Home / Entertainment : I also want to sing songs wearing a chiffon saree

Chitralok :  નિકિતા દત્તા: મારે પણ શિફોનની સાડી પહેરીને ગીતડાં ગાવાં છે

Chitralok :  નિકિતા દત્તા: મારે પણ શિફોનની સાડી પહેરીને ગીતડાં ગાવાં છે

- 'હું કોઈ ટ્રેન્ડને અનુસરતી નથી. અહીં સૌ એકમેકની નકલ કરે છે, પણ હું શક્ય એટલી ઓથેન્ટિક રહેવાની કોશિશ કરું છું...'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વાસ્તવિકતા અને નાટયાત્મકતા વચ્ચે સતત સંતુલન જાળવી રાખીને નિકિતા દત્તા આપબળે પોતાનું સ્થાન બનાવી રહી છે. નિકિતા એવી કલાકાર છે જે કમર્શિયલ સિનેમાની ચમકને વિના કોઈ ખચકાટ અપનાવવા માગે છે પણ સાથે પોતાના વ્યક્તિત્વને પણ વળગી રહે છે.

તાજેતરમાં રામ માધવાનીની ઐતિહાસીક સીરીઝ 'ધી વેકિંગ ઓફ એ નેશન'માં તેની હાજરીએ એક કલાકાર તરીકે તેને સંતુષ્ટ કરી. છતાં કૂકી ગુલાટી અને રોબી ગ્રેવાલની સૈફ અલી ખાન અને જયદીપ આહ્લાવત અભિનિત  થ્રિલર 'જ્વેલ થીફ'માં તેની આગામી ભૂમિકા એના બોલીવૂડ સ્વપ્નને સાકાર કરે છે. નિકિતા ગીત અને નૃત્ય સહિતના ભવ્ય દ્રશ્યો અને ભાવાત્મક આકર્ષણ સાથે મુખ્ય નાયિકા તરીકે પદાર્પણ કરી રહી છે અને એક બાળક તરીકે તે અરીસા સામે ઊભી રહીને જે સ્વપ્ન જોતી હતી તેના સાકાર કરી રહી છે.

બોલીવૂડ ડ્રીમ્સ: સાડી, સોન્ગ અને સ્ટારડમ

ઘણા નવોદિતો માટે બોલીવૂડ એટલે નૃત્ય અને ગીત, સુંદર દ્રશ્યો અને લાગણીપ્રધાન વાર્તાઓ. પણ નિકિતા માટે  આ ગતિશીલ સિનેમેટીક પરંપરામાં ભાગ લેવાની તક મળવી એટલે સ્વપ્ન સાકાર થવા સમાન હતું. તેણે જણાવ્યું કે કેવી રીતે પોતાના ઉછેર દરમ્યાન તેણે લોકપ્રિય બોલીવૂડ ગીતો કંઠસ્થ કર્યા હતા અને અરીસા સામે તેના પર નૃત્ય પણ કર્યા હતા તેમજ ફિલ્મી ગીતોની અતિશ્યોક્તિ ભરી સુંદરતાને આત્મસાત કરી હતી. નિકિતા રમૂજમાં બરફીલા વિસ્તારમાં સાડી પહેરેલી અભિનેત્રીઓના આઈકોનિક પોષાકનો ઉલ્લેખ કરતા કબૂલે છે કે પોતે પણ આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહી છે.

નકલની દુનિયામાં અસલીયત ખોઈ નથી

શ્રીદેવી, માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાય જેવી  અભિનેત્રીઓ વિશે વિચાર કરતા નિકિતાએ જણાવ્યું કે તેમના વિશિષ્ટ વ્યક્તિત્વએ જ તેમને આઈકોનિક બનાવી. નિકિતા નોંધ કરે છે કે એમાંથી કોઈપણ અભિનેત્રી અન્યની નકલ નહોતી કરતી. નિકિતા ખાસ કરીના કપૂર ખાનની પ્રશંસા કરતા કહે છે કે તે એવી અભિનેત્રી છે જે ડાન્સ કરી શકે છે, અભિનય કરી શકે છે અને પોતાના હાવભાવથી સ્ક્રીન ચમકાવી શકે છે. નિકિતાના મતે કરીનામાં જૂના સ્ટારડમની મહાનતાની ઝલક છે.

નિકિતા ઉદ્યોગના ટ્રેન્ડની ઉપજ બનવા નથી માગતી. તેના સ્થાને તે પોતાના વ્યક્તિત્વ સાથે ફિલ્મની અપેક્ષાનું સંતુલન કરવામાં માને છે. નિકિતા કહે છે કે હું કોઈ ટ્રેન્ડનું અનુસરણ નથી કરતી તેમજ આંખી મીંચીને આ પ્લાસ્ટિકની દુનિયામાં પ્રવેશ નથી કરી રહી જેમાં દરેક એકબીજાની નકલ કરી રહ્યા છે.  મેં મારા ઉછેર દરમ્યાન જે જોયું છે તેને પ્રમાણિક રહેવાનો પ્રયાસ કરું છું.

ફિલ્મો, ટીવી અને ઓટીટીમાં વિકસતી કારકિર્દી

નિકિતાએ તેની કારકિર્દીમાં વિવિધ મંચો પર કામ કર્યું છે. ૨૦૧૪માં 'લેકર હમ દીવાના દિલ'માં પ્રારંભિક કામથી લઈને ૨૦૧૬માં 'એક દુજે કે વાસ્તે' જેવા ટીવી હિટ શો અને પછી ૨૦૧૮માં 'ગોલ્ડ' અને ૨૦૨૧માં 'ધી બિગ બુલ' જેવી ફિલ્મો કરી છે. ૨૦૨૨માં ઓટીટી પર 'ખાખી:ધી બિહાર ચેપ્ટર'માં અને હવે 'ધી વેકિંગ ઓફ એ નેશન' તેમજ 'જ્વેલ થીફ'માં તેની ભૂમિકા તમામ પ્રકારના કથાનકમાં એક ગતિશીલ ઉત્ક્રાંતિ દર્શાવે છે.

નિકિતાની ફિલ્મોની પસંદગી એક આધુનિક કલાકારનો ગ્રાફ દર્શાવે છે, જે પ્રવાહી, વૈવિધ્યસભર અને મનોરંજન ક્ષેત્રના બદલાતા પ્રવાહનો પ્રતિસાદ છે. પોતાના પ્રત્યેક પરફોર્મન્સમાં કલા અને ગ્લેમર પ્રત્યે તેની પ્રતિબદ્ધતા છતી થાય છે જેમાં પ્રમાણિકતા અને આકર્ષણ બંને છે.

લાવણ્ય સાથે દ્રઢતા 

નિકિતા દત્તા માત્ર સ્ટારડમનો પીછો નથી કરી રહી, પણ તે પોતાની શરતે તેની નવેસરથી વ્યાખ્યા પણ કરી રહી છે. તેની સફર એક ઊભરતા કલાકાર વિશે વાત કરે છે જે પોતાની સાથે પ્રમાણિક રહીને ગીત અને નૃત્યો તેમજ ભવ્ય હાજરીના સ્વપ્ન જુએ છે. જ્વેલ ધીફમાં નિકિતા હીરોઈન હોવા ઉપરાંત પેઢીઓથી ચાલ્યા આવતા બોલીવૂડના  સારને પણ આત્મસાત કરે છે અને સાથે આજના વિશ્વની સંવેદનશીલતા પણ તેમાં પરોવે છે.

એવા સમયે જ્યારે ફિલ્મ ઉદ્યોગમાં ઉથલપાથલ મચી છે ત્યારે નિકિતા જેવા કલાકારો પૌરાણિકતા અને આધુનિકતાનું તેમજ સ્ટારડમ અને કન્ટેન્ટનું તાજગીભર્યું મિશ્રણ રજૂ કરે છે.

હિટ ટ્રેક પર નૃત્ય કરવાનું હોય કે પછી ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું સ્થાન જાળવી રાખવાનું હોય, નિકિતા દત્તા આ સિનેમેટીક પેઢીમાં સૌથી વધુ વિચારશીલ અને ઉત્સાહી અવાજ તરીકે ઊભરી રહી છે.

 

Related News

Icon