
મુંબઈની એક કોર્ટે શુક્રવારે પીઢ અભિનેતા નાના પાટેકર પર તેમની સહ-અભિનેત્રી તનુશ્રી દત્તા દ્વારા 2018માં લગાવવામાં આવેલા 'મી ટૂ' આરોપોની નોંધ લેવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટે પોલીસ દ્વારા આપવામાં આવેલા તપાસ અહેવાલની નોંધ લેતા જાણવા મળ્યું કે જે આધાર પર ફરિયાદ નોંધવવામાં આવી છે અને પોલીસે તે સંદર્ભમાં જે રિપોર્ટ કોર્ટને આપ્યો છે, તેના આધારે કોઈની સામે કેસ દાખલ નથી કરી શકાતો. તેથી, પોલીસ દ્વારા આપવામાં આવેલા તપાસ અહેવાલને ધ્યાનમાં રાખીને, કોર્ટે હાલ પૂરતું આ ફરિયાદ ફગાવી દીધી છે.
'મી ટૂ' કેસમાં નાના પાટેકરને કોર્ટમાંથી રાહત મળી
ઓશિવારા પોલીસ સ્ટેશન અનુસાર જ્યાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યાંથી પોલીસે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો. કોર્ટે કેસના સ્વરૂપને ધ્યાનમાં લીધું નથી. કોર્ટે ફક્ત પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવાની મર્યાદાઓનો જ વિચાર કર્યો છે. કોર્ટે એ નથી કહ્યું કે તનુશ્રી દત્તા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ ખોટી હતી કે સાચી. જોકે, અંતિમ પોલીસ રિપોર્ટના આધારે, આ વાતને નકારી કાઢવામાં આવી છે.
શું હતો મામલો?
ઓક્ટોબર 2018માં દાખલ કરેલી ફરિયાદમાં, દત્તાએ 2008માં ફિલ્મ "હોર્ન ઓકે પ્લીઝ" ના સેટ પર એક ગીતના શૂટિંગ દરમિયાન પાટેકર અને અન્ય ત્રણ લોકો પર તેની સાથે હેરાનગતિ અને ગેરવર્તન કરવાનો આરોપ મૂક્યો હતો. આ મુદ્દો રાષ્ટ્રીય હેડલાઇન્સમાં આવ્યો અને સોશિયલ મીડિયા પર "મી ટૂ" ચળવળને વેગ મળ્યો હતો. પોલીસે 2019માં મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ પોતાનો અંતિમ અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે તેની તપાસમાં કોઈપણ આરોપી સામે ગુનાહિત કંઈ મળ્યું નથી.
પોલીસે પોતાના રિપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે એફઆઈઆર ખોટી હોવાનું જાણવા મળ્યું છે. કાનૂની દૃષ્ટિએ આવા અહેવાલને 'બી-સમરી' કહેવામાં આવે છે. તે સમયે, દત્તાએ બી-સમરી રદ કરવા માટે કોર્ટને વિનંતી કરતી વિરોધ અરજી દાખલ કરી હતી. તેમણે કોર્ટને તેમની ફરિયાદમાં વધુ તપાસનો આદેશ આપવા વિનંતી કરી. પરંતુ હવે નાના પાટેકરને આ કેસમાં કોર્ટમાંથી રાહત મળી છે.