
હોલિવૂડની દુનિયામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત અભિનેતા જીન હેકમેન અને તેમની પત્ની બેટ્સી ન્યુ મેક્સિકોમાં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. 95 વર્ષીય અભિનેતા જીન હેકમેન અને તેમની પત્નીના શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.
જીન હેકમેન, બેટ્સી અને કૂતરો પણ મૃત હાલતમાં મળી આવ્યો
ઓસ્કાર વિજેતા અભિનેતા જીન હેકમેન અને તેમની પત્ની ગુરુવારે ન્યુ મેક્સિકોમાં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે જીન હેકમેન અને તેમની પત્નીના મૃત્યુની પુષ્ટિ કરતા આ વાત જણાવી હતી. આ બંને સિવાય અભિનેતાનો કૂતરો પણ સ્થળ પર મૃત હાલતમાં મળી આવ્યો હતો. જોકે, અધિકારીઓએ તેમના મૃત્યુના અંગે વધુ વિગતો નથી જાહેર કરી. હાલ તપાસ ચાલી રહી છે.
હેકમેને બે વખત ઓસ્કાર જીત્યો હતો
હેકમેન હોલિવૂડના પ્રખ્યાત સ્ટાર્સમાંથી એક હતા. વર્ષ 1971માં, તેમને વિલિયમ ફ્રિડકિનની થ્રિલર ફિલ્મ 'ધ ફ્રેન્ચ કનેક્શન' માં જિમી પોપેય ડોયલની ભૂમિકા માટે બેસ્ટ એકટરનો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ વર્ષ 1992માં, તેમને ક્લિન્ટ ઈસ્ટવૂડની પશ્ચિમી ફિલ્મ 'અનફોર્ગિવન' માં લિટલ બિલ ડેગેટની ભૂમિકા માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો.