
- 'સુપરબોયઝ ઓફ માલેગાંવ' ફિલ્મ આવી અને ડિજિટલ મીડિયમમાં હિટ થઈ ગઈ. ઉપરાઉપરી બે સફળ પ્રોજેક્ટને કારણે ઇન્ડસ્ટ્રીમાં એક્ટર તરીકે અયુબની પોઝિશન મજબૂત થઈ ગઈ છે.
બોલિવુડમાં કોને, ક્યાંથી અને ક્યારે સફળતા મળશે એ ગમે એવો પ્રકાંડ જ્યોતિષ પણ ન કહી શકે. અહીં એક્ટર કોઈ મલ્ટિ-સ્ટારર બિગ બજેટ મૂવીથી ડેબ્યુ કરે તો પણ એની નોંધ ન લેવાય એવું બની શકે. એ જ અભિનેતાને એક નાનકડો રોડ લાઈમલાઇટમાં લાવી દે. એને તમે નસીબના ખેલ જ કહી શકો. સાકિબ અયુબ એનું લેટેસ્ટ ઉદાહરણ છે. સાકિબે ૨૦૧૮માં યશરાજ ફિલ્મ્સ જેવા મોટા બેનરની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાં'માં અમિતાભ બચ્ચન અને આમિર ખાન સાથે ફિલ્મોમાં પદાર્પણ કર્યું, પરંતુ બિગ બજેટ મૂવીના સુપર ફ્લોપ થવાથી કે બીજા કોઈ કારણસર અયુબની નોંધ ન લેવાઈ.
એના પાંચ વરસ બાદ ૨૦૨૩માં સાકિબે રાજ અને ડીકેની વેબ સીરિઝ 'ફર્ઝી'માં અનીસ ભાઈનો નાનકડો રોલ કર્યો અને એ રાતોરાત એક્ટર તરીકે લોકોમાં જાણીતો થઈ ગયો. ફર્ઝીમાં અનીસનું માત્ર ૧૫-૨૦ મિનિટમાં આવતું પાત્ર દર્શકોને ઇમ્પ્રેસ કરી ગયું. સીધી ઓટીટી પર રિલિઝ થયેલી ફર્ઝીનું પ્રીમિયર મુંબઈમાં યોજાયું ત્યારે સાકિબ પોતાની નેકસ્ટ ફિલ્મ 'સુપર બોયઝ ઓફ માલેગાંવ'નું નાશિકમાં શૂટિંગ કરી રહ્યો હતો એટલે એ પ્રીમિયર ઇવેન્ટમાં હાજર ન રહી શક્યો. એ નાશિકથી મુંબઈ પાછો ફર્યો ત્યારે વેબ શોના એના કો-સ્ટાર વિનીતકુમાર સિંહે એને જાણ કરી કે તારો રોલ બધાને બહુ ગમ્યો છે અને આજકાલ મીડિયામાં પણ તારી ચર્ચા છે.
અહીંથી સાકિબની લાઈફ બદલાઈ ગઈ. લોકો એને અનીસ ભાઈ તરીકે બોલાવતા થઈ ગયા અને જ્યાં જાય ત્યાં એની સાથે સેલ્ફી લેવા પડાપડી થવા માંડી. 'ફર્ઝી' પછીના વરસે ઝોયા અખ્તરની રીમા કાગની દિગ્દર્શિત ફિલ્મ 'સુપરબોયઝ ઓફ માલેગાંવ' આવી અને એ પણ ઇલેકટ્રોનિક મીડિયમમાં હીટ થઈ ગઈ. ઉપરાઉપરી બે સફળ પ્રોજેક્ટને કારણે ઇન્ડસ્ટ્રીમાં એક્ટર તરીકે અયુબની પોઝિશન સ્ટ્રોંગ થઈ ગઈ છે. આજે એની પાસે સંખ્યાબંધ પ્રોજેક્ટ્સ છે.
તાજેતરમાં મુંબઈમાં યોજાયેલી એક ઈવેન્ટમાં સાકિબને એની લેટેસ્ટ ફિલ્મની સકસેસ બદલ એને અભિનંદન આપવા પહોંચેલા મીડિયાના એક ગ્રુપ સાથે એક્ટરે એક ઇન્સ્ટન્ટ ઇન્ટરવ્યૂ કરી લીધો. પહેલા પ્રશ્નમાં અયુબને મીડિયામાંથી એને ગમે એવી પૃચ્છા થઈ, 'ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (ટીઆઈએફએફ)માં તારી ફિલ્મ સુપરબોયઝ ઓફ માલેગાંવના પ્રીમિયરમાં હાજરી આપીને તને કેવું લાગ્યું?' જવાબમાં સાકિબ સુપર- એક્સાઇટેડ થઈને કહે છે, 'સર, તમને શું કહું! એ અવર્ણનીય અનુભવ હતો. મેં તો સ્વપ્નેય વિચાર્યું નહોતું કે મારી ત્રીજી જ ફિલ્મમાં હું ટીઆઈએફએફની રેડ કાર્પેટ પર વોક કરતો હોઈશ. ઇટ વોઝ વન ઓફ બેસ્ટ નાઇટ્સ ઓફ માય લાઈફ. ઇન્ટરનેશનલ પાપરાઝી, પ્રેમ ઇન્ટરએક્શન્સ અને ૨૫૦૦ દર્શકોનું ખીચોખીચ ઓડિયન્સ - બધુ જ સર રિયલ હતું. ફિલ્મ પુરી થઈ ત્યારે અમને પાંચ મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું અને ત્યારે ઝોયા, રીમા, નસીરભાઈ, આદર્શ, અનુજ, મંજરી, શશાંક અને વરુણભાઈ - અમારા બધાની આંખમાં આંસુ હતા. પ્રીમિયર બાદ ટોરન્ટોમાં અમને બધા ઓળખતા થઈ ગયા. જ્યાં જઈએ ત્યાં અમને વોર્મ વેલ્કમ મળતું.' પત્રકારોનો બીજો પ્રશ્ન સાકિબને સાવધ થઈ થોડો ડિપ્લોમેટિક બનવા પ્રેરે એવો હતો, 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાંમાં એક બંડખોરનો રોલ કરવાનો અનુભવ કેવો રહ્યો?' એક્ટર મીડિયાની ધારણા મુજબનો ઉત્તર આપતા કહે છે, 'આપ સભી જાનતે હૈં કિ વો મેરી પહેલી ફિચર ફિલ્મ થી. યશરાજના પ્રોડક્શનમાં બચ્ચન સર અને આમિર સર સાથે કામ કરવાની તક મળે એ ક્યો એક્ટર ભૂલી શકે? બોક્સ-ઓફિસ પર મૂવીનું પરફોર્મન્સ ભલે ગમે તે રહ્યું હોય, પણ મારા માટે એ અમૂલ્ય લર્નિંગ એક્સપિરીયન્સ બની રહ્યો. ફિલ્મમાં ક્રુની વિશાળ ફૌજ હતી અને એમાં ઇન્ટરનેશનલ પ્રોફેશનલ્સ પણ સામેલ હતા. આવા લાર્જ સ્કેલ પ્રોડક્શનમાં કામ કરીને મને ફિલ્મ મેકિંગ વિશે ઘણું બધુ જાણવા મળ્યું. એમાંથી જે જાણ્યું એ આજે પણ મારા ઘડતરમાં ફાળો આપી રહ્યું છે.'
ઇન્ટરએક્શનના સમાપનમાં થ્રિલર જોનરમાં પોતાની માસ્ટરી પુરવાર કરી ચુકેલી ડિરેક્ટર બેલડી રાજ અને ડીકે વિશે વાત નીકળી. એટલે સાકિબને એમની સાથે વેબ-સીરિઝ ફર્ઝી કરવાનો અનુભવ કેવો રહ્યો એવું મીડિયાએ પૂછ્યું. ડિરેક્ટર્સ પર સમરકંદ બુખારા ઓવારી જતા એક્ટર કહે છે, 'રાજ એન્ડ ડીકે અતુલનીય ફિલ્મમેકર્સ છે. બંનેમાં અખૂટ ક્રિયેટીવ એનર્જી છે. તેઓ સેટ પર એક્ટર્સને ઘણી ક્રિયેટીવ ફ્રીડમ આપે છે અને તેઓ હંમેશા સીનમાં સુધારા-વધારા કરવા તત્પર રહે છે. ફર્ઝીના ઘણાં સીન એક જ પેજના હતા, પણ અમને ઇમ્પ્રોવાઇઝેશનની ફ્રીડમ હોવાથી એ સીનની લંબાઈ ડબલ થઈ જતી. રાજ અને ડીકે ઘણી બધી દ્રષ્ટિએ બીજી ડિરેક્ટર્સથી અલગ છે.