Home / Entertainment : Sanjay Dutt wants to do stunts even at the age of 65

Chitralok / સંજુબાબાને 65 વર્ષની ઉંમરેય મારવા છે ધુબાકા

Chitralok / સંજુબાબાને 65 વર્ષની ઉંમરેય મારવા છે ધુબાકા

લો, સંજય દત્ત 65 વર્ષની પાક્ટ વયે પણ પોતાના સ્ટંટ જાતે કરવાનો આગ્રહ રાખે છે, બોલો. છેલ્લે 2022માં આવેલી 'કેજીએફ : ચેપ્ટર ટુ' માં અને એ પછી 2023માં આવેલી 'લિઓ' ફિલ્મમાં તેણે જોરદાર એક્શન સીન ભજવ્યા હતા. તેની લેટેસ્ટ ફિલ્મ 'ભૂતની' માં પણ સંજય દત્તે બોડી ડબલ વાપરવાને બદલે એક્શન સીન જાતે ભજવ્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફેબુ્રઆરી 2024માં ગોરેગામમાં આવેલાં ફિલ્મસિટીમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું તે સમયે થયેલા અનુભવની વાત કરતાં દિગ્દર્શક સિદ્ધાંત સચદેવ કહે છે, 'અમારા ફિલ્મના સેટ પર ચાલીસ ફૂટ ઊંચી દીવાલ બનાવવામાં આવી હતી. સંજય દત્તે આ દીવાલ પર એકલા ઊભા રહેવાનું હતું અને જ્યારે પાછળ ધડાકો થાય ત્યારે દીવાલ પરથી કૂદવાનું હતું. અમે ક્રેન અને કેબલની સહાયથી સંજય દત્તને દીવાલ પર ઉભા કરી દીધા હતા. આ શોટ માટે અમે ઘણા રિહર્સલ કર્યાં હતા અને સેફ્ટી માટેના તમામ પગલા ભર્યાં હતા. અમે તેઓ જ્યાં કૂદવાના હતા ત્યાં ક્રેશ મેટ બિછાવી હતી અને સેફ્ટી માટે હાર્નેસ પહેરાવી તેની સાથે બે કેબલ પણ જોડ્યા હતા. શૂટિંગ શરૂ થયું. પાછળ આગ ભડભડ સળગી રહી હતી. અમે બધા મનોમન પ્રાર્થના કરી રહ્યા હતા કે બધું સમુસૂતરું પાર પડે. અમારી આંખો સંજય દત્ત પર જડાયેલી હતી. 'એકશન' બોલતાની સાથે તેમણે દીવાલ પરથી જમ્પ માર્યો. અમારા સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. કૂદકો માર્યા પછી થોડીવાર બાદ સંજુબાબાએ થમ્સ અપ સાઈન કરી ત્યારે અમારો જીવ હેઠો બેઠો અને સેટ પર તાળીઓનો ગડગડાટ થઈ ગયો.' 

'ભૂતની' આમ તો ફિલ્મ હોરર-કોમેડી છે, પણ દિગ્દર્શક સિદ્ધાંત સચદેવે એક્શનનો વઘાર પણ કર્યો છે. તેઓ કહે છે, 'અમે સંજુબાબાને કહ્યું કે અમુક સિકવન્સ માટે વીએફએક્સનો ઉપયોગ કરી શકાય તેમ છે, પણ સંજુબાબાએ ચોખ્ખું કહી દીધું કે મારા ફેન્સ મારી એક્શન સિકવન્સ જોવા માટે જ થિયેટરમાં આવે છે. વીએફએક્સની કશી જરૂર નથી, હું મારા ફેન્સ માટે એક્શન સિકવન્સ જાતે જ કરીશ.' 

આ ઉંમરે પણ સંજુબાબા ડિમાન્ડમાં છે. તેની એકાધિક ફિલ્મો આવી રહી છે  જેમ કે, 'વેલકમ ટુ ધ જંગલ', 'બાપ', 'કેડી- ધ એવિલ', 'શેરાં દી કૌમ પંજાબી' વગેરે. જોઈએ, આમાંથી કઈ ફિલ્મો સંજુબાબાને જશ અપાવે છે.

Related News

Icon