
બોટાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં બોટાદ જિલ્લાના ગઢડામાં પિતા પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પોલીસે તેમને ગણતરીના સમયમાં જ છોડાવી દીધા હતા. ગઢડા પોલીસે ચિરોડા ગામેથી અપહરણ થયેલ પિતા પુત્રને ગણતરીની કલાકમાં છોડાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ગઈકાલે સાંજના સમયે ચિરોડા ગામના ઘુઘાભાઈ કાબાભાઈ વણોદિયા અને પુત્ર રાહુલનું અપહરણ થયું હતું.
બે ઈકો ગાડીમાં સાત શખ્સોએ ચિરોડા ગામેથી પિતા પુત્રનું અપહરણ કર્યુ
મળતી માહિતી પ્રમાણે, બે ઈકો ફોરવ્હીલર ગાડી લઈને સાત શખ્સોએ ચિરોડા ગામેથી પિતા પુત્રનું અપહરણ કર્યુ હતું. અપહૃતના પત્નીએ પોલીસને જાણ કરતા પોલીસ એકશનમાં આવી હતી અને અલગ અલગ ટીમ બનાવીને સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી હતી. પોલીસે એક ઈકો ગાડીને બોટાદથી ઝડપી અપહૃત ઘુઘાભાઈ વણોદિયાને છોડાવ્યા હતા. તો બીજા ઈકો ગાડી લઈને ફરાર થયેલ જેને ખબર પડતા અપહૃત રાહુલને સાયલા રોડ પર છોડી મુક્યો હતો.
પરિણીતા સાથે પ્રેમ સંબંધ મામલે કરાયું હતું અપહરણ
ઘુઘાભાઈ વણોદિયાનો પુત્ર આકાશ જે રાજકોટ વિરમભાઈ ચાવડીયાને તૈયા આઈસર ગાડી ચલાવતો હતો. આકાશને વિરમભાઈના ભાઈના પત્ની સાથે પ્રેમ સંબંધ હતો જેથી તેને લઈને ભાગી ગયેલ જે મામલે પિતા પુત્રનું અપહરણ કરાયું હતું. પોલીસે વિરમભાઈ જાગાભાઈ ચાવડીયા, રામભાઈ જાગાભાઈ ચાવડીયા, દેવાભાઈ ઝાપડાની ધરપકડ કરી છે. પોલીસે કુલ સાત શખ્સો સામે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.