
આજે વિશ્વ હાસ્ય દિવસ (World Laughter Day) છે, આ ખાસ દિવસ હંમેશા મે મહિનાના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. હસવું અને હસાવવું આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જો તમે પણ તમારા પ્રિયજનો સાથે ખૂબ હસવા માંગતા હોવ, તો તમે કેટલીક શાનદાર કોમેડી ફિલ્મો જોઈ શકો છો.
બોલિવૂડમાં અદ્ભુત કોમેડી ફિલ્મો બની છે, ઘણી ફિલ્મોને કલ્ટ ફિલ્મોનો દરજ્જો મળ્યો છે. આ ફિલ્મો જોઈને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. આ યાદીમાં ઘણી જૂની ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. ચાલો તમને એવી ફિલ્મો વિશે જણાવીએ જેનો તમે World Laughter Day પર આનંદ માની શકો છો.
'હેરા ફેરી'
વર્ષ 2000માં પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'હેરા ફેરી' આજે પણ દર્શકોને ખૂબ જ પસંદ છે. આમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની જોડીએ ખૂબ જ ચર્ચા જગાવી હતી. ફિલ્મના ઘણા ડાયલોગ્સ 25 વર્ષ પછી પણ પ્રખ્યાત છે, આ ફિલ્મના કેટલાક સીનનો ઉપયોગ રમુજી મીમ્સ બનાવવામાં પણ થાય છે.
'અંદાજ અપના અપના'
જ્યારે ફિલ્મ 'અંદાજ અપના અપના' રિલીઝ થઈ ત્યારે તે બોક્સ ઓફિસ પર સારી કમાણી નહતી કરી શકી. જ્યારે દર્શકોએ આ ફિલ્મ ટીવી પર જોવાનું શરૂ કર્યું, ત્યારે તેનો સમાવેશ કલ્ટ કોમેડી ફિલ્મોમાં કરવામાં આવ્યો. આ ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર સંતોષીએ કર્યું હતું. આમાં આમિર ખાન અને સલમાન ખાને ખૂબ કોમેડી કરી હતી. આ ફિલ્મના કોમેડી ડાયલોગ્સ પણ ખૂબ પ્રખ્યાત છે.
'ગોલમાલ'
'ગોલમાલ' ફિલ્મ તો રોહિત શેટ્ટીએ પણ બનાવી છે, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. પરંતુ અહીં અમે 1979માં રિલીઝ થયેલી 'ગોલમાલ' વિશે વાત કરી રહ્યા છીએ. હૃષિકેશ મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અમોલ પાલેકરે ડબલ રોલ ભજવ્યો હતો. ફિલ્મમાં ડબલ રોલ કરતી વખતે ઘણી બધી ગડબડ થાય છે, જે દર્શકોને હસાવે છે.
'જાને ભી દો યારો'
ફિલ્મ 'જાને ભી દો યારો' (1983) એક સટાયર કોમેડી ફિલ્મ હતી. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે બોક્સ ઓફિસ પર સારી કમાણી નહતી કરી શકી, પરંતુ પછીથી દર્શકોને ટીવી પર આ ફિલ્મ ખૂબ ગમવા લાગી. આ ફિલ્મનું દિગ્દર્શન કુંદન શાહે કર્યું હતું. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર, નીના ગુપ્તા, ઓમ પુરી સહિતની મોટી સ્ટાર કાસ્ટ હતી.
'ચાચી 420'
1997માં રિલીઝ થયેલી ફિલ્મ 'ચાચી 420' ની કોમેડી પણ દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. આ ફિલ્મમાં કમલ હાસને મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેનું દિગ્દર્શન પણ પોતે કર્યું હતું. ફિલ્મની વાર્તામાં, કોઈ કારણસર હીરોને એક વૃદ્ધ મહિલાનો ગેટઅપ લેવો પડે છે. આ વાર્તા સાથે ફિલ્મમાં ઘણી કોમેડી છે. કમલ હાસનની આ ફિલ્મ હોલીવૂડ ફિલ્મ 'ડાઉટફાયર' થી પ્રેરિત હતી.
'અંગૂર'
ગીતકાર ગુલઝારે 1982માં 'અંગૂર' ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મમાં સંજીવ કપૂર, દેવેન વર્મા જોવા મળ્યા હતા. ફિલ્મમાં ડબલ રોલને કારણે ઘણી મૂંઝવણ છે, જેના કારણે કોમેડી પણ ઘણી છે.
'ચશ્મે બદૂર'
ફિલ્મ 'ચશ્મે બદૂર' (1981) એક રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મ સાઈ પરાંજપે દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં દીપ્તિ નવલ, ફારૂક શેખ, રાકેશ બેદી, રવિ બસવાની અને લીલા મિશ્રા મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મની વાર્તામાં, ત્રણ મિત્રો એક જ છોકરીના પ્રેમમાં પડે છે. આ વાર્તામાં દર્શકોને કેટલાક સારા કોમેડી સીન જોવા મળે છે.
હાઉસફુલ સિરીઝ
સાજિદ નડિયાદવાલાએ નિર્મિત 'હાઉસફુલ' સિરીઝની કોમેડી ફિલ્મો પણ દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. આ ફિલ્મોનું નિર્દેશન સમયાંતરે જુદા જુદા દિગ્દર્શકો દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મોમાં મોટી સ્ટારકાસ્ટ હોય છે. અત્યાર સુધી 'હાઉસફુલ' ના 4 ભાગ આવ્યા છે અને ટૂંક સમયમાં ફિલ્મ 'હાઉસફુલ 5' પણ રિલીઝ થવા જઈ રહી છે, જેમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, ચંકી પાંડે ઉપરાંત એક મોટી સ્ટારકાસ્ટ જોવા મળશે.