Botad News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આગ લાગવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. એવામાં બોટાદમાંથી બે દુકાનોમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકાના લાખણકા ગામે ઈલેક્ટ્રોનિક અને પંક્ચરની દુકાનમાં આગ લાગવાની માહિતી મળી રહી છે. લાખણકા ગામે જોરસગભાઈ ડાભીની ઈલેક્ટ્રોનિક અને પંક્ચરની દુકાનમાં વિકરાળ આગ લાગી હતી.
દિક્ષાનંત ઈલેક્ટ્રોનિકની દુકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. ગામના સદભાવના ટ્રસ્ટ અને સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો ચલાવી આખરે આગ પર કાબુ મેળવ્યો હતો. ઈલેક્ટ્રોનિક દુકાનમાં આગ લાગતા દુકાનમાં રહેલ લાખો રૂપિયાનો ઈલેક્ટ્રોનિક સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જો કે, મોટી જાનહાનિ ટળી હતી. ઈલેક્ટ્રોનિક અને પંક્ચરની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.