
જ્યારથી પરેશ રાવલ 'હેરા ફેરી 3' (Hera Pheri 3) છોડી રહ્યા છે તેના સમાચાર આવ્યા છે, ત્યારથી ફેન્સે સોશિયલ મીડિયા પર નવા બાબુ ભૈયા માટે પોતાના સૂચનો આપવાનું શરૂ કરી દીધું છે. આ ફિલ્મના દિગ્દર્શક પ્રિયદર્શન છે અને આ એક કોમેડી ફિલ્મ છે, જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફેન્સ વર્ષો બાદ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટીને જોવા માટે ઉત્સુક હતા. પરંતુ પરેશ રાવલે આ ફિલ્મ છોડી દેતા હવે આ ત્રિપુટી તૂટી ગઈ છે. આ દરમિયાન પંકજ ત્રિપાઠીનું નામ સામે આવ્યું છે. પણ શું તે ખરેખર પરેશ રાવલનું સ્થાન લેશે? ચાલો તમને જણાવીએ કે તેણે આ વિશે શું કહ્યું.
પંકજ ત્રિપાઠીનું નિવેદન
એક ઇન્ટરવ્યુમાં, જ્યારે પંકજ ત્રિપાઠીને પૂછવામાં આવ્યું કે સોશિયલ મીડિયા પર લોકો તેને 'હેરા ફેરી 3' (Hera Pheri 3) માટે પરફેક્ટ માની રહ્યા છે, ત્યારે તેણે કહ્યું, "મેં પણ આ સાંભળ્યું અને વાંચ્યું છે, પણ મને વિશ્વાસ નથી આવતો. પરેશ જી ખૂબ જ સારા અભિનેતા છે. હું તેમની સામે કંઈ નથી. હું તેમનો ખૂબ આદર કરું છું અને મને નથી લાગતું કે હું આ પાત્ર માટે યોગ્ય છું."
પરેશ રાવલે કાનૂની નોટીસ મોકલી
એક અહેવાલ અનુસાર કે અક્ષય કુમારે તેમના પ્રોડક્શન હાઉસ, કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા પરેશ રાવલને 25 કરોડ રૂપિયાની કાનૂની નોટિસ મોકલી છે. તેનું કહેવું છે કે 'હેરા ફેરી 3' (Hera Pheri 3) નું શૂટિંગ શરૂ કર્યા પછી અને કોન્ટ્રકટ પર સાઈન કર્યા પછી પરેશ રાવલે અચાનક ફિલ્મ છોડી દીધી, જે વ્યાવસાયિક રીતે યોગ્ય નહતું.
આના જવાબમાં પરેશ રાવલે રવિવારે X પર લખ્યું, "હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે મેં ફિલ્મ છોડી દીધી છે પરંતુ તેનું કારણ દિગ્દર્શક પ્રિયદર્શન સાથે કોઈ ઝઘડો નથી. હું તેમનો ખૂબ આદર અને પ્રશંસા કરું છું."
પંકજ ત્રિપાઠીનો આગામી પ્રોજેક્ટ
પંકજ ત્રિપાઠી ટૂંક સમયમાં 'ક્રિમિનલ જસ્ટિસ 4' માં જોવા મળશે. આ સિરીઝમાં તેની સાથે બરખા સિંહ, મોહમ્મદ જીશાન અયુબ, સુરવીન ચાવલા, મીતા વશિષ્ઠ, આશા નેગી, શ્વેતા બસુ પ્રસાદ અને ખુશ્બુ અત્રે પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ શો 29 મેથી JioHotstar પર સ્ટ્રીમ થશે.