
- વૈશાખી બપોરના બળબળતા વાયરામાં સુરક્ષાકવચ પૂરું પાડતાં અને ફેશનેબલ દેખાતાં સુતરાઉ વસ્ત્રો
ઓ.. બાપ..રે.. કેટલી બધી ગરમી છે. પરસેવાના તો રેલ રેલા નીતરે છે. આવો બળાપો કરતી સ્ત્રી તમને તમારી આસપાસમાં વારંવાર જોવા મળશે. આ વખતનો ઉનાળો જ એટલો આકરો છે તેમાંય શહેરની અંદર તો પ્રદૂષણ પણ વધુ હોય.
કવિ સુંદરમે વર્ષો પહેલાં એક કાવ્ય લખેલું,જેનાં પાઠય પુસ્તકમાં પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તે કાવ્યનું શિર્ષક હતું. ''વૈશાખની બપોર'' આ લખાય છે ત્યારે વૈશાખ મહિના ધોમધખતા વાયરા વાઇ રહ્યા છે. લોકો ઉનાળાના દિવસોમાં 'ત્રાહિમામ'' પોકારી રહ્યા છે. ગરમીથી બચવા આપણે જાતજાતના ઉપાયો શોધી રહ્યા છીએ. શ્રીમંતો ઘરમાં ચોવીસ કલાક એરકંડીશન ચલાવી રહ્યાં છે,મધ્યમ ઉચ્ચ વર્ગવાળા પોતાનાં રૂમમાં એરકુલર બેસાડે છે,સામાન્ય જનોને પંખા વગર જરા પણ ચાલતું નથી. ફ્રીઝમાં ઠાંસી ઠાંસીને પાણીની બોટલો ઠંડી કરવા મુકવામાં આવે છે,આઇસ્ક્રીમ ખવાય છે,ઠંડા પીણાં પીવાય છે.
ગ્રીષ્મ ઋતુના પ્રતિકાર માટે માનવજાત આવા જાત જાતના ઉપાયો શોધી રહ્યાં છે. ધખધખતી લાવા ઓકતી ગરમીમાં શરીરની ત્વચાના રક્ષણ કાજે પણ કંઇક તો કરવું પડે ને? શરીરને ઢાંકવા કે તેના રક્ષણ કાજે માનવે વસ્ત્ર નામનું કવચ શોધ્યું છે. વસ્ત્રો અને તેના કાપડ અનેક જાતના બને છે. સહુ કોઇને ખબર છે કે કઇ ઋતુમાં કયા વસ્ત્રો પહેરવાથી શરીર શોભે અને તે ઋતુ પ્રમાણેનું વાતાવરણ જિરવી શકાય.
બળબળતી ગરમીમાં શરીરની ત્વચા તતડી ન જાય એ માટે આપણે સુતરાઉ કાપડનાં વસ્ત્ર પહેરીએ છીએ આ સર્વ સામાન્ય વાત છે. આરબ પ્રદેશોમાં દુનિયાની સહુથી વધુ ગરમી પડતી હોય છે. ત્યાંના લોકો માત્ર ચહેરો જ દેખાય અને સંપૂર્ણ શરીર ઢંકાય તેવા સફેદ સુતરાઉ વસ્ત્રો પહેરે છે. જોકે આપણે ત્યાં એટલી ગરમી પડતી નથી. ફક્ત રણ પ્રદેશના રહીશોને તેનો ત્રાસ સહન કરવો પડે છે. કુદરતે તેઓની ધખધખતી ગરમીમાં રહેવાની શક્તિ આપેલી છે. પરંતુ શહેરી જીવન જીવનારા લોકો માત્ર થોડી ગરમીથી ત્રાસી જતા હોય છે. તેના માટે તેઓ જાતજાતના કોટન કપડાં પહેરવાનો ઉપાય અપનાવે છે.
હાલના સંજોગોમાં લોકો ગરમીના રક્ષણ માટે કોટન વસ્ત્રો અપનાવે એ સ્વાભાવિત છે. હવે તો સુતરાઉ વસ્ત્રોમાં નિતનવી ફેશનનું ચક્ર ફર્યા જ કરે છે. આ પરિવર્તન કપડાંના રૂપરંગમાં જ નથી આવતું,તેમનું મટીરિયલ પોત પણ બદલાતું રહે છે. સતત બદલાતી રહેતી આ ફેશનમાં ક્યારેક ચમકતાં રેશમી કપડાં આગળ હોય,તો શિયાળાની મોસમમાં ગરમ કપડાંની ફેશન હોય છે. ક્યારેક વળી નાયલોન તો ક્યારેક બાફટા સિલ્ક તરફનો ઝોક હોય. આ વિશે આપણે ઊંડાણથી વિચારીશું તો સમજાશે કે સુતરાઉ કપડાં તો આ બધામાં હંમેશા આગળ જ રહ્યાં છે. નાયલોન,ટેરીન,ટેરલીન,પોલિયેસ્ટર,ગેબર્ડીન,પોલીસિલ્ક,જેવા અનેકવિધ સિન્થેટીક કાપડના આક્રમણ સામે પણ ટકાઉ સુતરાઉ ઝીંક ઝીલતું રહ્યું છે.
કપાસ ભારતીઓ માટે ઇશ્વરની અમૂલ્ય ભેટ સાબિત થયો છે. સુતરાઉ કાપડની શોધ ભારતમાં થઇ હતી. સુતરાઉ કાપડના લીધે જ ભારતીયો ચામડીના કેટલાય રોગથી બચી ગયા છે. તે સ્વદેશી હોવાથી સસ્તાં તો હોય છે જે સાથે સાથે ટકાઉ પણ હોય છે. તે શરીરને વધુ માફક આવે છે. કોઇ વ્યક્તિને સુતરાઉ કાપડની એલર્જી હોય તેવું આજ સુધી સાંભળ્યું નથી.
એક સમય એવો પણ હતો જ્યારે ચમકદમકમાં તણાઇ જઇ ભારતવાસીઓને સારા ખોટાની ઓળખ ન હતી. તેઓ વિદેશી સિન્થેટીક કાપડને પ્રાથમિક્તા આપતાં અને સસ્તાં તથા ટકાઉ સુતરાઉ કાપડને પછાત જાતિ માટેનાં સમજીને મોઢું મચકોડતા એનું કારણ માત્ર એટલું છે કે ભારતીયો પહેલેથી જ ચમક દમક માટે પશ્ચિમી સંસ્કૃતિને પગલે ચાલવાને પોતાની ફરજ સમજે છે. જ્યારે વિદેશોમાં પણ સુતરાઉ કપડાંની ફેશન આવી,તેમની માંગ વધી,ત્યારે ભારતમાં પણ જૂના જમાનાનાં સુતરાઉ કપડાં ફેશનની પરિભાષા બની ગયાં.
ગરમીમાં લૂથી બચવું હોય કે શિયાળામાં ઠંડીથી,પરસેવાથી રેબઝેબ ન થવું હોય કે તેની દુર્ગંધથી બચવું હોય,સુતરાઉ કપડાં શરીરના તાપમાનને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. સુતરાઉ કપડાં શરીરની ગરમીને બહાર કાઢી શરીરને ઠંડક પહોંચાડે છે.
કોઇપણ પ્રસંગની શોભા વધારવી હોય,કોલેજ જવું હોય,તમે શાળામાં શિક્ષિકા હો કે ઓફિસમાં કર્મચારી,સુતરાઉ કાપડમાં જે આરામ,સગવડ અને ઠંડક મળે છે,તે સિન્થેટિક કપડાં પહેરવામાં નથી મળતી.
જેમ-જેમ સિન્થેટિક કાપડના દોષ અને સુતરાઉ કાપડના ગુણ સામે આવવા લાગ્યા,તેમ સુતરાઉની બોલબાલા વધવા લાગી. આજે ફક્ત પહેરવા માટે જ નહીં,પરંતુ ઓઢવા-પાથરવા માટે પણ સુતરાઉ કપડાંની વધુ માંગ છે.
દરેક હિન્દુસ્તાનીની દિનચર્યામાં સુતરાઉ કાપડ ક્યાંકને ક્યાંક સંકળાયેલું હોય છે. ભારતની આબોહવાને માફક આવતી મલમલની ધોતી,અવરગંડીની સાડી કે વોયલનો દુપટ્ટો હોય,આ બધાની એક વિશિષ્ટ છટા છે.
જો સુતરાઉ સફેદ કપડાંને બરાબર ધોઇને ગળી કરવામાં આવે,તો તે ચમકી ઉઠે છે. આ સિવાય સુતરાઉ કપડાંનો સરસ આકાર જાળવી રાખવા તેમને સ્ટાર્ચ કરવામાં આવે છે. સ્ટાર્ચ કરવાથી તે કડક થઇ જાય છે. પરિણામે કફ,કોલર વગેરેનો આકાર બરાબર જળવાઇ રહે છે. સ્ટાર્ચ કરેલાં વસ્ત્રો ધોવામાં પણ સરળ રહે છે,કારણ કે મેલના કણો કપડામાં ચોંટવાની જગ્યાએ સ્ટાર્ચમાં ચોંટી જાય છે. આથી કપડાં ધોતી વખતે સ્ટાર્ચ પાણીમાં ભળી જવાથી તેની સાથે મેલ નીકળી જાય છે.
સુતરાઉ કપડાં જો વધારે મેલાં થયાં હોય તો ધોવાનો સોડા પણ વાપરી શકાય છે. સુતરાઉ કપડાં પર તાપમાનની ખરાપ અસર થતી નથી. માટે તેમને ઉકાળી પણ શકાય છે. વૉયલ કે અવરગંડી સિવાય બધાં જ સુતરાઉ કપડાંને બ્રશ કરી શકાય છે. તેમને નીચોવીને સુકવવામાં પણ કોઇ નુકસાન થતું નથી.
સુતરાઉ વસ્ત્રોમાં આછા રંગો,નાની-મોટી પ્રિન્ટને કારણે આધુનિક યુવા પેઢી આવા વસ્ત્રો વધુ પસંદ કરે છે. આથી જ નવી ફેશનનાં વસ્ત્રોમાં સુતરાઉ કાપડ જોવા મળે છે. ગરમીની મોસમમાં તો સુતરાઉ કાપડ આર્શીવાદ રૂપ છે. ચોમાસામાં ભલે સુતરાઉ વસ્ત્રોનો વપરાશ ઘટી જતો હોય,પરંતુ પલળવાનો ડર ન હોય તો સુતરાઉ વસ્ત્ર જેવો પોશાક બીજો એકપણ નથી. અને હવે તો રીંકલ ફ્રી (કરચલી ન પડે તેવો) કોટનનો ડ્રેસ પણ મળે છે. ઇસ્ત્રીની ગડ બરાબર જળવાઇ રહે અને સિલ્ક જેવી ચમક દેખાય તેવા સુતરાઉ ડ્રેસ પણ બજારમાં ઉપલબ્ધ છે.