Home / Gujarat / Mehsana : 'If BJP gives you money or something, take it, but vote for Congress': Geniben

'ભાજપ લોભ-લાલચમાં પૈસા કે વસ્તુ આપે તો લઈ લેજો, પણ મત કોંગ્રેસને આપજો': કડીમાં ગેનીબેન ગરજ્યા

'ભાજપ લોભ-લાલચમાં પૈસા કે વસ્તુ આપે તો લઈ લેજો, પણ મત કોંગ્રેસને આપજો': કડીમાં ગેનીબેન ગરજ્યા

ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. એવામાં ગેનીબેન કડી બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાના પ્રચાર માટે મેદાને ઉતર્યા છે. ગેનીબેને કડી બેઠક પર કોંગ્રેસનો પ્રચાર કરતા સમયે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, 'ભાજપ લોભ-લાલચ રૂપે પૈસા કે વસ્તુ આપે તો લઈ લેજો અને પછી કોંગ્રેસને મત આપજો.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગેનીબેને ભાજપ પર કર્યા પ્રહાર

ગેનીબેન કડી બેઠક પર કોંગ્રેસનો પ્રચાર કરવા માટે રાજપુર પ્રચાર સભામાં ભાગ લીધો હતો. રાજપુર ખાતે યોજાયેલી પ્રચાર સભામાં ગેનીબેને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, તમારા ગામમાં આવી છું અને તમે મને સાડી ઓઢાડી છે તો તેનું માન રાખજો. એવામાં જો ચૂંટણી જીતવા માટે ભાજપવાળાઓ નાની-મોટી લોભ-લાલચ આપે કે, પૈસા આપે તો લઈ લેજો. કારણ કે, એમણે કંઈ મજૂરી કરીને ભેગા કરેલા પૈસા નથી. ભાજપ પૈસા આપે એ લઈ લેજો, વાપરવા હોય તો વાપરજો અને ન વાપરવા હોય તો રમેશભાઈના કામમાં વાપરજો પણ છેલ્લે વોટ કોંગ્રેસને આપજો.'

ચૂંટણી પંચને અપીલ

આ વિશે ગેનીબેને ચૂંટણી પંચ અને વહીવટી તંત્રને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે અપીલ કરતા કહ્યું કે, 'અધિકારીઓ, પોલીસ પાસે પણ અપેક્ષા રાખીએ છીએ કે, આ લોકશાહી છે અને લોકશાહીમાં સ્વતંત્ર ચૂંટણી કરાવવાની જવાબદારી વહીવટી તંત્ર અને ચૂંટણી પંચની હોય છે. પરંતુ, જો એ લોકો ભાજપના દબાણમાં આવીને, બે નંબરના ધંધાની છૂટ મળે એ માટે અથવા સારૂ પોસ્ટિંગ મળે એ માટે કોઈપણ પ્રકારના લોભ-લાલચમાં કે દબાણમાં આવીને કોંગ્રેસના કોઈ કાર્યકર્તાને વહીવટી તંત્રએ કે પોલીસે હેરાન કરવાનો પ્રયાસ કર્યો તો એમની સામે પણ લડવા માટે ગેનીબેન અને બળદેવજી સક્ષમ છે.'

રમેશ ચાવડા ચૂંટણી મેદાને

નોંધનીય છે કે, કોંગ્રેસે કડી વિધાનસભા બેઠક પરથી રમેશ ચાવડાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. રમેશ ચાવડા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે. રમેશ ચાવડા વર્ષ 2012માં ચૂંટણીમાં હિતુ કનોડિયાને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. જ્યારે વર્ષ 2017માં ચૂંટણી વખતે રમેશ ચાવડા ભાજપના કરસન સોલંકી સામે ચૂંટણી હારી ગયા હતા.

કડી અને વિસાવદરની બેઠક કેમ ખાલી થઈ બેઠક?

ગુજરાતની વાત કરીએ તો, કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ સિવાય વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યે રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા હતાં, જેના કારણે વિસાવદર બેઠક ખાલી થઈ હતી. 

કઈ તારીખે યોજાશે પેટા ચૂંટણી?

આગામી 19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે. આ દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. જેથી મતદારો કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરી શકે. મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે.

Related News

Icon