Home / GSTV શતરંગ : Ankita autowali

GSTV શતરંગ / અંકિતા ઓટોવાલી 

GSTV શતરંગ / અંકિતા ઓટોવાલી 

- ઝાકળઝંઝા

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- 'તક ક્યારેય જાતે સામે નથી આવતી. આપણે ઊભી કરવી પડે છે. તમે ભણેલા-ગણેલા લાગો છો. તમારે હિંમત કરવી જોઈએ'

'નિરાલી આવ બેટા, કેમ આજે અચાનક અમદાવાદ આવી. કુમાર અને છોકરાઓ આવ્યા છે કે તું જ નીકળી પડી છું.' - કલ્યાણીબેને ઘરનો દરવાજો ખોલતા ખોલતા દીકરીને આવકારતા કહ્યું. 

નિરાલી કશો જ જવાબ આપ્યા વગર અંદર જઈને સોફા ઉપર ફસડાઈ પડી હોય તેમ ધડામ દઈને બેઠી. કલ્યાણીબેને તરત જ દરવાજો બંધ કરીને એસી ચાલુ કરી દીધું. રસોડામાં જઈને ફ્રિજમાંથી પાણીની બોટલ અને ગ્લાસ લઈને આવ્યા અને નિરાલી સામે ટેબલ ઉપર મૂકીને તેઓ પણ બાજુમાં ગોઠવાયા.

'હું હવે કંટાળી ગઈ છું. તમામ સ્તરે એડજસ્ટમેન્ટ કર્યા. મને નથી લાગતું કે, સાહિલની નોકરીમાં અમારા પરિવારનું કામ ચાલે. ક્યાં સુધી અમે લોકો સંતાઈને તમારી પાસેથી પૈસા લેતા રહીશું. મને લાગે છે કે, મારે નોકરી કરી લેવી જોઈએ. સાહિલ માનતો નથી. મેં તેને કહ્યું કે, આપણે ભરુચ છોડીને અમદાવાદ સેટલ થઈ જઈએ. તે કોઈપણ રીતે માનવા તૈયાર નથી. હું થાકીને આવતી રહી.' - નિરાલીએ વાત જણાવી અને બોટલ જ મોઢે માંડીને પાણી પીધું.

'તું અહીંયા આવતી રહી એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તેં પપ્પાને વાત કરી છે. એવું હોય તો આપણો કાંકરિયાવાળો ફ્લેટ વેચી કાઢીએ. પૈસા તું લઈ જા અને બિઝનેસ શરૂ કર. તું સાંજે પપ્પા આવે એટલે વાત કરી લે.' - કલ્યાણીબેને સરળતાથી કહ્યું. 

'ફ્લેટ વેચીને પૈસા લઈ લેવાથી કંઈ બિઝનેસ થોડા શરૂ થઈ જાય છે. સાહિલ માનતા જ નથી. મેં તેમને કહ્યું કે, અમદાવાદમાં નોકરી મળી જશે. હું પણ નોકરી કરી લઈશ અને રહેવા માટે ઘર તો છે જ, પણ તે ભરુચ છોડીને આવવા તૈયાર નથી. સાહિલને તો એના મા-બાપ પાસે વડોદરા પણ નથી જવું. ખબર નહીં શું ભાળી ગયો છે એની કેમિકલ ફેક્ટરીની નોકરીમાં. હું અને મારા બાળકો આ ગરીબીમાંથી બહાર આવવા માંગીએ છીએ. ક્યાં સુધી અમારે એડજસ્ટ કર્યા કરવાનું.' - નિરાલીના અવાજમાં ભરપૂર આક્રોશ હતો.

'શાંતિ રાખ. પપ્પા સાંજે આવે એટલે શાંતિથી બધી જ વાત કરજે. મારું માનવું છે કે, તમે લોકો અમદાવાદ આવી જાઓ તો કશું જ ખોટું નથી છતાં તારા પપ્પા જાણે અને સાહિલ જાણે. હું તો આ કશામાં પડી નથી અને પડવાની પણ નથી. તેં જ મોટા ઉપાડે લગ્ન કર્યા હતા. હવે તું જાણે અને તારા બાપા જાણે. હું મા તરીકે માત્ર ચિંતા કરી શકું તેનાથી વિશેષ કશું જ ના થાય.' - કલ્યાણીબેને કહ્યું અને નિરાલીનું મોઢું સિવાઈ ગયું.

સાંજે નિરાલીના પપ્પા આવ્યા અને તેણે પોતાના ઘરની અને સાહિલની નોકરીની વાત કરી. પોતે અમદાવાદ આવવાનું વિચારે છે અને અહીંયા જોબ અથવા બિઝનેસ કરવાનું વિચારે છે તેવો પણ વિચાર વ્યક્ત કર્યો. તેના વિચારને તાત્કાલિક ખાસ સમર્થન મળ્યું નહીં. તેના પપ્પાએ માત્ર પછી વાત કરીશું કહીને વાત ટાળી દીધી. 

નિરાલી બીજા બે દિવસ રોકાઈ પણ તેના પિતા દ્વારા ખાસ પોઝિટિવ વલણ બતાવવામાં આવ્યું નહીં અને તે કંટાળીને ઘરે પાછી જતી રહી. તેના વલણમાં પણ કોઈ ફેરફાર આવ્યો નહોતો. તેને હવે પગભર થવું હતું અને કોઈપણ રીતે અમદાવાદ સેટલ થવું હતું. તેની ઈચ્છા હતી કે, પપ્પા કોઈપણ રીતે તેના પ્લાનમાં સાથ આપે અને ઈન્વેસ્ટમેન્ટની વ્યવસ્થા કરી આપે. તેના પ્રયાસ સફળ થતા નહોતા. તેના એક અપર મિડલ ક્લાસ પરિવાર તરીકે જીવવાના અભરખાં વધતા જતા હતા. ભરૂચ જેવા નાનકડા શહેરમાં તેના આ અભરખાં પૂરા થાય તેમ નહોતા.

આ વાતને થોડા મહિના ગયા અને એક દિવસ સવારે નિરાલી પરિવાર સાથે ફરવા નીકળી હતી અને આ દરમિયાન તેમના બાઈકને અકસ્માત થયો અને અકસ્માતમાં સાહિલને થોડી વધારે ઈજા થઈ. નિરાલી અને બાળકોને થોડું ઘણું વાગ્યું પણ સાહિલને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. લગભગ બે-અઢી મહિના સુધી ઘરે રહેવું પડશે તે નક્કી થયું.

આ સમય દરમિયાન સાહિલ અને નિરાલી વચ્ચે ઘણા વાદ-વિવાદ થયા અને નિરાલી તેના મમ્મી-પપ્પાને પણ ફોન કરીને આર્થિક સ્થિતિ વિશે જણાવતી. તેના પપ્પા તેના ખાતામાં પૈસા નાખી દેતા અને મુદ્દો કામચલાઉ ધોરણે શાંત થઈ જતો. 

આ દરમિયાન નિરાલીના નાનીનું અવસાન થયું. નિરાલી, સાહિલ અને બાળકો ભરુચથી અંતિમક્રિયા અને બાકીની લૌકિક ક્રિયાઓ માટે અમદાવાદ આવ્યા. તેઓ રેલવે સ્ટેશને ઉતરીને રીક્ષાની રાહ જોતા હતા. રીક્ષા ચાલકો મનફાવે તેવા ભાવ કહેતા હતા અને સાહિલ રીક્ષા કરવામાં વિલંબ કરતો હતો. આ દરમિયાન નિરાલીને યાદ આવ્યું કે, તેના ફોનમાં એપ છે. તેણે એપ દ્વારા રીક્ષા બુક કરાવી. પાંચ જ મિનિટમાં એક રીક્ષા આવીને ઊભી રહી ગઈ.

નિરાલી, સાહિલ અને બાળકો રીક્ષામાં ગોઠવાયા. તેઓ રીક્ષા ચાલકને જોઈને આશ્ચર્યમાં મુકાયા. રીક્ષા ચલાવનાર એક મહિલા હતી. સાહિલને આશ્ચર્ય સાથે થોડો આનંદ થયો અને નિરાલીને તો આશ્ચર્ય જ થતું હતું. તેમને કાલુપુરથી છેક બોપલ જવાનું હતું. રીક્ષા ચાલતી હતી અને પતિ-પત્નીની વાતો ચાલતી હતી. તેમાં ફરીથી નિરાલીએ કાંકરિયાનું ઘર વેચવાની અને બિઝનેસ કરવાની વાત કરી. સાહિલે ફરીથી નારાજગી વ્યક્ત કરી અને બંને ચાલુ રીક્ષામાં જ ઝઘડી પડયા.

લગભગ અડધો કલાક પછી તેઓ બોપલ પહોંચી ગયા. સાહિલ અને બાળકો ઉતરીને આગળ ગયા અને નિરાલી પેમેન્ટ કરવા માટે રીક્ષા પાસે જ રોકાઈ.

'મેડમ, એક વાત કહું, ખોટું ન લગાડતા. મારા મતે તમારે જો ખરેખર બિઝનેસ કરવો છે કે પછી જોબ કરવી છે તો આટલી બધી ચર્ચા જ કરવાની ન હોય.' - રીક્ષાચાલક મહિલાએ કહ્યું.

'પરિવારના લોકો, સમાજ, બધાની વાત સાંભળવી તો પડેને. ઘર, પરિવાર, સંતાનો, બધું સેટ કરવાનું હોય. એવું કેવી રીતે ચર્ચા વગર કે કોઈની ચિંતા કર્યા વગર નોકરી, ધંધો કરવા માંડુ.' - નિરાલીએ પૈસા આપતા આપતા કહ્યું.

'મેડમ, મારું નામ અંકિતા ઓટોવાલી છે. જો તમે અહીંયા વધારે સમય રોકાવાના હોવ તો મને ક્યારેક ફુરસતે ફોન કરજો. હું તમને મારા જેવી ઘણી મહિલાઓની મુલાકાત કરાવીશ જે બિઝનેસ કરે છે, ઘર સાચવે છે, બાળકો સાચવે છે અને પરિવારને પણ સાચવે જ છે. તેમના માટે સમાજ કશુંજ  કરતો નથી.' - રીક્ષાચાલક અંકિતાએ કહ્યું.

નિરાલી માત્ર માથુ ધુણાવીને જતી રહી. ત્યારબાદ બે-ત્રણ દિવસ નિરાલીના નાનીની લૌકિક ક્રિયાઓ ચાલી અને ત્યારબાદ બધા થોડા ફ્રી થયા. વેકેશન ચાલતું હતું તેથી નિરાલી અને બાળકો અમદાવાદ રોકાવા જીદ કરવા લાગ્યા અને સાહિલને પણ નોકરીમાં રજા હોવાથી બધા ત્યાં રોકાઈ ગયા.

એક રાત્રે નિરાલી અને સાહિલ શાંતિથી બેઠા હતા ત્યારે નિરાલીએ તે દિવસે પેલી અંકિતા ઓટોવાલીની વાત કહી. સાહિલને થોડો રસ પડયો. અને  તેને અંકિતાને ફોન કરવા કહ્યું. નિરાલીએ ફોન કર્યો અને સામેના છેડે અંકિતાએ ફોન ઉપાડયો પણ ખરો.

'હેલ્લો, અંકિતા ઓટોવાલી. હું નિરાલી વાત કરું. પેલા દિવસે આપણે વાત અધુરી રહી હતી. તમને ઓળખાણ પડી.' - નિરાલીએ કહ્યું.

'જી મેડમ, તમે રાઈટ ટાઈમે ફોન કર્યો છે. હું હમણાં જ ઘરે પહોંચી. બોલે શું વાત કરવી છે.' - અંકિતા બોલી.

'તમે મને કંઈક સમજાવવાના હતા. મને ઈચ્છા છે કે, તમારી વાત સાંભળું અને કંઈક અનોખું કરું.' - નિરાલીએ કહ્યું.

'મેડમ હું કંઈ જ અનોખું કરતી નથી. ઘર ચલાવવા, બાળકો ભણાવવા અને પેટનો ખાડો પૂરવા બધું જ કરવું પડે છે. હું જે રીક્ષા ચલાવું છું તે પહેલાં મારા પતિ ચલાવતા હતા. તેમના અવસાન બાદ મેં બદલાવીને બ્લૂ ઈલેક્ટ્રિક રીક્ષા કરાવી દીધી. મારી બે દીકરીઓ છે. એકને ડોક્ટર અને બીજીને એન્જિનિયર બનવું છે. મારા પતિનું અવસાન થયે સાત વર્ષ થયા. આ વર્ષોમાં મેં મારું ઘર, મારા સંતાનો, મારો પરિવાર બધું જ સાચવ્યું છે. મેં સમાજ અને લોકોની ચિંતા નથી કરી. તમારે પતિને મદદ કરવી છે અથવા

 તો પતિની ગેરહાજરમાં ઘરને સાચવવાની મજબૂરી છે તો હિંમત તો કરવી જ પડે.'

'તક ક્યારેય જાતે સામે નથી આવતી. આપણે ઊભી કરવી પડે છે. તમે ભણેલા-ગણેલા લાગો છો. તમારે હિંમત કરવી જોઈએ. બિઝનેસ કરવો હોય કે નોકરી કરવી હોય પહેલાં હિંમત કરો અને પછી બધું તેની રીતે જ ગોઠવાતું જશે. માત્ર વાતો કરવાથી ઈન્ડિપેન્ડન્ટ થવાતું નથી. રીક્ષાનો બિઝનેસ કરવો હોય તો મને ફરી કોલ કરજો.' - અંકિતાએ એટલું કહીને ફોન મૂકી દીધો. નિરાલી અને સાહિલ વિસ્મય પામ્યા. 

બીજા દિવસ સવારે તેઓ નિરાલીના પિતાની સાથે નાસ્તો કરવા બેઠા હતા ત્યારે સાહિલે કહ્યું,

'પપ્પા, તમને વાંધો ન હોય તો અમે કાંકરિયાનો ફ્લેટ વેચીને બિઝનેસ શરૂ કરીએ. અમે બે-ત્રણ કેબ લઈને રેન્ટ ઉપર આપી દઈશું. નિરાલીની ઈચ્છા છે અને હું તેને પાર્ટટાઈમ મદદ કરીશ. તમારા આશીર્વાદ જોઈએ છે.'

'મારા તો આશીર્વાદ છે જ. સુખી થાઓ અને સુખી રહો.' - પપ્પાએ બંનેના માથે હાથ મૂકીને કહ્યું અને બંને હરખાઈ ગયા.

- રવિ ઈલા ભટ્ટ

Related News

Icon