
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી જ પોતે ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા, જેના લીધે તેમણે પોતાનુ કામ અધવચ્ચે જ અટકાવી પરત ફરવુ પડ્યું હતું. તેઓ એક અંડરગ્રાઉન્ટ પ્રોજેક્ટનું નિરિક્ષણ કરવા નીકળ્યા હતાં, ત્યાં પોતે જ ટ્રાફિકમાં અટવાઈ જતાં કામ અધૂરૂ મૂકી પરત ફરવા મજબૂર બન્યા હતાં. સોમવારે પુણેમાં ભારે ટ્રાફિકના કારણે ગડકરીના કાફલાએ આ નિર્ણય લેવો પડ્યો હતો.
ઠેરઠેર પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ
છેલ્લા એક સપ્તાહથી પુણેમાં ભારે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ છે. એવામાં રસ્તા પર ચક્કાજામ પણ વધ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુણેમાં ભારે ટ્રાફિકના કારણે ગડકરી પોતાની આ મુલાકાત અધવચ્ચે અટકાવી પરત ફરવા મજબૂર બન્યા હતાં. કેન્દ્રીય મંત્રી પુણેના જૂના શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા બનાવવામાં આવી રહેલા ફોર લેન અંડરગ્રાઉન્ડ ટનલ પ્રોજેક્ટનું નિરિક્ષણ કરવા જઈ રહ્યા હતાં.
તેઓ પહેલાં નિરિક્ષણ કરશે
વિસ્તારના ધારાસભ્ય હેમંત રસાનેની અપીલ પર કેન્દ્રીય મંત્રી ગડકરી આ પ્રોજેક્ટનું નિરિક્ષણ કરવા તૈયાર થયા હતાં. તેઓ ધારાસભ્ય સાથે શનિવારવાડાના મુખ્ય દ્વાર સુધી પહોંચ્યા હતાં. ધારાસભ્યે તેમને પ્રોજેક્ટની શરૂઆત અને ખર્ચ અંગે માહિતી આપી હતી. જેના પર ગડકરીએ જણાવ્યું હતું કે, તેઓ પહેલાં નિરિક્ષણ કરશે અને બાદમાં આ મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા કરશે.
ટ્રાફિકની સમસ્યા ઉકેલવા અંડરગ્રાઉન્ડ ટનલ બનાવાશે
શહેરમાં વધી રહેલા ટ્રાફિકને ધ્યાનમાં લેતાં સરકારે બે ટનલ બનાવવાનો નિર્ણય લીધો છે. જેમાં એક શનિવારવાડાથી સ્વારગેટ સુધી જશે. બીજી સારસબાગથી શનિવારવાડા સુધી જશે. 2.5 કિમી લાંબી આ ટનલની મદદથી નાગરિકો શિવાજી રોડ અને બાજીરાવ રોડ પર થતાં ટ્રાફિકથી છૂટકારો મેળવી શકશે. શિવાજી રોડ પર શનિવારવાડાથી સ્વારગેટ સુધી રોજ ટ્રાફિક હોય છે.
પોલીસ પ્રશાસનની ગેરસમજ
નાહરિકોની સુવિધા અને મંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં પોલીસે ગડકરીને નિરિક્ષણ પ્રક્રિયા ટૂંકાવવા ભલામણ કરી હતી. કેન્દ્રીય મંત્રી આ ભલામણ પર સહમત પણ થયા હતા. પરંતુ પોલીસ અને નગર પ્રશાસનની ગેરસમજના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. પોલીસને નિરિક્ષણ માટે આવી રહેલા કાફલા અને તેના રૂટ વિશે સંપૂર્ણ જાણકારી ન હતી.