવન વગેરેને અજમાવ્યાં છે.

નુસરત ફતેહ અલી ખાનના બીજા જે ગીતની તર્જ અહીં વાપરી છે એ છે, 'મેરી જિંદગી તેરા પ્યાર...' આ ગીતમાં જો કે નુસરત ફતેહ અલી ખાન સાથે 'આવાઝ દે કહાં હૈ...'  (ફિલ્મ 'અનમોલ ઘડી', સંગીત નૌશાદ)  ફેમ નૂરજહાંએ આ ગીત ગાયું હતું. આ ગીત ડયુએટ હતું. એની તર્જ પરથી અહીં 'મેરી જિંદગી એક પ્યાસ...' ગીત બન્યું છે. શંકર મહાદેવન અને જસપિન્દર નરુલાના કંઠે રજૂ થયેલા આ ગીતમાં પણ અગાઉ કહ્યું એમ ગીતનો છંદ અને તાલ બંને મૂળ જેવાં છે. ચાલુ ભાષામાં કહીએ તો કોપી-ટુ-કોપી એન્ડ મખ્ખી-ટુ-મખ્ખી...   

સપના મુખરજી, અભિજિત અને અલકાએ ગાયેલું ઔર એક ગીત જુઓ- 'પ્યાર પ્યાર કરતે કરતે, તુમ પે મરતે મરતે દિલ દે દિયા, દિલ દે દિયા, હા હા હા...' આ ગીત અમેરિકી ગીતકાર-સંગીતકાર-ગાયક સ્કેટમેન જ્હોન (મૂળ નામ જ્હોન પોલ લાર્કીન)ના એક  સુપરહિટ વીડિયો ગીત 'સ્કી-બા-બોપ-બા-ડોપ' પરથી લીધું છે.  

સામાન્ય રીતે આ લખનારે સંગીતકાર પ્રત્યે પૂરા માન-આદર સાથે લખવામાં અને ગોસિપથી દૂર રહીને લખવાની આદત અપનાવી છે. ક્યારેક કંટાળી જવાય એવું હોય અથવા ગીતની તર્જ જાણીતી કે પરિચિત લાગે ત્યારે મૂળ શોધવાની ઇચ્છા જાગે. બાકી કોપી અને ઊઠાંતરી તો છેક ૧૯૪૦ના દાયકાથી થતી રહી છે. કોઇ કહેતાં કોઇ સંગીતકાર એમાં બાકી નથી. દરેક સંગીતકારે અહીંતહીંથી તર્જો ઊઠાવી છે. જે વરિ સંગીતકારો શાય રાગ આધારિત ગીતોનો દાવો કરતાં હોય એમણે પણ શાય સંગીતનાં વિવિધ ઘરાનાની બંદિશોનો બેધડક ઉપયોગ કર્યો છે. કેટલીક વાર એવું પણ બન્યું છે કે એક સંગીતકારે બીજા સંગીતકારની તર્જને છૂટથી વાપરી હોય. આપણે સૌ જાણીએ છીએ કે ખુદ મદન મોહન જેવા આદરણીય સંગીતકારે સજ્જાદ હુસૈનના 'યે હવા યે રાત યે ચાંદની' જેવા હિટ ગીતની તર્જ 'તુઝે ક્યા સુનાઉં મૈં દિલરુબા' ગીતમાં વાપરી અને ખુદ સજ્જાદ હુસૈન સમક્ષ એનો એકરાર પણ કર્યો. આવું ફિલ્મ સંગીતમાં છેલ્લાં  ૮૦-૯૦ વર્ષમાં અનેકવાર બન્યું છે. એટલે લખતી વખતે કોઇ સંગીતકારને ઊતારી પાડવાનો હેતુ કે ઉદ્દેશ હોતો. નથી. હોઇ શકે પણ નહીં. 

Related News

Icon