
- શબ્દ સૂરને મેળે
- સુખ ક્ષણિક હતા, ખુશીઓ ક્ષણિક હતી તો દુ:ખ પણ ક્ષણિક જ હોય છે. જીંદગીની બધી ઝંખનાઓ પણ ક્ષણિક જ હોય છે
ક્ષિતિજે-ક્ષિતિજે
નવી રોજ આશા, નવેલી ખુમારી, નવું નભ મળે છે ક્ષિતિજે ક્ષિતિજે,
દિવસ ડૂબવાથી નથી અસ્ત દુનિયા, સવારો સજે છે ક્ષિતિજે ક્ષિતિજે.
વ્યથાઓ ક્ષણિક છે, ક્ષણિક ઝંખનાઓ, ક્ષણિક છે ખુશીઓ, ક્ષણિક આયખું છે,
ક્ષણોના પ્રવાહો સ્મરણમાં વહે છે, સમય વિસ્તરે છે ક્ષિતિજે ક્ષિતિજે.
કસોટીય ક્યારેક વરદાન થાશે, મળે જીવવાની મજા આફતોમાં,
કહી દો થવાને સહારો સફરનો જ, મૃગજળ છળે છે ક્ષિતિજે ક્ષિતિજે.
હૃદયમાં હશે જો મિલનની મહેચ્છા, નથી દૂરતાની વિસાતો પ્રણયમાં,
અદબ જાળવી પ્રેમની વ્યોમ હેતે ધરાને મળે છે ક્ષિતિજે ક્ષિતિજે.
દુ:ખો બોલશે અશ્રુઓની જબાની, કહેશે નજર નફરતોની કહાની,
અવાજોનું એકાન્ત બોલે જરા, તોય પડઘા પડે છે ક્ષિતિજે ક્ષિતિજે.
થઈ સાંજની વેળા ઘર સાંભરે છે, પ્રતીક્ષા કરે કોઈ વિશ્રામ ટાણું,
અગમના મલકનું ઈજન આપતી આજ ઝાલર બજે છે ક્ષિતિજે ક્ષિતિજે.
- ભારતી રાણે
ગુજરાતી સાહિત્યને, ગઝલને છેલ્લા વીસેક વર્ષમાં ઘણી નિષ્ઠાવાન કવિયત્રીઓ સાંપડી છે. ગુજરાતી ગઝલ ક્ષેત્રે આજે તો અનેક દીકરીઓ સુંદર ગઝલોનું સર્જન કરી રહી છે. એનો મને આનંદ છે. ગર્વ છે. ગુજરાતી ભાષાની ચિંતા નથી. ગુજરાતી ભાષા પેઢી દર પેઢી નદીના વ્હેણની જેમ બદલાતી-બદલાતી પણ આગળ વધી છે. ભારતી રાણે વ્યવસાયે તબીબ અને પ્રીતી સેન ગુપ્તાની જેમ વિશ્વ પ્રવાસી પણ છે. ખૂબ અંગત વાત તેમની જણાવું તો ભારતીબેન અને તેમના પતિ એક એવા તબીબ છે જે સાપુતારા વિસ્તારમાં જાતે જઈને નિ:સ્વાર્થ સેવાઓ પૂરી પાડે છે.
આજે તેમની બે ગઝલોની વાત કરવી છે. એક ગઝલ સંપૂર્ણ આશાનો રંગ પ્રગટાવે છે. બીજી ગઝલ ઉદાસીનો રંગ ઘૂંટે છે. હમણાં જ કોઈ પ્રસ્તાવનામાં વાંચ્યું હતું કે દુ:ખનો પ્રલંબ એટલે કે લાંબો લય કે છંદ હોય છે. આનંદનો ટંકો લય હોય છે. પણ મારા અંગત અનુભવને આધારે જણાવું તો આ બધું મનઘડત છે. આ બંને ગઝલ એક જ છંદમાં છે. બંનેનો છંદ લાંબો છે અને છતાં બંનેના મૂડ અલગ-અલગ છે.
હજારો ઉદાસીઓ વચ્ચે પણ મનુષ્યએ નવી આશા, નવી સવારો જોતા શિખવાનું છે અને તેને સ્વીકારવાની છે. ક્ષિતિજે ક્ષિતિજે ગઝલ આવો જ આશાવાદી સૂર લઈને પ્રગટેલી ગઝલ છે. ક્ષિતિજ જ્યાં આભ અને ધરતી મળી ગયા હોય એવું લાગે છે એ આભાસી સ્થળનું નામ છે. એ ક્ષિતિજે એટલેકે દૂર-દૂર નજર કરીએ તો રાત ગમે તેટલી અંધારી હોય ઉગતી સવારને જોઈ શકાય છે. રોજ નવી આશા, રોજ નવી ખુમારી, એનું એ જ આકાશ છતાં નવા સ્વરૂપે ક્ષિતિજે ક્ષિતિજે જોવા મળે છે. મન જો આનંદમય હશે, મન જો પોઝીટીવ હશે તો ચારે દિશાની ક્ષિતિજો પોઝીટીવ લાગવાની છે. દિવસ ડૂબી જવાને લીધે, દિવસ બેકાર જવાને લીધે, દિવસ દુ:ખમાં પસાર થવાને લીધે કદી પણ એમ માની લેવાની જરૂર નથી કે આખી જાણે જીંદગી અને દુનિયા ડૂબી ગઈ. સુખ હોય કે દુ:ખ પ્રત્યેકને તેનો અંત હોય છે. પ્રત્યેક રાત બાર કલાકની જ હોય છે. પ્રત્યેક દિવસ બાર કલાકનો જ હોય છે. રાત લાંબી લાગે કે દિવસ ટૂંકો લાગે એના મૂળમાં મન રહેલું છે. નવી સવારો દૂર ક્ષિતિજે આપણી રાહ જોતી ઊભી જ હોય છે.
જીવનમાં બધું જ ક્ષણિક છે. ક્ષણભંગુર છે. જો સુખ ક્ષણિક હતા, ખુશીઓ ક્ષણિક હતી તો દુ:ખ પણ ક્ષણિક જ હોય છે. જીંદગીની બધી ઝંખનાઓ પણ ક્ષણિક જ હોય છે. આજે હતી કાલે નહીં હોય. અરે આયુષ્ય પોતે જ ક્ષણિક છે. કાળના અનંત પ્રવાહમાં જીંદગીના સીત્તેર કે સો વર્ષની શું કિંમત? જે એક-એક ક્ષણ બનીને સમય વહી રહ્યો છે એ જ સમય દૂર ક્ષિતિજે સદીઓ અને યુગો બનીને વિસ્તરેલો હોય છે. પ્રત્યેક ક્ષણ સતયુગ, દ્વાપરયુગ, કળિયુગનો જ અંશ છે.
જીવનમાં ગમે તેટલી કસોટીઓ થાય એ યાદ રાખવા જેવું છે કે આ બધી જ પરીક્ષાઓ, આપણે આપેલી બધી જ કસોટીઓ એક દિવસ વરદાન બની જવાની છે. આપણી સ્ટ્રગલ આપણી સ્ટ્રેન્થ બની જવાની છે. આપણો સંઘર્ષ આપણી શક્તિ બની જવાનો છે. ખરેખર તો જીવનની મજા આફતો વચ્ચે મળે છે. જીવનમાં ભલે મૃગજળો મળે પણ આપણી તરસ છિપાવવા માટે અમૃત મળવાનું જ છે. હૃદયમાં જો મિલનની મહેચ્છાઓ હશે તો દૂરતા ક્યારેય ટકવાની નથી. સંપૂર્ણ મર્યાદા સાથે પણ આકાશ ધરતીને ક્ષિતિજે ક્ષિતિજે મળતું જ રહે છે. પ્રેમ અને પાણી ગમે ત્યાંથી રસ્તો કરી જ લે છે.
દુ:ખો આંસુઓ દ્વારા બોલવાના જ છે ભલે એમને શબ્દો ન મળે. ભલે તમે કોઈને હોઠેથી બોલીને ન બતાવો પરંતુ નજરમાં કેટલી નફરત છે એ તો પ્રગટ થઈ જ જવાનું છે. અવાજોની વચ્ચે પણ, ભીડની વચ્ચે પણ કેટલી એકલતા ભરેલી છે એ એના પડઘાઓ ક્ષિતિજ સુધી વિસ્તરવાના છે. ગઝલ ઓચિંતો વળાંક લે છે. અહીં સાંજની વાત છે પણ એ જીવન સંધ્યાની વાત છે. સાંજની વેળા થઈ છે હવે ઘેર પાછા જવાનું છે એ યાદ આવ્યું છે. શૂન્ય પાલનપુરીનો શેર યાદ આવે છે.
આવ્યા તમાશો જોયો અને લીન થઈ ગયા,
ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ.
આ જગતમાં આપણે આવ્યા છીએ. આ જગતને આપણું માનીને બધું વસાવ્યા કરીએ છીએ પણ ભૂલી જઈએ છીએ કે આ જગત આપણું નથી. એક બાળક સ્કૂલેથી છૂટીને કોઈ મદારીનો ખેલ જોવા ઊભું રહી જાય અને ભૂલી જાય કે ઘેર મા-બાપ ચિંતા કરતા હશે, કોઈ રાહ જોતું હશે. બસ એમ જ જીવનની સાચી ભૂખ અને સાચી તરસ ભૂલીને જગતનો આ તમાશો જોવામાં લીન થઈ ગયા છીએ. માત્ર ઘડપણ આવે, કોઈ મોટો રોગ આવે ત્યારે જ ખ્યાલ આવે છે કે આપણે પાછા પણ જવાનું છે. મૃત્યુ પણ પામવાનું છે. મૃત્યુનો વિચાર તમને ડરાવે કે મંગલમય લાગે એ તમારા મન ઉપર છે. અહીં એ મંગલમય મૃત્યુની વાત છે.
સાંજનો સમય થયો છે હવે ક્યાંક થાક ઉતારવો જોઈએ. કોઈ રાહ જોઈ રહ્યું છે એ યાદ આવે છે. બુદ્ધિને સમજાય એ બધું ગમ. જે બુદ્ધિને ના સમજાય એ અગમ. હવે અગમના ઈશારાઓ થઈ રહ્યા છે. દૂર-દૂર ક્ષિતિજે ઝાલર વાગી રહી છે. એ અવાજ સંભળાય છે. કોઈ મંગલમય સાદ પાડી રહ્યું છે. જીવનની પ્રત્યેક પળને મંગલમય બનાવાનો ઈશારો કરતી ગઝલ ઝાલર બનીને વાગી છે.
ભારતીબેન રાણેની બીજી ગઝલમાં જીવનના નજીકમાં નજીક વળાંકોએ કેવી એકલી-એકલી સફરો કરીએ છીએ. કેવા-કેવા સુખ દુ:ખ મળે છે તેની વાત કરી છે.
નગર એકલું ને સફર એકલી તોય મેળો મળે છે, વળાંકે, વળાંકે
નથી આસમાં પર, ન ધરતી ઉપર તોય, પગલાં વળે છે, વળાંકે, વળાંકે.
સરકતી ક્ષણોને ન રોકી શકું હું, સ્મરણ થઈ જતા આ સમયને કહું શું ?
અડાબીડ સુખ-દુ:ખ તણું પાર કરતાં, અપેક્ષા કળે છે, વળાંકે વળાંકે.
ન સૂરજ ન તારા, ન આકાશ એનું, સદાનો પ્રવાસી કરે ક્યાં વિસામો ?
ન દેખાય છેલ્લો વિસામો સફરનો, દિલાસા છળે છે, વળાંકે, વળાંકે.
હું પર્વત ઉપરથી પડું રોજ નીચે, ફરીથી ચડું રોજ કપરાં ચડાણો,
નજરમાં વસીને રહું એટલી ચાહ રસ્તે બળે છે, વળાંકે, વળાંકે.
લખીને ખુશીઓ બધી કોઈને નામ મુફલિસ થયો છું હૃદયની ખુશીથી,
નગર ઝંખનાનું વળોટયા પછી કેમ નજરું ગળે છે, વળાંકે વળાંકે.