Home / GSTV શતરંગ : A fierce sun like the third eye of Shiva

શતરંગ / શિવના ત્રીજા નેત્ર જેવો આકરો તડકો

શતરંગ / શિવના ત્રીજા નેત્ર જેવો આકરો તડકો

લોગઇન :

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સૌમ્ય બે શિવનાં નેત્રો સમાં પ્રાત: અને નિશા,

મધ્યે મધ્યાહ્નની ત્રીજા હરનેત્રની ઉગ્રતા.

ઘટામાં વૃક્ષની ઘેરી ક્લાન્ત આતપથી ઢળ્યો,

માતરિશ્વા રહ્યો હાંફી ઉષ્ણ શ્વાસે દઝાડતો.

આકાશી આમ્રના વૃક્ષે, પાતળાં જલદાન્વિત,

શોભે મધ્યાહ્નનો સૂર્ય, પાકેલી શાખ સો પીત.

ઉઘાડે અંગ જાણે કો જોગી ફાળ ભરી જતો,

છુટ્ટી ઝાળજટા એની તામ્રવર્ણી ઉડાડતો.

ઢળતી સાંજ ને ઓછી થતી સૂર્યની ઉગ્રતા,

વળતી સૃષ્ટિની મૂર્છા; રૃંધાયા શ્વાસ છૂટતા.

ઢળેલો દ્રુમછાયામાં ધીમેથી વાયુ જાગતો,

લહેરોમાં શીળી ધીમી ગતિનું ગાન ગુંજતો.

આકરા તાપને અંતે રાત્રિ શી સૌમ્ય ને શીત!

આકરા તપને અંતે જાણે પાર્વતીનું સ્મિત! - જયંત પાઠક

આપણે ત્યાં ઋતુકાવ્યોનો આગવો મહિમા છે. અત્યારે ઉનાળો પૂરબહાર ખીલ્યો છે ત્યારે જયંત પાઠકની ગ્રીષ્મ ઋતુની આ કવિતા માણવી સૌને ગમે તેવી છે. 

ઉનાળાના આકરા તાપને વર્ણવવા નિરંજન ભગતે લખેલું, 'તગતગતો આ તડકો, ચારેકોર જુઓને કેવી ચગદાઈ ગઈ છે સડકો!' બપોરે બહાર નીકળવું એ યુદ્ધે જવા બરોબર છે. ઘણા માણસો બફાયેલા બટેકા જેવા થઈ જતા હોય  છે. તાપની તોરભરી તુમાખીને સહન કરવી જેવાતેવાનું કામ નથી. સવારે મીઠો લાગતો તડકો બપોર સુધીમાં તો અગ્નિની જ્વાળા જેવો બની જાય છે. મકાઈના દાણા પોપકોર્ન બની જાય એ હદનો તાપ વરસતો હોય છે. તડકામાં સૂકાવા મૂકેલા કાચા પાપડોને શેકવાની જરૂર રહેતી નથી. રમેશ પારેખે લખેલું, 'ઉનાળો ફેલાતો જાય... માતેલો તાપ ઠેઠ જીવ સુધી પહોંચ્યો તે દરિયા પણ સુક્કા દેખાય...' એના તાપમાં તપીને દરિયા જેવા દરિયા ઠરીને સૂક્કા ભઠ થઈ જતા હોય છે. આ લેખ લખનાર કવિએ લખેલું, 'ઉનાળો કાળઝાળ થાય છે, પાંપણથી ગાલ સુધી પહોંચે એ પહેલાં તો આંસુ વરાળ થઈ જાય છે.' આવેલુંં આંસુ ગાલ પર રેલાય એ પહેલાં તો બાષ્પીભવન થઈ જતું હોય છે. દલપતરામે મનહર છંદમાં લખેલું, 'ક્રોધમય કાયા ધરી અરે આ આવે છે કોણ, જેના અંગઅંગોમાંથી ઉપજતી ઝાળ છે.'

કાકાસાહેબ કાલેલકરે ઉનાળાને મધ્યાહ્નનું કાવ્ય કહેલું. ઘણાને તે ગરમાળો અને ગુલમહોલરનો પીળચટ્ટો રળિયામણો સંગમ દેખાય છે. ખલિલ જિબ્રાને કહેલું કે ઉનાળો વધારે અજવાળું લઈને આવે છે. એ ગાળામાં દિવસો મોટા થઈ જાય છે. સમય તો એટલો જ રહે છે, પણ સૂરજની અવધિ વધી જતા આપણને દિવસ મોટો લાગે છે, કામ માટે વધારે સમય મળે છે. અર્થાત્ આ સમય વધારે જિદગી જીવવાનો છે. 

જયંત પાઠકે ગ્રીષ્મ ઋતુનું છંદોબદ્ધ આલેખ્યું છે. પ્રભાત અને સંધ્યા શિવનાં બે શાંત નયનો જેવાંં છે. પરોઢ ઊઘડે તો થાય કે જાણે પ્રભુનાં બે નેત્રો ઊઘડયાં. સાંજ ઢળતા લાગે ભોળાનાથની આંખ મીંચાઈ. પણ બપોરના સમય તો એવો અહેસાસ થાય જાણે શિવનું ત્રીજું નેત્ર ખૂલી ગયુંં. ચારે બાજુ અગનજ્વાળાઓ.. જાણે સમગ્ર ધરતી પર ક્રોધપૂર્વક તેમની નજર ફરી રહી હોય... બધું બાળીને ભસ્મીભૂત કરી દેવાનું હોય તેમ ધરતી સળગતી હોય છે. સૂર્ય તો જાણે આકાશના આંબાની પક્વ ડાળ પર પાકેલુંં પીળું ફળ. બપોરનો સમય કોઈ તામ્રવર્ણી જોગી જટાળો ઉઘાડે ડિલો નીકળ્યો હોય અને તેની ઝાળજટા ચારેબાજુ લહેરાઈ રહી તેવો લાગે છે.  ઢળતી સાંજના સમયે સૂર્યનું રદ્રરૂપ શાંત પડે છે. આખા દિવસના ધધગતા તાપથી મૂર્છિત થઈ ગયેલી વસુંંધરાના શ્વાસ ધબકતા થાય છે. પવન પણ લૂ મટીને શીતળ વાયુનું સ્વરૂપ ધારણ કરે છે. દિવસભરના આકરા તાપને અંતે થયેલી રાત્રી સૌમ્ય અને શીતળ લાગે છે, શિવના ખૂલેલા ત્રીજા નેત્ર જેવો વરવો તાપ વેઠયા પછીની રાત્રી પાર્વતીના મધુર સ્મિત જેવી લાગે છે.  જયંત પાઠકે ઉનાળાને કાળ સાથે પણ સરખાવ્યો છે. આ રહી તેમની અન્ય કવિતા.

લોગઆઉટ:

રે આવ્યો કાળ ઉનાળો

અવની અખાડે, અંગ ઉઘાડે, અવધૂત ઝાળજટાળો.

એના શ્વાસે શ્વાસે સળગે ધરતી કેરી કાયા;

એને પગલે પગલે ઢળતા પ્રલય તણા પડછાયા.

ભરતો ભૈરવ ફાળો, રે આવ્યો કાળ ઉનાળો...

એના સૂકા હોઠ પલકમાં સાત સમુન્દર પીતા

એની આંખો સળગે જાણે સળગે સ્મશાન ચિતા.

સળગે વનતરુડાળો, રે આવ્યો કાળ ઉનાળો...

કોપ વરસતો કાળો રે આવ્યો કાળ ઉનાળો.

- જયંત પાઠક

- અંતરનેટની કવિતા - અનિલ ચાવડા

Related News

Icon