
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. પહેલગામના બેસરનમાં મોટો આતંકી હુમલો થયો હતો જેના બાદથી સમગ્ર દેશમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આતંકીઓએ પર્યટકોના એક ગ્રૂપને નિશાન બનાવ્યું જેમાં 28 લોકો મૃત્યુ પામી ગયા હતા. ડઝનેકથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એવામાં ભારતના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પણ આ ઘટના પર નિરાશા વ્યક્ત કરી છે.
પહેલગામ હુમલાને લઈને વિરાટ થયો ભાવુક
વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરીને આ આતંકવાદી હુમલાની નિંદા કરતા લખ્યું છે કે, 'પહેલગામમાં નિર્દોષ લોકો પર થયેલા આ જઘન્ય હુમલાથી ખૂબ જ દુઃખ થયું. પીડિતોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ હુમલામાં જીવ ગુમાવનારાઓના પરિવારોને શાંતિ અને શક્તિ મળે અને આ ક્રૂર હુમલા માટે ચોક્કસપણે ન્યાય મળે.'
અનુષ્કા શર્માએ હુમલાને લઈને વ્યક્ત કર્યું દુઃખ
આ સાથે જ અનુષ્કા શર્માએ પણ પહેલગામ હુમલાને લઈને દુઃખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, 'કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ લોકો પર થયેલા આ કાયર આતંકવાદી હુમલાથી હું ખૂબ જ દુઃખી છું. પીડિતોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે અને હું તેમના માટે પ્રાર્થના કરું છું. આ એક ભયાનક હુમલો છે જે ક્યારેય ભૂલી શકાશે નહીં.'