
શું અરદેશીર ઇરાનીએ સપનામાંય વિચાર્યું હશે ખરું કે તેઓ જે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે તે એમને ભારતીય સિનેમાના ઇતિહાસમાં અમર કરી નાખશે?
દાસ્તાના-એ-સિનેમા
અરદેશીર ઈરાની
સ્પો ટિફાય જેવા મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર સોંગ્સ સાંભળનાર જનરેશન-ઝીને કદાચ ખબર નહીં હોય કે, મ્યુઝિક કેસેટનો પણ એક જમાનો હતો. મનપસંદ ફિલ્મના સોંગ્સની કેસેટને એટલી હદ સુધી સાંભળવામાં આવતી કે, તેની રીલ નીકળી જતી અથવા તો કિશોર કુમારનો અવાજ બેન્ડબાજામાં બહેનના અવાજમાં ગાતા ભાઈ જેવો થઈ જતો હતો. હિન્દી ફિલ્મના સોંગ્સ પ્રત્યેનો આ પ્રેમ ૧૯૯૦ની ફિલ્મ આશિકીમાં ભરપૂર જોવા મળ્યો હતો. આ ફિલ્મ ના નામે સૌથી વધુ કેસેટ્સ વેચવાનો રેકોર્ડ છે. આશિકી ૨ ની કરોડથી વધુ કેસેટ્સ વેચાઈ હતી. પહેલી જ ફિલ્મમાં રાહુલ રોયને સુપર સ્ટાર બનાવવા પાછળ આ ફિલ્મ ના અદભુત સોંગ્સને મોટું કારણ માનવામાં આવે છે. પરંતુ, શું તમને ખબર છે કે, ૧૯૧૩માં પહેલી ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર આવી ત્યારબાદથી સિનેમાના રૂપેરી પડદે સાયલન્ટ ફિલ્મોનું જ રાજ હતું. આ ફિલ્મના ૧૮ વર્ષ બાદ ૧૯૩૧માં રિલીઝ થયેલી આલમ આરાએ ફિલ્મોને બોલતી કરી હતી, આ સાથે જ આલમ આરાએ એક-બે નહીં પરંતુ, સાત સોંગ્સ આપીને ફિલ્મોમાં હૈયું ઉમેર્યું હતું. હિંદી ફિલ્મોને હોલિવુડથી અલગ ઓળખ આપનારી આ ફિલ્મમાં સોંગ્સ રાખવાની પ્રેરણા પાછળ ચોંકાવનારી રીતે હોલિવુડ જ હતું.
વોર્નર બ્રધર્સે ૧૯૨૭માં હોલિવુડની પહેલી બોલતી ફિલ્મ ધ જેઝ સિંગર બનાવી હતી. આ ફિલ્મમાં ગણ્યા ગાઠિયા ડાયલોગ્સની સાથે છ સોંગ્સ રાખવામાં આવ્યા હતા. વોર્નર બ્રધર્સની આ ફિલ્મની રિલીઝના ચાર વર્ષ બાદ અરદેશીર ઈરાનીએ ફિલ્મ બનાવી હતી. તેમની પ્રેરણા હતી, ૧૯૨૯માં રિલીઝ થયેલી હોલિવુડ ફિલ્મ, શો બોટ. તેની સ્ટોરી લાઈન અને સાઉન્ડથી પ્રભાવિત થયેલા ઈરાનીએ ફ્લિકરિંગ ઈમેજિસની મૂક સિમ્ફનીને બોલતી અને ગાતી કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે અનેક સંઘર્ષોે બાદ ૧૪ માર્ચ, ૧૯૩૧ના રોજ ભારતની પહેલી ટોકી મૂવી આલમ આરા રિલીઝ કરી હતી. આ પહેલાની તેમની સફરમાં અનેક યાદગાર અનુભવો થયા હતા.
અરદેશીર ઈરાનીની સફર
૧૮૮૬માં પારસી પરિવારમાં જન્મેલા ખાન બહાદુર અરદેશીર ઈરાનીએ ટીચર, કેરોસીન ઇન્સ્પેક્ટર બન્યા બાદ સંગીતના સાધનો પણ વેચી જોયા પરંતુ, કોઈમાં ફાવટ ન આવી. જ્યારે, તેમની મુલાકાત ટુરિંગ સિનેમા ઓપરેટર અબ્દુલ્લાય એસોફલી સાથે થઈ ત્યારે જાણે તેમનું જીવન જ બદલાઈ ગયું. એસોફલીની ટીમ હિન્દુસ્તાનના ગામે-ગામ જઈને ખુલ્લા મેદાનોમાં તંબુ બાંધીને ફિલ્મો બતાવીને લોકોનું મનોરંજન કરી રહી હતી. એસોફલીએ તંબુ ફિલમ અને ટેન્ટ સિનેમાને નામે ઓળખાતા આ બિઝનેસને મુંબઈમાં લાવવાની યોજના બનાવીને હોલિવુડના યુનિવર્સલ સ્ટુડિયો સાથે હાથ મિલાવ્યા હતાં. તે સમયે ઈરાની યુનિવર્સલ સ્ટુડિયોના પ્રતિનિધિ હતા. તેમણે સાથે મળીને પાર્ટનરશિપમાં કામઠીપુરામાં એલેક્ઝાન્ડ્રા થિયેટર ખરીદીને તેનું રિનોવેશન કરીને ૧૯૧૮માં ફરીથી તેને લોન્ચ કર્યું હતું. આ દરમિયાન એલેક્ઝાન્ડ્રા દક્ષિણ એશિયાના પહેલા સિંગલ સ્ક્રીન થિયેટરોમાંનું એક બન્યું હતું. થિયેટર બિઝનેસથી જ ઈરાનીને ફિલ્મ ઉદ્યોગ વિશે ઘણું શીખવા મળ્યું હતું. તેમણે ૧૯૨૦માં હિન્દુ પૌરાણિક કથા પર આધારિત ફિલ્મ નળ દમયંતીને પ્રોડયુસ કરી હતી. ૧૯૩૦ સુધીમાં તેમણે સ્ટાર ફિલ્મસ, મેજેસ્ટિક ફિલ્મસ અને રોયલ આર્ટ સ્ટુડિયો જેવા બેનર્સ હેઠળ ઘણી સાયલન્ટ ફિલ્મો સાથે નસીબ અજમાવ્યું હતું. સામાન્યની દોડમાંથી હટીને ઈરાની કંઈક અલગ કરવા માંગતા હતા. પરંતુ, તેમને સ્વપને પણ ખ્યાલ નહતો કે, તે જે ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે તેના દ્વારા તે અમર થઈ જશે.
સ્ટોરી, કાસ્ટિંગ અને મોહમ્મદ અલી જિન્ના
પહેલી ટોકી ફિલ્મ માટે જોસેફ ડેવિડ પેનકર દ્વારા લેખિત પારસી ઈમ્પેરિયલ થિયેટર કંપનીના નાટક આલમ આરાની સ્ટોરીને પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ માટે ગુજરાતી અને મરાઠીની જગ્યાએ હિંદી અને ઉર્દુના મિશ્રણ હિન્દુસ્તાની ભાષાની પસંદગી કરાઈ હતી. જે ઈરાનીની દરેક મૂવી માટેની ગો-ટુ સહયોગી સુલોચના ઉર્ફે રુબી માયર્સ માટે બાધા બની હતી. માયર્સને હિંદી અને ઉર્દુમાં ફાવટ નહતી. છેવટે, આલમ આરાના રોલ માટે ભારતની પહેલી મહિલા ફિલ્મ નિર્માતા સુરતની ફાતમા બેગમની પુત્રી ઝુબૈદાને કાસ્ટ કરવામાં આવી હતી. ઝુબૈદાએ ફિલ્મના સાત સોંગ્સમાંથી ઘણામાં અવાજ આપીને ઈરાનીના નિર્ણય પર મહોર લગાવી હતી. સૌથી વિવાદાસ્પદ પસંદગી હીરો તરીકે સાયલન્ટ ફિલ્મોના સ્ટાર માસ્ટર વિઠ્ઠલની હતી. તેઓ ૧૯૨૪ની ફિલ્મ કલ્યાણ ખજીનામાં ડાન્સિંગ ગર્લના કેરેક્ટરથી પોપ્યુલર બન્યા હતા. આ પ્રોજેક્ટનો ભાગ બનવા ઉત્સુક વિઠ્ઠલ શારદા સ્ટુડિયો સાથે કરાર હોવા છતાં ફિલ્મમાં લીડ રોલ નિભાવવા તૈયાર થઈ ગયા હતા. જ્યારે, સ્ટુડિયોએ તેમની વિરુદ્ધ કેસ કર્યો ત્યારે અલગ દેશની માંગ કરનારા બેરિસ્ટર મોહમ્મદ અલી ઝીણાએ તેમનો કેસ લડીને જીત અપાવી હતી. આ ફિલ્મમાં માસ્ટર વિઠ્ઠલની એક્ટિંગના તો વખાણ થયા પરંતુ, તેમની હિંદી-ઉર્દુ પર ઓછી પકડની નોંધ લેવામાં આવી હતી. આ ઐતિહાસિક ફિલ્મનું કપૂર કનેક્શન હતું. તેમાં કરીના કપૂરના દીકરા તૈમુરના ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ફાધર પૃથ્વીરાજ કપૂરે જનરલ આદિલ ખાનનો રોલ નિભાવ્યો હતો.
ભારતનું પહેલું ફિલ્મ સોંગ દે દે ખુદા કે નામ પે
આજના પ્લેબેક સિંગિંગથી વિપરીત આલમ આરામાં સોંગ સેટ પર લાઈવ રેકોર્ડ કરવું પડતું હતું. કોઈપણ સાઉન્ડ પ્રૂફ સ્ટુડિયો, રીટેક અને અત્યાધુનિક માઈક્રોફોન વિના ફિલ્મમાં ફકીરનો રોલ કરી રહેલા વજીર મોહમ્મદ ખાને ભારતનું પહેલું સોંગ ગાયું હતું. રોમેન્ટિક સોંગ કે ડાન્સ નંબર નહોવા છતાં, દે દે ખુદા કે નામ પે પ્યારે....ખૂબ જ પોપ્યુલર થયું હતું. ફિલ્મમાં જેમ તેમ કરીને સોંગ્સ રાખવાનો સામાન્ય લાગતો આ નિર્ણય કેટલો દૂરદર્શી હોય શકે છે તેની ખાતરી ત્યારબાદના સિંગર્સ મોહમ્મદ રફી, કિશોર કુમાર, મુકેશ, મન્ના ડે, હેમંત કુમાર, લતા મંગેશકર, આશા ભોંસલે, ગીતા દત્ત, શમશાદ બેગમની યાદી પરથી મેળવી શકાય છે.
રાત્રે ૧થી ૪ વચ્ચે શૂટિંગ
અમેરિકન સાઉન્ડ રેકોડસ્ટ વિલ્ફોર્ડ ડેમિંગને રેકોડગ સાધનો સેટ કરવા અને અવાજ રેકોર્ડ કરવા માટે ખાસ મુંબઈ બોલાવવામાં આવ્યા હતાં. દિવસના ૧૦૦ રૂપિયાની ફી વસૂવતા ડેમિંગ થોડા સમય બાદ ન પોસાતા ઈરાનીએ બિનઅનુભવી ટીમ સાથે સાઉન્ડ રેકોર્ડની જવાબદારી લીધી હતી. આ જવાબદારીની આડે મુંબઈની લોકલ ટ્રેન આવી ગઈ હતી. ગ્રાન્ટ રોડ પર આવેલા જ્યોતિ સ્ટૂડિયોને જાડા ધાબળાઓથી સાઉન્ડ પ્રૂફ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્ટુડિયો રેલવે ટ્રેકની નજીક હોવાથી લાઈવ રેકોડગ માટે રાત્રે ૧થી ૪ વાગ્યાની વચ્ચે ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ સમયે ટ્રેનની અવરજવર બંધ રહેતી હતી. કલાકારો સવારે રિહર્સલ કરતા અને રાત્રે શૂટિંગ. આ ફિલ્મ સાથે જ ભારતમાં નાઈટ શૂટિંગનો દોર શરૂ થયો હતો.
એક્ટર્સ સામે બીજી સૌથી મોટી ચેલેન્જ હતી કે તેઓ ભલે મૂંગી ફિલ્મોમાં અભિવ્યક્તિના માસ્ટર હતા પરંતુ, તેમને ડાયલોગ ડિલિવરીનો કોઈ જ અનુભવ નહતો. પેન્ટોમાઈમમાં જોરદાર લાગતા અવાજ રેકોર્ડ કરવામાં આવે ત્યારે સાંભળીને તે પણ હસી પડતા હતા. કોઈ રીટેક નહીં. કોઈ ડબીંગ નહીં અને માઈક્રોફોનને પડદા પાછળ અથવા પ્રોપ્સ અને કોસ્ચ્યુમમાં છૂપાવીને શૂટિંગ કરવામાં તે સમયના મહાન કલાકારોના શ્વાસ અદ્ધર થઈ જતા હતા. ઈરાનીએ આ ફિલ્મ માટે ડાયલોગ, મ્યુઝિક અને સ્પીડનો ગજબનો તાલમેલ ગોઠવવો પડયો હતો.
આઠ અઠવાડિયા હાઉસફૂલ
અનેક લોકોએ ઈરાનીને ચેતવણી આપી હતી કે, ભારતની જનતાને સાયલન્ટ ફિલ્મો વધારે ગમે છે. ફિલ્મમાં સાઉન્ડ ઉમેરીને તમારે પસ્તાવાનો વારો આવશે. પરંતુ, અનેક વિરોધ વચ્ચે પણ ઇતિહાસનો ભાગ બનવા ઉત્સુક ક્એ ૪૦,૦૦૦ રુપિયાના બજેટમાં બનાવવામાં આવેલી ફિલ્મ માટે ઓછા ખર્ચે કામ કરીને ઈરાનીનો સાથ આપ્યો હતો. ફિલ્મના સિનેમેટોગ્રાફર આદિ. એમ. ઈરાનીએ ચાર મહિનામાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. એડિટર ઇઝરા મીરે બે કલાકની આ ફિલ્મની ૧૦,૫૦૦ ફૂટ લાંબી રીલ બનાવી હતી. છેવટે જ્યારે, આલમ આરાનું પ્રીમિયર બોમ્બેના મેજેસ્ટિક થિયેટરમાં રાખવામાં આવ્યું ત્યારે હોબાળો મચી ગયો હતો. ભારે ભીડને કંટ્રોલ કરવા માટે થિયેટરની બહાર પોલીસ ગોઠવવી પડી હતી. ચાર આનાની ટિકિટ પાંચ રૂપિયાની થઈ ગઈ હતી. સળંગ આઠ અઠવાડિયા હાઉસફૂલ રહેલી ફિલ્મે ભારતના જ નહીં શ્રીલંકા અને મ્યાંમારના ફિલ્મમેકર્સ માટે એક મોડલ રજૂ કર્યું હતું. ભારતના નેશનલ આર્કાઈવ્સમાંથી ૧૯૬૭માં જ તેની ટ્રેક ગુમ થઈ ગઈ હતી. પરંતુ, આ ફિલ્મે ભારતીય સિનેમાને અમૂલ્ય વારસો આપ્યો છે.
આલમ આરાના સાત સોંગ્સ-
દે દે ખુદા કે નામ પે પ્યારે
બદલા દિલવાયેગા યે રબ
રુઢ ગયા આસમાન, ગુમ હો ગયા મહતાબ
ધાતક નઝરો સે માર દિયા
દિલ ને આરામ પાયા
ભર ભર કે જામ પીલા જા
દર્શન કો તરસ ગઈ અખીંયા
દેશ | ફિલ્મનું નામ | વર્ષ |
યુએસ | ધ જેઝ સિંગર | ૧૯૨૭ |
ફ્રાન્સ | લેસ ત્રોઈ માસ્ક | ૧૯૨૯ |
જર્મની | મેલોડી ડેર વેલ્ટ | ૧૯૨૯ |
સ્પેન | એલ મિસ્ટેરિયો ડે લા પુએર્તા ડેલ સોલ | ૧૯૨૯ |
યુનાઇટેડ કિંગડમ | બ્લેકમેઈલ | ૧૯૨૯ |
બ્રાઝીલ | અકાબારામ-સે ઓસ ઓટારીઓસ | ૧૯૨૯ |
ઇટાલી | લા કાન્ઝોને ડેલ્લદઅમોરે | ૧૯૩૦ |
ભારત | આલમ આરા | ૧૯૩૧ |
દેશ | ફિલ્મનું નામ | વર્ષ |
ચીન | સિંગ-સાંગ ગર્લ રેડ પીઓની | ૧૯૩૧ |
જાપાન | મડામુ તો ન્યોબો | ૧૯૩૧ |
સોવિયેત રશિયા | પુત્યોવકા વ ઝિઝન | ૧૯૩૧ |
તુર્કી | ઇસ્તાનબુલ સોકાકલરિન્દા | ૧૯૩૧ |
મેક્સિકો | સાંતા | ૧૯૩૧ |
ઇજિપ્ત | ઉનશુદાત અલ-ફુઆદ | ૧૯૩૨ |
દક્ષિણ કોરિયા | ચુનહયાંગ-જોન | ૧૯૩૫ |