
Amreli news: અમરેલી શહેરમાં આવેલા હનુમાનપરા વિસ્તારની શાળાની બાજુમાં આવેલા મકાનમાં એસઓજી ટીમના અને પ્રથમવાર નાર્કેટિક્સ સ્નિફર ડોગની મદદથી સુકો ગાંજો ઝડપાયો હતો. અમરેલી એસઓજીની ટીમે ગાંજો ઝડપવા માટે દરોડામાં વિશેષ કરીને નાર્કોટિક્સ સ્નિફર ડોગની મદદ લીધી હતી. આ મદદ ખરેખર લેખે લાગી હતી અને એક શખ્સ 1.394 કિ.ગ્રામ ગાંજા સાથે આબાદ રીતે ઝડપાયો હતો.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, અમરેલી શહેરના હનુમાનપરામાં ગાંજો વેચાતો હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, એસઓજીએ પહેલીવાર ડોગને સામેલ કરીને દરોડા પાડયા હતા. જેને નાર્કોટિક્સ સ્નિફર તરીકે ઓળખવામાં આવે છે. સુકો ગાંજો ઝડપાતા એસઓજીની ટીમને સંતોષ થયો હતો. એક શખ્સ ગાંજાના જથ્થા સાથે મોબાઈલ, બાઈક મળી કુલ 54,190નો મુદામાલ કબ્જે લઈ એસઓજીએ સિટી પોલીસને સોંપ્યો હતો. ગાંજો ક્યાંથી લાવતો શહેરમા ક્યાં ક્યાં યુવાનોને ને ગાંજો આપતો હતો? તે અંગે સિટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.