
- વિન્ડો સીટ
ભરચક બજારેથી સડેડાટ
નીકળી હું
ખાલીખમ્મ હાથે પરબારી
મારો પિયુ સાવ ટૂંકો પગારી
છૂટા બેઉ હાથે એમ વેરી દેવાય ના
જોવાનું એક એક પાસું
સંઘરીને રાખ્યાં છે અમે મોતીડાં જાણીને
પાંપણની નીચે બે આંસુ
ઇચ્છાના નામે એક છોકરું છે કાખમાં ને
સામે રમકડાંની લારી.
મારો પિયુ સાવ ટૂંકો પગારી.
નાની હથેળી વળી ટૂંકો છે હાથ એમાં
ફાટફાટ કેમ કરી ભરીએ?
પાંચ દસ ગજની મારી આ ઓરડીમાં
સપનાને ક્યાં ક્યાં સંઘરીએ?
ઝાંખા પડી જાય સઘળા દાગીના
મેં એવી સેંથી શણગારી
મારો પિયુ સાવ ટૂંકો પગારી.
- ગોપાલ ધકાણ
અ છતમાં ઓચ્છવ મનાવતી પરિણીતાનું આ ગીત છે.
બજાર 'ભરચક' છે: ખરીદીની વસ્તુથી અને ખરીદનારાંથી. નાયિકા પાસે નથી ત્રેવડ કે ત્રાંબિયા, માટે તે 'સડેડાટ' અને 'પરબારી' નીકળી જાય છે. ન કોઈ અવઢવ, ન અફસોસ. કવિએ 'ભરચક' સામે 'ખાલીખમ્મ' મૂકીને વિરોધ રચ્યો છે. પતિ નથી વેપારી કે શેઠિયો, પગારી છે, ટૂંકો પગારી, 'સાવ ટૂંકો પગારી.' આવા પતિથી કેટલીક સ્ત્રીઓને અસંતોષ થઈ આવે. 'સવા બશેરનું મારું દાતરડું લોલ' લોકગીતની નાયિકા ફરિયાદ કરી બેસે છે કે 'પરણ્યો લાવે છે રોજ પાવલી રે લોલ' અને 'પરણ્યે ભર્યું છે એનું પેટડું રે લોલ.' પરંતુ આ ગીતની નાયિકા તેવી નથી. ટૂંકા પગારી પતિને પ્રેમથી 'પિયુ' કહે છે.
નાયિકા છૂટા પેટે કહે છે કે તે છૂટા હાથ રાખી શકતી નથી. તે વેરી શકતી નથી... આપણે 'પૈસા' શબ્દ ધારતાં હોઈએ, પણ કવિ 'આંસુ' વેરવાની વાત લઈ આવે છે. આંસુ એવાં મોતી છે કે જેવા તેવાને ન બતાવાય. તેનું મૂલ પરોણીગર જ આંકી શકે. આંસુ અને મોતીની વાત રમેશ પારેખે પણ કરી છે, 'દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું? / અમે પૂછયું : લે બોલ, હવે તું.'
નાયિકાના મનમાં ઇચ્છા સળવળે છે : હું આ બધું ખરીદી શકતી હોત તો? બજારને અનુરૂપ ઉપમા અપાઈ છે- રમકડાંની લારી જોઈને કાખમાંનું છોકરું ઊછળે તેમ ઇચ્છા ઊછળે છે. ચાદર જોઈને સોડ તણાય. નાયિકાનો હાથ ટૂંકો છે, હથેળીમાં કેટલું સમાવાય? નાની ઓરડીમાં સમાવવા માટે સપનાને વેતરી નાખવું પડે. પાંચ ગજ અને દસ ગજનો ગુણાકાર કરીને ક્ષેત્રફળ ગણીએ તો ખાસ્સી મોટી ઓરડી થાય. પણ અહીં બોલચાલની લઢણથી 'ખોબા જેવડી ઓરડી' એમ સમજવાનું છે.
હવે ગીતમાં વળાંક આવે છે. અત્યાર સુધી કવિએ અભાવ દર્શાવ્યા, હવે નાયિકાનો સંતોષી સ્વભાવ દર્શાવે છે. સેંથીનો શણગાર એવો છે, દાંપત્યનો દમામ એવો છે, કે દાગીના ઝંખવાઈ જાય. સાધનસંપન્ન હોવું અને સુખસંપન્ન હોવું, તેમાં ફેર છે. નાયિકા પાસે 'જણસ' નથી, પણ ગમતો 'જણ' છે. મીરાંબાઈના પદમાં એક શબ્દ બદલીને કહીએ તો 'મુજ અબળાને મોટી મિરાત, બાઈ, પિયુજી ઘરેણું મારે સાચું રે.' ફરી એક વાર રમેશ પારેખ યાદ આવે:
તારો વૈભવ રંગમોલ,
સોનું ને ચાકર ધાડું
મારે ફળિયે ચકલી બેસે
તે મારું રજવાડું.
- ઉદયન ઠક્કર