Home / GSTV શતરંગ : Did we know anything when we got on the plane?

GSTV શતરંગ / પ્લેનમાં બેઠા અમે ત્યારે ખબર થોડી હતી?

GSTV શતરંગ / પ્લેનમાં બેઠા અમે ત્યારે ખબર થોડી હતી?

- અંતરનેટની કવિતા

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

લોગઇન :

કેટલા અરમાન સાથે લઈ અમે નીકળ્યા હતા,

હોઠ પર મુસ્કાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

કામધંધા કાજ રહેતા'તા ભલે પરદેશમાં,

દેશનું અભિમાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

મિત્ર-સ્નેહીઓ-સંબંધી, ગામ-શેરી-ઘર-ગલી

સૌનું હૈયે ધ્યાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

જિંદગી તો બેવફા હૈ .. જાણતા'તા, ને છતાં,

જિંદગીનું ગાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

- દક્ષેશ કોન્ટ્રાકટર 'ચાતક'

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટનાએ માત્ર એક શહેરની આંખો નથી ભીની કરી, પણ વિશ્વના દરેક ખૂણે વસતા પરિવાર આ સમાચાર જાણીને ભાવભીના થઈ ગયાં હતાં. અનેક કવિઓની કલમમાંથી આ દુર્ઘટનાની સંવેદના કવિતા રૂપે વહી. કવિ દક્ષેશ કોન્ટ્રાક્ટરનું હૃદય પણ આ ઘટના વિશે સાંભળીને ધ્રુજી ઊઠયું. એ સમાચાર સાંભળીને તેમના અંતરાત્મામાંથી જે ફૂટયું તે આ કવિતા.

આપણા જીવનમાં દરેક પ્રસ્થાન માત્ર યાત્રા ન હોય શકે; તેમાં અનેક સપનાઓ, ભાવનાઓ અને સંબંધો વણાયેલા હોય છે. ઉપર આપેલી કવિતામાં માત્ર દુર્ઘટનાનું દર્દ નથી, તેમાં સાંત્વનાનો સાર પણ છે. દરેક મુસાફર પોતાની સાથે એક અભિલાષા ભરી કથા લઈને નીકળતો હોય છે. ક્યાંક કોઈ માતાને મળવા નીકળ્યો હોય છે, તો કોઈ પોતાના બાળકના પ્રથમ જન્મદિવસને ઉજવવા. કોઈ નોકરી માટે, તો કોઈ પરિવાર સાથે થોડો સમય વિતાવા. કોઈ પત્ની અને બાળકોને પોતાની સાથે લઈ આવવા માટે પણ નીકળ્યા હોય. કોઈ બિઝનેસના કામ માટે, કોઈ પ્રથમ વાર એકલા લાંબા પ્રવાસમાં નીકળ્યા હોય તેમ પણ બને. વળી કોઈ એવું પણ હોય કે જેણે ઘરને અલવિદા કહી હોય - હંમેશ માટે. કોઈ રિસાઈને નીકળ્યું હોય તો કોઈ આનંદિત થઈને. પણ દરેક પોતાની વ્યથા અને કથા હોય છે. એ કથાનો અચાનક અણધાર્યો અંત આવે તે આઘાત પમાડનારું હોય છે. 

કોઈ વ્યક્તિ જ્યારે પરદેશ જાય છે, ત્યારે માત્ર પોતાના ભૂતકાળને પાછળ નથી છોડતો, એ પોતાના વતનના રસ્તાઓ,માતાની હાથની રસોઈનો સ્વાદ,પિતાના ખભાની હૂંફ,મિત્રો સાથેની મોજ,પરિવારનો પ્રેમ,અને એવી અનેક કથાઓ જે જિવાઈ હોય,હૃદયમાં સચવાઈ હોય,અને હજી પણ જીવવાની ઝંખના હોય... બધું પાછળ છૂટી જાય છે, છોડવું પડે છે... કશું મેળવવા માટે કશુંક ખોવું પડે છે, પણ મનમાં તો ઊંડે ઊંડે વતનની વાણી સદા ગૂંજતી રહેતી હોય છે, એ વાણીને આ રીતે અચાનક અણધાર્યો વિરામ મળે ત્યારે કેટકેટલાં અરમાનો સ્વાહા થતા હોય છે એ તો પીડિત પોતે જ જાણી શકે.

વિમાનના દરેક પ્રવાસીએ સામાનમાં કેટકેટલી આશાઓ ભરી હશે,ઝટ પહોંચીશું અને પ્રિયજનને મળીશું એવી આશા હશે,ઘણાએ પરત ફરવાનાં વચનો પણ આપ્યાં હશે. આ એક પ્રવાસ માટે 
કેટકેટલી તૈયારીઓ કરી હશે, કેટકેટલી ખરીદી પણ કરી હશે, વિદાયને હળવી બનાવવા અમુક વ્યક્તિઓએ એમ પણ કહ્યું હશે, આમ ગયો ને આમ આવ્યો, ચિંતા શું કરે છે મિત્રોને હરખભેર કહ્યું પણ હશે કે જાઉં છું. પણ એ વિદાય આવી કારમી બની રહેશે તેવી હરખથી 'આવજો' કહેનારને ક્યાંથી ખબર હોય? 

પ્રવાસ વિનાશ બને ત્યારે માત્ર એક વ્યક્તિની વિદાય નથી થતી, તેની સાથે જોડાયેલી અનેક ઘટનાઓ,ભાવનાઓ પણ બળીને ખાખ થતી હોય છે. મૃત્યુ બધું જ લઈ લે છે, સિવાય કે સ્મરણો. વ્યક્તિના ગયા પછી જો કશું મૂલ્યવાન રહી જતું હોય તે માત્ર યાદો છે. આપણા ગયા પછી આપણે જગતને જે મીઠી યાદો આપી છે તે જ હંમેશાં રહેવાની છે. 

લોગઆઉટ:

પ્લેનમાં બેઠા અમે ત્યારે ખબર થોડી હતી,

મોતનું ફરમાન સાથે લઈ અમે નીકળ્યા હતા !

મ્હેંકશે વરસો સુધી સાથે વીતાવેલી ક્ષણો,

ફક્ત એ વરદાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

- દક્ષેશ કોન્ટ્રાકટર 'ચાતક'

- અનિલ ચાવડા

Related News

Icon