
- 'મને દુ:ખ થતું. ક્યારેક તો એકાંતમાં આંખોમાંથી આંસુ આવી જતાં કે શું હું આટલો બધો કદરૂપો છું?'
એ નથી હેન્ડસમ કે નથી તેનું વ્યક્તિત્વ હીરો જેવું. નથી એને ડાન્સ કરતા આવડતું. તોય આજે એ અભિનયનગરીમાં સફળ છે, પાંચમાં પૂછાય છે. એ બજારમાં ફરતો હોય, કોઈ હોટેલ-રેસ્ટોરામાં નાસ્તો કરતો હોય કે કોઈ મોલમાં ખરીદી કરતો હોય તો તેને તેની આજુબાજુનાં લોકો ઓળખી પણ ન શકે કે અરે, આ તો 'લંચબોક્સ', 'ગેંગ્ઝ ઓફ વાસ્સેપુર', 'કીક' અને 'બજરંગી ભાઈજાન'નો નવાઝુદ્દીન સિદ્દિકી છે!
'આમ જોવા જાઓ તો હિન્દી ફિલ્મ જગતમાં અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિંહા, ઓમ પુરી, નસીરુદ્દીન શાહ જેવા ઘણા અભિનેતાના ચહેરા કોમનમેન જેવા હોવા છતાં તેમને ભરપૂર લોકપ્રિયતા મળી છે,' નવાઝ કહે છે, "હું મારી વાત કરું તો મને મારા આવા કોમનમેન જેવા દેખાવ સાથે લોકોની વચ્ચે ફરવામાં, એકાદ મોલમાં જઈને વસ્તુની ખરીદી કરવામાં અને હોટલમાં જઈને સ્વાદિષ્ટ વાનગી આરોગવામાં આસાની રહે છે."
બીએસસીની ડિગ્રી મેળવનારા નવાઝુદ્દીન થોડીક નારાજી સાથે કહે છે, "હું સામાન્ય માનવી જેવો દેખાતો હોવાથી મને બહુ ચિત્રવિચિત્ર અને અણગમતા અનુભવ પણ થયા છે. અમુક વખતે તો મને મારી પોતાની જ ફિલ્મના શૂટિંગના સ્થળે જતો અટકાવવામાં આવ્યો છે. ખાસ કરીને મારી કારકિર્દીના શરૂઆતના તબક્કે કોઈ ફિલ્મ માટે ઓડીશન માટે જતો ત્યારે અમુક લોકો કહેતા, અરે, આ તો ફિલ્મના હીરો જેવો જરાય નથી દેખાતો. અહીં શા માટે આવ્યો હશે? આવા અણગમતા અને અપમાનજનક શબ્દો સાંભળીને મને મારી પોતાની જાત પર ભારે ગુસ્સો આવતો. સાથોસાથ દુ:ખ પણ થતું. ક્યારેક તો એકાંતમાં આંખોમાંથી આંસુ આવી જતાં કે શું હું આટલો બધો કદરૂપો છું?"
બીએસસીનું ભણતર પૂરું કર્યા બાદ વડોદરાની એક દવા કંપનીમાં કેમિસ્ટ તરીકે એકાદ વર્ષ નોકરી કરનારા નવાઝુદ્દીન સિદ્ધિકી કહે છે, "હું ફિલ્મોમાં ભૂમિકા મેળવવા જુદા જુદા નિર્માતા-દિગ્દર્શકોની ઓફિસમાં જતો ત્યારે ઓફિસમાં કામ કરતા મેનેજર વગેરે મને જોઈને કહેતા, અરે, તું એક્ટર કે હીરો જેવો જરાય દેખાતો નથી. તું કોણ છે? અહીં શા માટે આવ્યો છે? હું જવાબમાં કહેતો, અરે ભાઈ હું અભિનેતા છું. હિન્દી ફિલ્મોમાં કામ મેળવવા આવ્યો છું. મને ભૂતકાળમાં અને આજે પણ ઘણા લોકો કહે છે. અરે, નવાઝ ભાઈ, તમારો ચેહરો તો બહુ અલગ જ પ્રકારનો છે. અને છતાં ફિલ્મોમાં પણ કામ કરો છો. હું જવાબમાં કહું છું, સાચી વાત છે. આપણા ભારત દેશમાં મારા જેવા દેખાતા કે મારા જેવો ચહેરો ધરાવતા અસંખ્ય લોકો છે."
'સરફરોશ' (આમિર ખાન, સોનાલી બેદ્રે, નસીરુદ્દીન શાહ :1999) ફિલ્મથી હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશ કરીને 'બ્લેક ફ્રાઇડે', 'ગેંગ્ઝ ઓફ વાસ્સેપુર', 'કહાની', 'લંચબોક્સ', 'કીક', 'બજરંગી ભાઈજાન', 'રમન રાઘવન', 'રઇસ', 'મન્ટો' વગેરે ફિલ્મોમાં મજેદાર અભિનય કરનારો નવાઝીદ્દીન કહે છે, "મારા શારીરિક દેખાવ વિશેની ટીકા-ટીપ્પણી તો આજે પણ થતી રહે છે. 'રાત અકેલી હૈ : પાર્ટ-ટુ' ના શૂટિંગ દરમિયાન બરાબર આવી જ ઘટના બની હતી. ફિલ્મના ડાયરેક્ટર હની ત્રેહન મને શોધતા હતા. મેં કહ્યું કે સર, હું તમારી પાછળ જ ઉભો છું. મારો અવાજ સાંભળીને હની સરને બહુ આશ્ચર્ય થયું. કહો, હવે આવી ઘટનામાં હું ભલા શું કરી શકુ? મારી પર્સનાલિટી જ આવી છે."
એનએસડીના આ તેજસ્વી વિદ્યાર્થીએ પૂરવાર કર્યું છે કે જો ફિલ્મલાઈનમાં પણ લૂક્સ વગર આટલી હદે સફળ થઈ શકાતું હોય તો જ્યાં તમારે 'દેખાવાનું' નથી એવાં ક્ષેત્રોમાં તમને સફળ થતા કોણ રોકી શકે છે? આ અચ્છા અદાકારે તેની લગન અને પ્રતિભાથી સાબિત કર્યું છે કે અભિનેતા બનવા માટે હેન્ડસમ હોવું જરૂરી નથી પણ ટેલેન્ટેડ હોવું અને સખત મહેનત કરવાની ક્ષમતા હોવી જરૂરી છે.'