Home / India : 15% of time was wasted in dealing with 'fake news' during Operation Sindoor: CDS Anil Chauhan

ઓપરેશન સિંદૂર દરમિયાન ‘ફેક ન્યૂઝ’નો સામનો કરવામાં 15 ટકા સમય બગડ્યો હતોઃ CDS અનિલ ચૌહાણ

ઓપરેશન સિંદૂર દરમિયાન ‘ફેક ન્યૂઝ’નો સામનો કરવામાં 15 ટકા સમય બગડ્યો હતોઃ CDS અનિલ ચૌહાણ

સિંગાપોરમાં યોજાયેલી વિશ્વભરના સંરક્ષણ નેતાઓની મીટિંગ ‘શાંગરી-લા ડાયલોગ’માં ભારતના ‘ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ’ (CDS) જનરલ અનિલ ચૌહાણે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન લગભગ 15 ટકા સમય ‘ફેક ન્યૂઝ’નો જવાબ આપવામાં બગડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આના પરથી સ્પષ્ટ થાય છે કે ભારતને ‘માહિતી યુદ્ધ’ એટલે કે ઈન્ફોર્મેશન વૉરફેર માટે એક અલગ અને ખાસ પ્રકારની શાખાની જરૂર છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જવાબ આપવામાં વિલંબ થયો

જનરલ અનિલ ચૌહાણે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની વ્યૂહરચના તથ્ય-આધારિત સંદેશાવ્યવહાર પર આધારિત રહી હતી, જેના કારણે જવાબ આપવામાં થોડો વિલંબ થયો. વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ ઓપરેશનમાં વ્યસ્ત હોવાથી શરૂઆતમાં બે મહિલા અધિકારીએ મીડિયા સાથે વાત કરી હતી.

ચીન તરફથી પાકિસ્તાનને મદદ મળી હોવાના કોઈ પુરાવા નથી

જનરલ ચૌહાણે જણાવ્યું હતું કે, એવું માનવામાં આવે છે કે પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન ચીનની કોમર્શિયલ સેટેલાઈટ છબીનો ઉપયોગ કર્યો હશે, પરંતુ અત્યાર સુધી એવા કોઈ પુરાવા નથી કે તેને રિયલ-ટાઈમ લક્ષ્ય (ટાર્ગેટિંગ)ની મદદ મળી હોય. 

ભારતે સ્વદેશી અને વિદેશી સિસ્ટમની મદદથી સફળતા મેળવી

ટેક્નોલોજીની વાત કરતા તેમણે કહ્યું કે, ભારતે આ ઓપરેશનમાં 'આકાશ મિસાઈલ સિસ્ટમ' જેવી સ્વદેશી સિસ્ટમનો ઉપયોગ કરીને મોટી સફળતા મેળવી હતી. ભારતે સ્વદેશી અને વિદેશી રડાર સિસ્ટમોને જોડીને એક મજબૂત અને સંકલિત સંરક્ષણ માળખું બનાવ્યું હતું, જેથી યુદ્ધ દરમિયાન યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લઈ શકાયા હતા. આ યુદ્ધ એક ‘નોન-કોન્ટેક્ટ, મલ્ટી-ડોમેન’ સંઘર્ષ જેવું હતું, જેમાં જમીન, હવા, સાયબર અને અન્ય ક્ષેત્રોનો ઉપયોગ કરાયો હતો. આમ, તેમાં ગતિશીલ અને બિન-ગતિશીલ શસ્ત્રોનો ઉપયોગ પણ થયો, જે ભવિષ્યમાં થનારા યુદ્ધોનું ઉદાહરણ છે.

લાંબો સમય ચાલનારું યુદ્ધ વિકાસમાં અવરોધ સર્જે છે

જનરલ ચૌહાણે કહ્યું હતું કે, આર્થિક દૃષ્ટિકોણથી વિચારીએ તો લડ્યા વિના લાંબા સમય સુધી સૈન્ય દળોને યુદ્ધ માટે તૈનાત રાખવા એ ખૂબ ખર્ચાળ સાબિત થાય છે. તેથી ભારત ઓપરેશન સિંદૂર ઝડપથી આટોપી લીધું હતું. લાંબો સમય ચાલતું યુદ્ધ કોઈપણ દેશના વિકાસમાં અવરોધ સર્જે છે. દુશ્મન પણ આ વાત સમજે છે. 

કોઈ પણ યુદ્ધ નુકસાન વિના નથી થતું 

જનરલ ચૌહાણે કહ્યું હતું કે, કોઈ પણ યુદ્ધ નુકસાન વિનાનું નથી હોતું, પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે આપણે એના વિશે કેવી પ્રતિક્રિયા આપીએ છીએ. ભારતે ત્રણ દિવસમાં મજબૂત અને યોગ્ય પ્રતિભાવ આપ્યો અને પરિસ્થિતિ વધુ ન વકરે એનું ધ્યાન રાખ્યું હતું, જેથી આપણે પક્ષે ઓછું આર્થિક નુકસાન થાય.

સાયબર ઓપરેશન્સની ભૂમિકા મર્યાદિત

જનરલ ચૌહાણના જણાવ્યા મુજબ, આ યુદ્ધમાં સાયબર ઓપરેશન્સની ભૂમિકા મર્યાદિત હતી. કેટલાક ‘ડિનાયલ-ઓફ-સર્વિસ’ હુમલા (સાયબર હુમલા) થયા હતા, પરંતુ ભારતની લશ્કરી પ્રણાલીઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહી હતી. સામાન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા કેટલાક પ્લેટફોર્મમાં થોડા વિક્ષેપ પડ્યા હતા, પરંતુ લશ્કરી કામગીરી સંબંધિત કોઈ સિસ્ટમને અસર થઈ ન હતી.

જો જાનહાનિ ઓછી થાય, તો સંઘર્ષનું જોખમ વધશે

જનરલ ચૌહાણે ઓટોમેશન અને રોબોટિક્સ બાબતે કહ્યું હતું કે, જો યુદ્ધમાં જાનહાનિ ઓછી થવા લાગે છે, તો સંઘર્ષનું જોખમ વધે છે. સૈનિકો જીવ નથી ગુમાવતા ત્યારે અધિકારીઓ વધુ આક્રમક નિર્ણયો લેવા લાગે છે. આ માનસિકતા યુદ્ધની નીતિઓ અને નીતિશાસ્ત્ર બંને માટે એક મોટો પડકાર ગણાય.

પરમાણુ સંઘર્ષ નિરર્થક છે

જનરલ ચૌહાણે કહ્યું જતું કે, અઘોષિત યુદ્ધમાં પરમાણુ સંઘર્ષ નિરર્થક છે, તાર્કિક નથી. આ કટોકટીકાળ દરમિયાન ભારતે પરમાણુ સંઘર્ષ બાબતે સંપૂર્ણ સ્પષ્ટતા અને સ્વાયત્તતા જાળવી રાખી હતી.

વ્યૂહાત્મક અંતર જાળવવું મહત્ત્વપૂર્ણ છે

ભારત-પાકિસ્તાન સંબંધો બાબતે તેમણે કહ્યું કે, પાકિસ્તાન સાથે વ્યૂહાત્મક અંતર જાળવવું મહત્ત્વપૂર્ણ છે. આ બાબતે આપણે દિશાહીન નથી. આઝાદ થયેલા ત્યારે પાકિસ્તાન ઘણી બાબતોમાં ભારત કરતાં આગળ હતું, પરંતુ આજે ભારત GDP, સામાજિક સંવાદિતા અને વિકાસમાં પાકિસ્તાન કરતાં ક્યાંય વધુ આગળ છે. આ પ્રગતિ લાંબા ગાળાની વ્યૂહરચનાનું પરિણામ છે. ભારતે સંવાદિતા જાળવી રાખવા રાજદ્વારી પ્રયાસો પણ કર્યા હતા. જેમ કે, 2014માં વડાપ્રધાન દ્વારા નવાઝ શરીફને આમંત્રણ અપાયું હતું, પરંતુ બદલામાં કોઈ પ્રતિભાવ મળ્યો નહોતો. તેથી આવા પડોશી સાથે વ્યૂહાત્મક અંતર જાળવવું મહત્ત્વપૂર્ણ છે.

 

 

Related News

Icon