
Pahalgam Attack થી ભારતભરમાં આક્રોશ હજુ શાંત નથી થયો ત્યાં કાશ્મીર ખીણમાં હવે કાશ્મીરી પંડિતો અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનું આતંકીઓ કાવતરું ઘડી શકે છે તેમ સુરક્ષા દળોનું માનવું છે. આ જોખમોને ધ્યાનમં રાખતાં સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. બીજીબાજુ Pahalgam આતંકી હુમલાના ચાર શકમંદ આતંકીઓ કઠુઆમાં દેખાયા હોવાનો એક મહિલાએ દાવો કરતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.
સુરક્ષા એજન્સીઓને ઈનપુટ મળ્યા
Pahalgamમાં આતંકીઓએ પર્યટકોને નિશાન બનાવતા હુમલો કરતાં ભારતભરમાં આક્રોશ ફેલાયેલો છે. હવે સુરક્ષા એજન્સીઓને એવા ઈનપુટ મળ્યા છે કે આતંકીઓ બિન કાશ્મીરીઓ, કાશ્મીરી પંડિતો, રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષા દળો પર હુમલા કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, કાશ્મીર ખીણમાં અનેક રેલવે કર્મચારીઓ બિન કાશ્મીરી હોવાથી આતંકીઓ તેમના પર પણ હુમલો કરી શકે છે.
કાશ્મીરી પંડિતો અને પોલીસ કર્મચારીઓ પર હુમલાનું કાવતરું
સુરક્ષા એજન્સીઓએ સ્થાનિક બજારોમાં ફરતા રેલવે સુરક્ષા કર્મચારીઓને બિનજરૂરી તેમના બેરેકની બહાર નહીં નીકળવા ચેતવણી અપાઈ છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI શ્રીનગર અને ગંદરબાલમાં કાશ્મીરી પંડિતો અને પોલીસ કર્મચારીઓ પર હુમલાનું કાવતરું ઘડી રહી હોવાની પણ ચેતવણી અપાઈ છે.
કઠુઆમાં એક મહિલાએ ચાર શકમંદોને જોયા
દરમિયાન જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એક મહિલાએ ચાર શકમંદોને જોયા હોવાનો દાવો કર્યા પછી સુરક્ષા દળોએ કઠુઆના હીરાનગર સેક્ટરમાં સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન્સ ગૂ્રપ સ્થળ પર પહોંચી ગયું હતું અને સ્થાનિક પોલીસ સાથે મળીને વિસ્તારની ઘેરાબંધી કરી સઘન તલાશી અભિયાન હાથ ધર્યું હતું.
બીજીબાજુ pahalgam હુમલાની સાક્ષી ઉત્તર પ્રદેશના જૌનપુરની એક મહિલાએ દાવો કર્યો કે હુમલાના બે દિવસ પહેલા 20 એપ્રિલે તે એક જૂથ સાથે બૈસારન ફરવા ગઈ ત્યારે સ્કેચમાં જોવા મળેલા એક આતંકીએ તેને ખચ્ચર પર સવારી કરાવી હતી. મહિલા પ્રવાસીએ દાવો કર્યો કે આ શકમંદે તે સમયે તેને ધર્મ, ધાર્મિક સ્થળોની યાત્રા અને મિત્રોની ધાર્મિક ઓળખ અંગે સવાલ કર્યા હતા. મહિલા પ્રવાસીએ તેના ફોનમં એક ફોટો અને વોટ્સએપ ગૂ્રપનો સ્ક્રીનશોટ પણ બતાવ્યા હતા, જેમાં તેના મિત્રો પણ આ વ્યક્તિને ઓળખી કાઢ્યો હતો. ખચ્ચરવાળો યુવક તેમના ધર્મ અંગે પણ પૂછપરછ કરી રહ્યો હતો તેવો પણ મહિલાએ દાવો કર્યો હતો.
મહિલાએ દાવો કર્યો કે આ યુવકના ફોન પર એક કોલ આવ્યો હતો, જેમાં તેણે પ્લાન-એ અને પ્લાન-બી જેવી કોડેડ વાતો સાંભળી. યુવકે કહ્યું, પ્લાન-એ બ્રેક ફેલ, પ્લાન-બી 35 બંદૂકો મોકલું છું, ઘાસમાં છુપાયેલી છે. મીડિયા સાથે વાત કરતો મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. વાયરલ વીડિયોના આધારે સુરક્ષા દળો સક્રિય થઈ ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર વાયરલ ફોટોના આધારે ખચ્ચરવાળા યુવકની અટકાયત કરી હતી. શકમંદ યુવક ગંદરબાલનો નિવાસી અયાઝ અહમદ છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.