
પાપારાઝી ઘણીવાર સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરની બહાર ઉભા રહીને તેમના બાળકો તૈમૂર અને જેહના ફોટા અને વીડિયો લેતા જોવા મળે છે. ફેન્સ પણ તૈમૂર અને જેહના ફોટોની રાહ જુએ છે. ઘરની બહાર તૈમૂર અને જેહના ક્યુટ ફોટાથી લઈને તેમની મસ્તી સુધી, ઘણા ફોટો અને વીડિયો થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની જાય છે. પરંતુ હવે ફેન્સને દરરોજ તૈમૂર અને જેહની તસવીરો જોવા મળશે નહીં.
અગાઉ સૈફ અને કરીનાને તૈમૂર અને જેહના ફોટા લેવામાં કોઈ સમસ્યા નહોતી. તેમણે ક્યારેય પાપારાઝીને તેમના બાળકોના ફોટા લેવાની ના નહતી પાડી. પરંતુ સૈફ પર થયેલા હુમલા બાદ હવે આ કપલે સુરક્ષા માટે કડક પગલાં લીધાં છે. સૈફ અને કરીનાની ટીમે પાપારાઝીઓને અપીલ કરી છે કે તેઓ પહેલાની જેમ દિવસ-રાત તેમના ઘરની બહાર ઉભા રહીને તૈમૂર અને જેહના ફોટો પાડવા અને વીડિયો બનાવવાનો પ્રયાસ ન કરે.
તૈમૂર-જેહનો ફોટો પાડવા પર પ્રતિબંધ
28 જાન્યુઆરીની સાંજે સૈફ-કરીનાની ટીમે પાપારાઝી માટે ઓફ-કેમેરા બ્રીફિંગનું આયોજન કર્યું હતું. આ બ્રીફિંગમાં, પાપારાઝી અને મીડિયાને વિનંતી કરવામાં આવી હતી કે તાજેતરના જીવલેણ હુમલાને ધ્યાનમાં રાખીને, તેઓ હવે પહેલાની જેમ સૈફ, કરીના, તૈમૂર અને જેહના ફોટા પાડવા માટે ઘરની બહાર ઊભા ન રહે. બ્રીફિંગમાં કહેવામાં આવ્યું હતું કે સૈફ અને કરીના માટે તૈમૂર અને જેહની સલામતી સૌથી વધુ પ્રાથમિકતા ધરાવે છે. કપલની ટીમ દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ સૈફ અને કરીના તરફથી ફોટો પડાવવાની તક મળશે, ત્યારે પાપારાઝીને તેની જાણ કરવામાં આવશે, પરંતુ ત્યાં સુધી તૈમૂર અને જેહના ફોટો લેવા પર પ્રતિબંધ છે.
ઘરની બાલ્કની સુરક્ષિત કરી
આ ઉપરાંત સૈફ અલી ખાને તેના સતગુરુ શરણ એપાર્ટમેન્ટમાં પણ સુરક્ષા વધારી દીધી છે. આ ઉપરાંત તેના ઘરની બાલ્કનીને પણ સુરક્ષિત કરી દીધી છે.