Home / Entertainment : Neena Gupta : People's egos have become so big that

Chitralok : નીના ગુપ્તા: લોકોના ઇગો એટલા મોટા થઇ ગયા છે કે

Chitralok : નીના ગુપ્તા: લોકોના ઇગો એટલા મોટા થઇ ગયા છે કે

- 'એક વાર મેં એક એક્ટરને હળવાશથી તેની ભૂલ બતાવી તો તેને ખોટું લાગી ગયું.  તેનું વર્તન જોઇને મારી આંખમાં તો પાણી આવી ગયું. હું યુવાન તો ઠીક, હમઉમ્ર એક્ટરો સાથે વાત કરતાં પણ બે વાર વિચાર કરું છું'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફિલ્મી દુનિયાની એક અજાયબી એટલે નીના ગુપ્તા. ૬૬ વર્ષની વયે પણ પોતાના કામમાં ગળાડૂબ આ અભિનેત્રી ચાર દાયકાનો ફિલ્મ ઉદ્યોગનો અનુભવ ધરાવે છે પણ નવી પેઢીના એક્ટર્સને સલાહ આપતાં તે બે વાર વિચાર કરે છે. હાલ 'પંચાયત' વેબ સિરિઝની ચોથી સિઝનને કારણે નીના ચર્ચામાં છે. પંચાયતમાં નીના ગુપ્તા મંજુ દેવીની ભૂમિકામાં દર્શકોને મોજ કરાવી દે છે. આ ચોથી સિઝનમાં તો કોમેડી વધારે મનોરંજક બની રહેવાની છે. 

નીના ગુપ્તા કહે છે, પંચાયતની પહેલી સિઝનથી જ મંજુ દેવીનું પાત્ર મારા માટે મહત્વનુ બની રહ્યું છે. તેમાં પણ મંજુ દેવી ઝંડો લહેરાવે છે તે સીન તો મારા માટે ખાસ મહત્વનો બની રહ્યો છે. મંજુ દેવી માટે આ એક મહત્વનો વળાંક હતો. ગામડાંઓમાં મહિલાઓ ઘણી ચીજો જાણવામાં કે શીખવામાં કોઇ રૂચિ લેતી નથી. પણ મંજુ દેવીએ આ પંરપરા તોડી પાડી છે. નીના ગુપ્તા કહે છે, આ વેબ સિરિઝમાં દર્શાવવામાં આવ્યું છે કે મંજુ ધીરે ધીરે જિજ્ઞાાસુ અને આત્મનિર્ભર બનતી જાય છે. દેશના ઘણા હિસ્સામાં આજે પણ પ્રધાનપતિના નામે કામ ચાલે છે, જેમાં પત્ની પંચાયતમાં ચૂંટાયેલી હોય પણ તેની તમામ જવાબદારીઓ પતિ નિભાવતો હોય છે. 

પંચાયત વેબ સિરિઝ દ્વારા અમે દર્શાવી શક્યા છીએ કે જો મહિલાઓ ચાહે તો ખુદ નેત્તૃત્વ કરી શકે છે. પંચાયત સિરિઝની ચોથી સિઝન પ્રાઇમ વિડિયો પર ૨૪ જુનથી સ્ટ્રિમ થવાની છે. આ સિરિઝમાં નીના ગુપ્તા ઉપરાંત રઘુવીર યાદવ, જિતેન્દ્ર કુમાર, ફૈસલ મલિક, સુનીતા રાજવાર અને પંકજ ઝા પણ કામ કરી રહ્યા છે.  નવી પેઢીના કલાકારો સાથે કામ કરતાં પોતાને થયેલાં અનુભવની વાત કરતાં નીના કહે છે, આજકાલ દરેક જણના ઇગો એટલા મોટા થઇ ગયા છે કે તમારે કોઇને કશી સલાહ આપવી હોય તો સો વાર વિચાર કરવો પડે છે. તેમને કોઇ સલાહ આપે તે ગમતું નથી. મને થોડાં આવા અનુભવ થયા છે. એકવાર મેં એક એક્ટરને હળવાશથી તેની ભૂલ બતાવી તો તેને ખોટું લાગી ગયું. 

તેનું વર્તન જોઇને મારી આંખમાં તો પાણી આવી ગયા. આવા અનુભવને કારણે નીના હવે યુવાન એક્ટર તો ઠીક પણ પોતાની હમઉમ્ર એક્ટરની સાથે પણ વાત કરતાં બે વાર વિચાર કરે છે. નીના કહે છે, મારા એક સિનિયર કો-સ્ટાર છે, જે સારું કામ કરે છે. પણ તેમને સહકળાકારો સાથે પોતાના કામ વિશે વાત કરવી ગમતી નથી. તે બસ પોતાનામાં મસ્ત રહે છે. પણ હું સુનીતા રાજવાર જેવી સાથી કલાકારને સલાહ આપી શકું છું કેમ કે તે જાણે છે કે હું કોઇ બદઇરાદાથી કશું કહું તેવી નથી. હું જો કાંઇ કહું તો હું તેને કશું સમજાવવા માટે કહેતી હોઇશ. 

આજકાલ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં નવા કળાકારોને કામ મેળવવાનું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે ૬૬ વર્ષે પણ નીના ગુપ્તા તેના કામમાં ગળાડૂબ છે. 

નીના ગુપ્તા હમેશા અન્કન્વેન્શનલ રહી છે. ૨૦૧૭માં જ્યારે તેની પાસે કોઇ કામ નહોતું ત્યારે તેણે સોશ્યલ મિડિયા પર ધરાર જાહેરાત કરી લોકોને કામ આપવાની વિનંતી કરી હતી. જો કે, નીના ગુપ્તા કહે છે કે જ્યારે તમે નિયમો કે પરંપરાનો ભંગ કરો ત્યારે બધું સરળ હોતું નથી. તમારે ઘણીવાર તેની આકરી કિંમત ચૂકવવી પડે છે. આજે હું સાડી પહેરું છું. તો કાલે હું શોર્ટ પણ પહેરી શકું છું. મને જે ગમે તે કરવામાં હું માનું છું. મને જે ભૂમિકાઓ મળવાની છે તેને અસર થતી હોય તો હું આવા અખતરાં કરતી નથી. પણ કામનું તો એવું છે કે તમે સારું કામ કરો તો જ તમને કામ મળતું રહે છે. મને આજે કામ મળે છે તેનું કારણ એ છે કે ૨૦૧૮માં મેં 'બધાઇ હો' નામની ફિલ્મ કરી જેમાં મારી સારી ભૂમિકા હતી. ફિલ્મ હીટ હતી અને મારી ભૂમિકા સારી હતી એટલે આજે પણ મને કામ મળતું રહે છે.    

Related News

Icon