
90ના દાયકાની પ્રખ્યાત બોલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને ઉદ્યોગપતિ સંજય કપૂર (Sunjay Kapoor Death)નું 12 જૂન અવસાન થયું હતું. આ ઉદ્યોગપતિનું ઇંગ્લેન્ડના ગાર્ડ્સ પોલો ક્લબમાં નિધન થયું હતું. સંજય ક્લબમાં પોલો રમી રહ્યો હતો અને તે દરમિયાન તે અચાનક જમીન પર પડી ગયો હતો. સંજય કપૂરને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોના પ્રયાસો છતાં તેને બચાવી ન શક્યા. કરિશ્માના પૂર્વ પતિને પોલો રમવાનો ખૂબ શોખ હતો. આ દરમિયાન સંજયની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં છે.
સંજય કપૂરના અચાનક મૃત્યુથી તેના પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે. તેના જવાથી સમગ્ર પરિવાર આઘાતમાં ડૂબી ગયો છે. ઉદ્યોગપતિએ તેના મૃત્યુના થોડા સમય પહેલા તેના એક્સ એકાઉન્ટ પર ટ્વિટ કર્યું હતું, જે હવે બધે વાયરલ થઈ રહ્યું છે. સંજયે પોતાના ટ્વિટમાં ગઈકાલે થયેલા અમદાવાદમાં વિમાન દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. લોકોના મોત પર શોક વ્યક્ત કરતા તેમણે લખ્યું હતું કે, "અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાના દુઃખદ સમાચાર. મારી સંવેદના અને પ્રાર્થના બધા અસરગ્રસ્ત પરિવારો સાથે છે. ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે."
કરિશ્મા અને સંજયના છૂટાછેડા
સંજય કપૂરનું ટ્વીટ હવે ઇન્ટરનેટ પર ખૂબ જ ચર્ચામાં છે. સંજય તેની ભૂતપૂર્વ પત્ની કરિશ્મા કપૂરને કારણે ચર્ચામાં રહેતો હતો. સંજય અને કરિશ્માના લગ્ન 2003માં થયા હતા. હિન્દી સિનેમાના ઘણા સ્ટાર્સે પણ તેના લગ્નમાં હાજરી આપી હતી. આ લગ્નથી બંનેને બે બાળકો છે. એક પુત્રી સમાયરા અને પુત્ર કિયાન. 2014માં કરિશ્મા કપૂરે આ સંબંધનો અંત લાવવા માટે છૂટાછેડા માટે અરજી કરી હતી.
સંજય પર ગંભીર આરોપો લાગ્યા હતા
સંજય અને કરિશ્માના વર્ષ 2016માં છૂટાછેડા થયા હતા. છૂટાછેડા પછી કરિશ્માએ તેના બંને બાળકોને એકલા ઉછેરવાનું નક્કી કર્યું. તેમજ અભિનેત્રીએ છૂટાછેડા પછી સંજય પર ઘણા ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. તે દરમિયાન તેના છૂટાછેડાની પણ ખૂબ ચર્ચા થઈ હતી. થોડા વર્ષો પછી સંજયે પ્રિયા સચદેવ સાથે નવેસરથી જીવન શરૂ કર્યું અને તેની સાથે લગ્ન કર્યા. જોકે, કરિશ્માના બંને બાળકો ઘણીવાર તેના પિતાને મળતા હતા.