
સામાન્ય રીતે મેળો એટલે એક પ્રકારનો ઉત્સવ, ઉજવણીનો પ્રસંગ. પરંતુ સાબરકાંઠા જિલ્લામાં આ બધાથી હટકે ભરાય છે ચિત્ર વિચિત્રનો મેળો. કે જ્યાં આદિવાસી જનતા પોતાના સ્વજનોને યાદ કરી પોક મૂકીને રડે છે. તો યુવાન હૈયાઓ પાન ખવડાવી પોતાની પ્રેમિકા સાથે પ્રણય સંબંધે બંધાય છે.
ક્યાંક... હૈયાફાટ રૂદન...તો ક્યાંક છે અજંપાભરી શોકની કાલીમા. આવા દ્રશ્યો છે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામે ભરાતા ચિત્ર વિચિત્રના મેળામાં. અહીં ભરાતા મેળામાં આ બધું જોવા મળતું હોય છે. સામાન્ય રીતે મેળો એટલે એક પ્રકારનો ઉત્સવ કે આનંદ-મોજ કરવાનો અવસર. પરંતુ આ બધાથી વિચિત્ર રીતે જેનું નામ જ કૌતુકતા જન્માવે છે તેવો ચિત્ર વિચિત્ર મેળો. ગુણભાખરી ગામે ભરાય છે. દર વર્ષે હોળી પછીની અમાસના દિવસે આ મેળો ભરાય છે કે જ્યારે ઘઉંનો પાક તૈયાર થવામાં હોય છે. સાબરમતી, આકુળ અને વ્યાકુળ એમ ત્રણ નદીઓના ત્રિવેણી સંગમ પર આવેલા મુખ્ય મંદિરના સાન્નિધ્યમાં મેળો ભરાય છે. જેમાં ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી ભાઇ-બહેનો જોડાય છે. હજારોની સંખ્યામાં લોકો આ મેળામાં ઉમટી પડે છે.
મેળાની પૂર્વ સંધ્યાએ આદિવાસી મહિલાઓ નદીકાંઠે ભેગી મળીને પૂર્વજોને યાદ કરે છે. આદિવાસી જનતા મેળામાં આવીને પોતાના મૃત સ્વજનોને યાદ કરી હૈયાફાટ રુદન સાથે શોક મનાવે છે. ત્યારબાદ બીજા જ દિવસે રંગબેરંગી વાતાવરણ અને ઢોલ-નગારાના નાદ સાથે મેળાનો પ્રારંભ થાય છે.
આ દરમિયાન આદિવાસી ભાઇઓ સામાન્ય રીતે વાદળી શર્ટ, ધોતી અને લાલ કે કેસરી રંગનો ફેંટો કે પાઘડી પહેરેલા જોવા મળે છે. જ્યારે સ્ત્રીઓ 20 યાર્ડ જેટલા લાંબા ઘાઘરા અને માથેથી લઇને પગ સુધી ભારેખમ ચાંદીના દાગીનાઓથી વીંટળાયેલી દ્રશ્યમાન થાય છે. તો વળી કેટલીક સ્ત્રીઓ ઝાડ, પાન કે ઘાસ જેવા કુદરતી તત્વોમાંથી બનાવેલા કલાત્મક દાગીનોઓ પણ પહેરે છે. શહેરી મહિલાઓની જેમ અહીંની આદિવાસી બહેનો પણ એટલી જ શૃંગારપ્રિય હોય છે. ફાગણી અમાસના દિવસે રાજસ્થાન સહિત આ વિસ્તારના આદિવાસી લોકો અહી મોડીસાંજથી જ આવી જાય છે. અને વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોને યાદ કરી છેલ્લી વારનું રડી લે છે. અને તેના અસ્થીઓને વિસર્જન કરી દેતા હોય છે.
જો કે સવારે સૂરજનું પ્રથમ કિરણ આકલ, વાકળ અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ પર પડે કે તરત જ રુદન બંધ કરી દેવાય છે. અને પછી આ આદિવાસી જનતા જતી રહે છે મેળો મ્હાલવા. તો અહીની એક અન્ય પણ ખાસિયત એ છે કે, આ મેળામાં જો કોઈ યુવકને યુવતી ગમી જાય તો એ યુવક યુવતીને પાન ખવડાવવા લઇ જાય છે. અને જો યુવતીને પણ તેના પ્રત્યે અનુરાગ થાય તો તે એ યુવકના હાથનું પાન ખાઈને સંમતિ આપી દે છે. અને બાદમાં બંનેના પરિવાર જનો એકઠા થઈને લગ્નના મંગળ ગીતો ગાઈને એક નવા સંબંધની શરૂઆત
કરે છે.
ચિત્ર-વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં યોજાતો આ મેળો અસલ આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી જાય છે. પોતાના મૃત સ્વજનોના શોક સાથે અહી અનેક નવદંપતીઓં પ્રણય સંબંધોથી પણ જોડાય છે. અને એટલે જ આદિવાસી પ્રજાની આ ભવ્ય સંસ્કૃતિને જાણવા માણવા માટે વિદેશીઓ પણ મોટી સંખ્યામાં અહીં ઉમટી પડે છે.