
- 'તારું કશું ન હોય તો છોડીને આવ તું, તારું જ બધું હોય તો છોડી બતાવ તું.'
- કિશોર વયે કથામાં સાંભળેલી 90 વર્ષના માજીની વાર્તા વર્ષો વીતતા વધુ સમજાય તેવી છે
વર્ષો પહેલા કથામાં એક વાર્તા સાંભળી હતી. નેવું વર્ષના એક માજી છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. આમ તો તેઓ અર્ધ સભાન જેવી અવસ્થામાં હતા. દિવસ દરમ્યાન ધાર્મિક પુસ્તકો રહેતા તે કબાટ તરફ આંગળી ચીંધીને ટુકડે ટુકડે
'ભગવદ્ ગીતા.. ભગવદ્ ગીતા ..' બોલતા હતા. માજીના પરિવારજનો કબાટમાંથી ભગવદ્ ગીતાનો એક ગ્રંથ તેમની પાસે લાવે પણ માજી તેવો ઈશારો કરતા કે આ નહીં બીજો ગ્રંથ મારી પાસે લાવો.
પરિવારજનોને સ્વાભાવિક પણે એમ હોય કે માજીને તેમના અંતીમ સમયમાં કોઈ ખાસ ભગવદ્ ગીતાનો શ્લોક શ્રવણ કરવાની ઈચ્છા હશે. માજી ધાર્મિક પુસ્તકોનું વિશાળ વાંચન કરતા.
આમ વારાફરતી એક નહીં તો બીજો અને માજી તે ગ્રંથ કે પુસ્તક નજીક આવે તો ના પાડે એટલે પરિવારજનો કબાટમાંથી ભગવદ્ ગીતાનો ત્રીજો ગ્રંથ લાવ્યા. માજીએ તે પણ નહીં એમ કહેતા નિ:સાસા સાથે શ્વાસ મૂક્યો અને તેમનું નિધન થયું.
પરિવારજનોએ અંતિમ ક્રિયા અને વિધિ વગેરે પણ સંપન્ન કરી. આમ છતાં પરિવારજનોને તે રંજ રહ્યો કે 'અમે માજીની અંતિમ ઈચ્છા સમાન તેઓ માંગતા હતા તે ભગવદ્ ગીતાનું પુસ્તક કબાટમાંથી ન શોધી શક્યા. કબાટમાં જુદા જુદા પ્રકાશનો અને વિવેચકોના ગીતા પરના પુસ્તકો રહેતા.
આમ ને આમ માજીના નિધન થયે પંદરેક દિવસ વીતી ગયા. એવામાં પરિવારના ગુરુ સમાન એક જ્ઞાની વડીલ શોક વ્યક્ત કરવા ઘેર આવ્યા.
આ વડીલ માજીની એક એક વિચાર વૃત્તિથી પરિચિત હતા. વર્ષોનો પરિચય હતો.
પરિવારજનોએ તે ગુરુજન જેવા વડીલ સમક્ષ દિલ ખોલીને વાત કરી કે 'માજીની અંતિમ ઈચ્છા અમે પૂરી ન કરી શક્યા. તેમને ભગવદ્ ગીતાના ત્રણેક પુસ્તકો નજીક લાવીને બતાવ્યા પણ તેમણે હતાશાના હાવભાવ વ્યક્ત કરતા તે ત્રણેય તેમની ઇચ્છા મુજબના પુસ્તકો નથી તેમ જણાવતા શ્વાસ મૂક્યો. વડીલ, તમે કહી શકશો કે માજીને આખરે ભગવદ્ ગીતાનું કયુ પુસ્તક જોઈતું હશે.'
વડીલની આંખો સમક્ષ માજીનું ચરિત્ર અને કેટલાક પ્રસંગો તરવર્યા. વડીલ તો માજી જોડેના દાયકાઓ જુના સંબંધને કારણે જાણતા જ હતા કે માજી ગમે તેટલા ધાર્મિક કે તત્ત્વદર્શનના પુસ્તકો વાંચતા હોય પણ તેમની પ્રકૃતિમાં કોઈ પરિવર્તન આવ્યું નહોતું.
વડીલે ધાર્મિક પુસ્તકોના કબાટ તરફ જઈને પરિવારજનોએ જે નહોતું બતાવ્યું તે ભગવદ્ ગીતાનું પુસ્તક બહાર કાઢીને તેના કેટલાક પાના ફેરવ્યા. તે પછી કહ્યું કે 'હું જ્યારે જ્યારે ઘેર આવતો ત્યારે માજી ભગવદ્ ગીતા પરનું આ પુસ્તક વાંચતા જોઈ શકાતા હતા અને તેમની અંતિમ ઈચ્છા વખતે એટલે કે શ્વાસ છોડયો ત્યારે આ પુસ્તક જ નજીક લાવવાનો ઈશારો કરતા હતા.'
પરિવારજનોનું કુતૂહલ વધ્યું. તેઓએ વડીલને પૂછયું કે તમે એમ કઈ રીતે કહી શકો કે 'માજીને ભગવદ્ ગીતાનું આ પુસ્તક જ જોઈતું હતું.'
વડીલે પરિવારજનોને કહ્યું કે 'મારા માનવા પ્રમાણે માજીએ ક્ષણિક બીજો જન્મ લઈને તેની અંતિમ ઈચ્છા પણ પૂર્ણ કરી લીધી છે અને હવે તેઓ માનવ યોનિમાં જન્મ માટે લાયક પણ બની ગયા હશે.'
પરિવારજનોને કંઇ સમજાયું નહીં. તેઓ ફરી પ્રશ્ન કરે તે પહેલાં જ વડીલે ભગવદ્ ગીતાના તે પુસ્તકના પાના ફેરવ્યા અને દળદાર પુસ્તકના વચ્ચેના બે પાના પર અટકી ગયા.
વડીલે થોડી ગંભીરતા ધારણ કરીને પરિવારજનોને કહ્યું કે 'તમે માઠું ન લગાડતા પણ માજી ભગવદ્ ગીતા કોઈ શ્લોક સાંભળવા નહોતા માંગતા પણ જુઓ આ રહી તે બે પાના વચ્ચેની ૧૦૦ રૂપિયાની બે નોટ જે હવે અંતિમ સમયે તેનાથી દૂર થઈ રહી છે એટલે આ ભગવદ્ ગીતા પુસ્તક મંગાવી જોઈ લેવા માંગતા હતા કે મારી તે એક સો રૂપિયાની બે નોટ તો સલામત છે ને.'
પરિવારજનો તો સ્તબ્ધ થઈ ગયા. તેઓએ પૂછયું કે 'પણ વડીલ તમે કહો છો તેમની અંતિમ ઈચ્છા તેમણે પૂરી કરી લીધી છે. તે કઈ રીતે તે પણ જરા સમજાવો.'
વડીલે મંદ સ્મિત કરતા કહ્યું કે 'જુઓ, આ ભગવદ્ ગીતાના પુસ્તકના બે પાના વચ્ચે જ્યાં એક સો રૂપિયાની બે નોટ છે તેની સાથે વંદી જેવું મૃત જીવડું પણ ચોંટેલું છે. માજીને અંતિમ સમયે પણ એક સો રૂપિયાની બે નોટ માટે એટલો લોભ, સંગ્રહવૃત્તિ અને આસક્તિ હતી કે તેમની નજીક જવા તેમણે વંદી જેવા જીવડાંનો જન્મ લીધો અને તે આ બે પાના વચ્ચે એક સો રૂપિયાની બે નોટ જોડે આવવામાં ચીપકીને મૃત્યુ પામી. આશા રાખીએ કે તેમની અંતિમ ઈચ્છા પૂર્ણ થઈ હશે અને હવે ફરી તેના જીવે સદ્દગતિ પ્રાપ્ત કરી હશે.
વડીલે તે પછી ઉપદેશ આપ્યો કે 'તમારી ઇચ્છા તીવ્ર વાસના કક્ષાની હોય ત્યારે તેની ઇચ્છા પૂર્તિ માટે જીવને અવગતિ થાય તેવો જન્મ તે ઈચ્છા પૂરી કરવા પ્રાપ્ત કરવો જ પડે. કોઈ આકાશમાં ઉપર ચિત્રગુપ્ત જેવું બેઠું હોય અને તે યોનિની ફાળવણી કરે તેવું કંઇ નથી હોતું. પણ જીવની આ એક સહજ અને સ્વયંમ પ્રકૃતિ અને યાત્રા છે.'
કથાકારે કહેલ આ પ્રસંગ સાચો ન પણ હોઈ શકે. કદાચ પુનર્જન્મ કે આત્માની યાત્રામાં શ્રદ્ધા ન હોય તો પણ વાંધો નથી પણ એક વાત તો આપણે સ્વીકારી શકીએ કે જોવાલાયક સ્થળોના પ્રવાસે કે યાત્રા વખતે પણ આપણે હળવાશથી માણી શકીએ એટલે ઓછામાં ઓછો સામાન લઈને જવાનું પસંદ કરીએ છીએ. જેટલો બિનજરૂરી અને આ પણ જરૂર પડશે અને તે પણ જરૂર પડશે તેમ માની સામાનનું વજન વધારીએ તો પ્રવાસ થકાન અને તનાવ ભર્યો તો થઈ જ જાય છે.
ઘણા પ્રવાસીઓ એવા પણ હોય છે કે તેમને ગમતી ચીજ વસ્તુ, દાગીના કે રૂપિયાના બંડલો લઈને એટલે પ્રવાસ કરે કે તેઓ તેને નજરથી દૂર મૂકી જ નથી શકતા.
વિદેશીઓ આપણા કરતાં પ્રવાસ માણી શકે છે તેનું કારણ એ જ કે તેઓ માત્ર એક ખભા ફરતી બેગ લઈને જ નીકળે છે. સંપૂર્ણ પણે શૂન્ય વૃત્તિ સાથે કુદરતના ખોળે હોય છે.
તે જ રીતે જ્યારે આપણે મૃત્યુ વેળા ભલે બીજા જન્મની શ્રદ્ધા ન પણ હોય છતાં સાવ હળવા બનીને, સ્થૂળ રીતે નહીં પણ સુક્ષ્મ રીતે પણ બધું મન અને વિચારથી પણ ત્યજીને કોઈના માટે પણ ફરિયાદ વીના ચીરવિદાય લઈએ તો તે બોજ મુક્ત મૃત્યુનો એહસાસ જ આત્મસાક્ષાત્કાર સમાન બની જાય છે. પ્રવાસ વખતનું કે મહેમાન બનીને વિદાય લેતી વખતનું પેકિંગ હળવું હોય તો ભૌતિક દ્રષ્ટિએ પણ સુખદ અનુભૂતિ આપે જ.
માનવ જગતના રત્ન સમાન સ્વ. રતન ટાટાની વસિયત અંગેના સમાચાર જાણીને વર્ષો પહેલા સાંભળેલ કથાકારનો ઉપરોક્ત પ્રસંગ આ લખનારને યાદ આવ્યો કે ક્યાં આ પ્રસંગના માજી જેવા આપણામાંના બહુમતી સૌ અને ક્યાં રતન ટાટાનું વિચાર અને વર્તનમાં પણ ઉતારેલું જ્ઞાન. દુન્યવી રીતે મૂડીવાદી હસ્તી આ હદે નિ:સ્પૃહ હોઈ શકે?
રતન ટાટાએ તેમના વસિયતમાં તેમની કંપનીના વફાદાર કર્મચારીઓને નામ સાથે ઉલ્લેખ કરીને નોંધપાત્ર રકમ આપવી તેમ જણાવ્યું છે. આ કર્મચારીઓએ લોન લીધી છે તો તેઓની લોન માફી કરવા પણ સૂચના આપી. તેમની કંપનીમાં વર્ષો સુધી રહીને યોગદાન આપનાર મોહિની દત્તાને તો રતન ટાટાએ રૂ.૫૦૦ કરોડ આપવા તેમ જણાવ્યું છે. તેમના પાળેલા કુતરાઓને પણ દર મહિને રૂ.૩૦૦૦૦ મળે તેમ પણ વસિયતમાં સામેલ કર્યું છે. એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ શાંતનું નાયડુને રતન ટાટાએ કોર્નેલ યુનિવર્સિટીમાં એમ.બી.એ. કરવા એક કરોડ રૂપિયાની લોન આપી હતી તે માફ કરી દેવા વસિયતમાં જણાવ્યું છે. એટલું જ ટાટા કંપની જોડે સાત વર્ષથી વધુ કામ કરનાર પ્રત્યેક કર્મચારીઓને એક એક લાખ રૂપિયા આપવા તેમ જણાવ્યું છે. તેમની સાવકી બહેનોને પણ શેર સિવાયની સંપત્તિનો ત્રીજો ભાગ આપ્યો છે.
આજે જ્યારે સીધી લીટીના વારસાનું નામ લખવાનો જીવ નથી ચાલતો ત્યારે રતન ટાટા મેસેજ આપે છે કે વફાદાર કર્મચારી કે ઘર કે રસોઈ કામ વર્ષોથી કરનારનું પણ આપણી સુખ શાંતિ અને પ્રગતિમાં યોગદાન હોય છે. તેઓ પરિવારજન કરતા પણ ઘણી વખત માનવતા બતાવે છે. તેમને વસિયતમાં યાદ કરવા તે રતન ટાટાનું પ્રેરણાદાયી સૌજન્ય કહી શકાય.
આની સામે આપણામાંના ઘણા લેખની શરૂઆતના પ્રસંગના માજી જેવા છે જેઓ છેલ્લા શ્વાસ સુધી એક સો રૂપિયાની બે નોટ પણ છોડી નથી શકતા. ભારતની બેંકોના ખાતામાં કરોડો રૂપિયા એવા છે જે મૃતક ખાતેદારે કોઈપણ વારસના નામે નહીં કર્યા હોઈ એમ જ કાગળના ટુકડાની જેમ પડયા રહ્યા છે. વારસ તો જવા દો એવા કરોડો રૂપિયા છે જે માટે ખાતેદારે તેઓ ન હોય ત્યારે તે રકમ કોને મળે તે માટે નોમિનીનું નામ પણ ન લખ્યું હોય.
અબજો રૂપિયાની એવી સંપત્તિ છે જેની મૃતક માલિકે વસિયત જ નથી બનાવી કેમ કે પોતાનાને પણ તેમના મૃત્યુ બાદ આપવાનો જીવ નથી ચાલતો. કેમ કે વસિયત તો હયાતીમાં લખવાની હોય છે અને તે અવસ્થામાં પોતાનું આપણામાંના કોઈ એકનું થઈ જશે તે ભાવિ હક્ક પણ આપવાની ઉદારતા નથી હોતી.. આજે ભારતમાં એવા અસંખ્ય કેસ કોર્ટમાં છે જેમાં આસક્તિ અને લોભને લીધે વ્યક્તિ વસિયત લખ્યા વગર મૃત્યુ પામી હોય અને વારસો કોર્ટમાં ઝઘડતા હોય.
નવાઈની વાત એ છે કે વિશ્વમાં ભારત જ એવો દેશ છે જ્યાં જીવન અને મૃત્યુ પરના તત્વ દર્શનની બડી બડી વાતો થાય છે. ભગવદ્ ગીતાના શ્લોકને વાત વાતમાં ટાંકવાનો કે
'પરિવર્તન સંસારનો નિયમ છે. જે આજે તમારું છે તે કાલે કોઈ બીજાની થઈ જશે.'
એમ પણ કહેતા રહેવાનું કે 'ખાલી હાથ આવ્યા અને ખાલી હાથ જઈશું.'
'ત્યાગ એ જ જીવન છે.' જેવું સુવાક્ય તો કેલેન્ડરમાં શોભતું જ
હોય છે.
વધુ એક શાયરના અંદાજમાં આપણે કહીશું કે 'યાર જલ્સા કરો ને કફનને ક્યાં ખિસ્સા હોય છે.'
એમ પણ કહેવાય છે ને કે 'જો કોઈને આપશો તો તેનાથી બમણું થઈ આવશે. નેકીનું ભાથું ભરો.'
ભારતમાં આ હદની ફિલસૂફી અને ગીતા બોધ ગળથૂથીમાં હોવા છતાં આપણે લોભી અને સ્વકેન્દ્રી છીએ.
આ તો ખરેખર મૃત્યું પછી ઉપર કંઇ નથી લઈ જવાતું એટલે બાકી ઉપર લઈને પણ જાત.
આની સામે અમેરિકા અને યુરોપમાં દંભી સુવાક્યો અને તત્ત્વ દર્શનના બણગા નથી ફૂંકાતા પણ માત્ર માનવતા અને શિક્ષણનો પ્રચાર, વિદ્યાદાન તે જ શ્રેષ્ઠ દાન તે ધોરણે અબજોપતિઓ યુનિવર્સિટીમાં નવા વિભાગ શરૂ કરવા, સંશોધન અને સ્કોલરશીપ માટે વસિયતમાં લાખો ડોલર લખીને જાય છે. અમેરિકાની મોટાભાગની યુનિવર્સિટી આવી સખાવતોને લીધે જ શક્ય બની છે.
આપણે પણ આશક્તિ ત્યજીને આવી પ્રેરણા લેવી રહી.
(શીર્ષક પંક્તિ: કવિ રાજેશ વ્યાસ 'મિસ્કીન' )