Home / GSTV શતરંગ : Parallel Chapter - 4

શતરંગ / સમાંતર પ્રકરણ - 4

શતરંગ / સમાંતર પ્રકરણ - 4

- નવી લઘુનવલ

- 'લફરાં હોય એટલે વાઇફને મારી નાખવાની? સાથે રહેવાતું ન હોય તો છૂટાછેડા આપી દેવાય, અલગ થઈ જવાય. ખૂન કેમ કર્યું?'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સુખી થઈ જવા માટે જીવનમાં સ્ત્રીની એકધારી હાજરી ક્યારેય જરૂરી લાગી નહોતી... પણ પિતૃત્વ! પિતૃત્વ પ્રકૃતિનો આદેશ છે. એક સંતાન હોવું જોઈએ, મારું પોતાનું બાયોલોજિકલ ચાઇલ્ડ...

છ ત પર પંખો બંધ હાલતમાં ચુપચાપ લટકતો હતો. ફાંસીના માંચડે ક્યાંય સુધી તરફડયા પછી લાશ બની  ગયેલા શરીરની જેમ.

અનિકેતને આ ક્ષણ સાથે સંધાન કરતાં થોડી વાર લાગી. એણે આજુબાજુ નજર ઘુમાવી. પોતે કોઈક ઓરડામાં એકલો સૂતો છે, અને આ ઓરડો મેન્ટલ હોસ્પિટલનો છે. હા, એ આ જ કેમ્પસના ગેસ્ટ હાઉસમાં હતો, બહાર વરસાદ વરસી રહ્યો હતો, લોકેશ લેપટોપ લઈને આવ્યો હતો અને... 

હું અહીં ક્યારથી સૂતો છું?

અનિકેત ઊભો થઈને બહાર આવ્યો. લોબીમાં એક વોર્ડબોય બેન્ચ પર બેઠો બેઠો કાનમાં ઇયર પ્લગ ભરાવીને મોબાઇલમાં રસપૂર્વક કશુંક જોઈ રહ્યો હતો. થોડે દૂર એક વર્દીધારી સિક્યોરિટીનો માણસ બેઠો હતો.  અનિકેતે નજીક જઈને વોર્ડબોયના ખભે હાથ મૂક્યો, 'ભાઈ...'

વોર્ડબોય ચોંકીને ઊભો થઈ ગયો. 'જી, સર...' એણે તરત કાનમાંથી ઇયર પ્લગ કાઢી નાખ્યાં.

'ડયુટી પર કોઈ નર્સ છે?'

'છે, સર. બોલાવું છું. તમે અંદર જાઓ...'

થોડી વાર પછી નર્સ આવી. 'તમારી સાથે જે ભાઈઓ છે - શૂટિંગવાળા - તે થોડી વાર પહેલાં જ અહીંથી ગયા...' કહીને એ અનિકેતના હૃદયના ધબકારા, બ્લડપ્રેશર વગેરે માપવા લાગી.

'તમે હવે એકદમ ઓલરાઇટ છો,' નર્સે સ્મિત કર્યું.

'સમય શું થયો છે?'

નર્સે રિસ્ટ વોચમાં જોયું, 'સવા અગિયાર. હું સુપ્રિન્ટેન્ડન્ટ સરને ફોન કરું છું.'

'ના, રહેવા દો,' અનિકેતે કહ્યું, 'આટલી મોડી રાતે એમને ડિસ્ટર્બ નથી કરવા.'

'એમણે ઇન્સ્ટ્રક્શન આપી હતી - તમે જાગો એટલે ફોન કરવો. ડોન્ટ વરી.'

નર્સે ફોન જોડીને અનિકેતને આપ્યો. સામે છેડે સુપ્રિન્ટેન્ડન્ટ હતા. પૂરેપૂરા જાગ્રત અવસ્થામાં.

'સોરી સર, તમને આટલી મોડી રાતે હેરાન કર્યા.'

'નો વરીઝ. મને આમેય રાત્રે એક-દોઢ વાગ્યા પહેલાં ઊંઘ આવતી નથી,' સુપ્રિન્ટેન્ડન્ટ કહી રહ્યા હતા, 'હવે કેવું ફીલ થાય છે તમને?'

'પરફેક્ટલી નોર્મલ. થેન્ક્યુ.'

'ગુડ. મને ખબર નહોતી કે તમને એપિલેપ્સીની તકલીફ છે.'

'મારે તમને પહેલેથી જાણ કરી દેવાની જરૂર હતી,' અનિકેત સહેજ ખચકાયો, 'આઇ એમ સોરી. એકચ્યુલી, હવે તો આંચકી આવવાનું પ્રમાણ સાવ ઓછું થઈ ગયું છે. લગભગ બંધ જ થઈ ગયું હતું એમ સમજોને. આજે ખબર નહીં કેમ, ફરી પાછું-'

'થાક, અપૂરતી ઊંઘ કે સ્ટ્રેસને કારણે તે ટ્રિગર થઈ શકે. ઇટ્સ ઓકે. કંઈ ચિંતા કરવા જેવું નથી. એક-બે દિવસ આરામ કરજો. નર્સ પાસેથી દવા કઈ રીતે લેવાની છે તે સમજી લેજો અને કોર્સ પૂરો કરજો.'

'ઓકે.'

'હવે તમારી પાસે બે વિકલ્પો છે. તમે ઇચ્છો તો આજની રાત ત્યાં જ રોકાઈ શકો છો- હોસ્પિટલ વોર્ડમાં અથવા ગેસ્ટ હાઉસ પર પાછા જઈ શકો છો.'

'હું ગેસ્ટ હાઉસ પર જ જઈશ.'

'ઓકે. ઇન ધેટ કેસ, યુ આર ડિસ્ચાર્જ્ડ!'

અનિકેત હસ્યો, 'સર, મેં કદી વિચાર્યું નહોતું કે લાઇફમાં મારે ક્યારેય મેન્ટલ હોસ્પિટલમાં એડમિટ થવું પડશે!'

'સાઇકિએટ્રિક હોસ્પિટલ, અનિકેત.'    

'ઓહ યેસ! સોરી - મેન્ટલ હોસ્પિટલ નહીં, સાઇકિએટ્રિક હોસ્પિટલ!'   

સુપ્રિન્ટેન્ડન્ટ મોટેથી હસી પડયા. નર્સને થોડી સૂચનાઓ આપીને એમણે વાતચીત પૂરી કરી. અત્યારે બીજી કોઈ ગાડી કે ડ્રાઇવર ઉપલબ્ધ નહોતાં એટલે અનિકેતને એમ્બ્યુલન્સમાં જ પાછા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી.

ડ્રાઇવરની બાજુની સીટ પર બેસીને અનિકેત બહાર જોતો રહ્યો. રાતના સન્નાટામાં કેમ્પસ ભયાવહ લાગી રહ્યું હતું. ક્યાંકથી અચાનક તીણી ચીસનો દબાયેલો અવાજ ફેંકાયો ને હવામાં ઓગળી ગયો. થોડે આગળ જઈને એમ્બ્યુલન્સે વળાંક લીધો. દૂર ઊંચી દીવાલનો એક હિસ્સો દેખાવા લાગ્યો. તે દીવાલની પાછળ ફોરેન્સિક સાઇકિએટ્રી વોર્ડ છે, જેમાં કાનજીને રાખવામાં આવ્યો છે.

કાનજી! શું કરતો હશે અત્યારે?

અનિકેતને એકદમ કાનજીને મળવાની ઇચ્છા થઈ ગઈ. ખેર-

એમ્બ્યુલન્સ રેસિડેન્શિયલ ક્વાર્ટર્સવાળા એરિયા તરફ આગળ વધી રહી હતી. અનિકેત ચુપચાપ જોતો રહ્યો. આ પેલું સેન્ટ્રલ કિચન અને તેની પાછળ કેમ્પસની સૌથી ઊંચી, ત્યજાયેલી, એકલીઅટૂલી બિલ્ડિંગ, જે વર્ષોથી બંધ પડી છે. ચંદ્રના આછા ઉજાસમાં તે  બિલ્ડિંગની માત્ર રેખાકૃતિ દેખાય છે.  

અચાનક અનિકેતનું ધ્યાન ગયું -બિલ્ડિંગના સૌથી ઉપરના માળે કશોક પ્રકાશ ઝગમગી રહ્યો છે. આખી ઇમારતમાં બીજે ક્યાંય ઇલેક્ટ્રિસિટી હોય એવું લાગતું નથી, તો પછી આ એક જ જગ્યાએ કેમ લાઇટ ટમટમી રહી છે? ...અને આ ઠક્-ઠ્ક-ઠક્ અવાજ પણ ત્યાંથી જ આવી રહ્યો છે!

અનિકેતના શરીરમાંથી ન સમજાય એવી ધૂ્રજારી પસાર થઈ ગઈ...

***

બીજા દિવસે સવારે ચતુર્વેદી આગ્રહપૂર્વક કહી રહ્યો હતો, 'ના, સર. અમે કેમ્પસનાં જુદાં જુદાં લોકેશન પર જઈને અમારી રીતે શોટ્સ લઈએ છીએ, તમે આજે આખો દિવસ ફક્ત આરામ કરો.' 

'એવી કશી જરૂર નથી. હું એકદમ સ્વસ્થ છું.'

ખુરાનાએ કહ્યું, 'તમે સવારે સૂતા હતા ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ સરનો ફોન આવ્યો હતો. એમણે ચોખ્ખું કહ્યું છે કે અનિકેત સરે કમસે કમ એકથી બે દિવસ આરામ કરવાનો છે.'

'અરે-'

'સર, મારી વાત સાંભળો,' લોકેશે કહ્યું, 'તમે આજે કામ કરજો ખરા, પણ રૂમ પર રહીને. આમેય તમારે કાનજીનું ફૂટેજ અને પેન ડ્રાઇવ જોવાનું હજુ બાકી છે. સુપ્રિન્ટેન્ડન્ટ સરે કાનજીના કેસની આખી ફાઇલ ઝેરોક્ષ કરાવીને મોકલી છે. તમે એ પણ જોઈ લો.'  

અનિકેત વિચારમાં પડી ગયો. પછી બોલ્યો, 'ઠીક છે. સાંજ સુધીમાં હું આ બધું પતાવી લઉં છું.'

સુપ્રિન્ટેન્ડન્ટે ટીમના સભ્યો માટે આખા કેમ્પસમાં કોઈ પણ બિલ્ડિંગમાં પ્રવેશ મેળવી શકાય તે માટે ઓલ-એક્સેસ આઇ-કાર્ડ્સ પણ મોકલાવ્યાં હતાં. પોતપોતાના આઇ-કાર્ડ ગળામાં લટકાવીને ટીમ સરંજામ લઈને નીકળી ગઈ. અનિકેત લેપટોપ, ફાઇલ વગેરે લઈને પલંગ પર ગોઠવાયો. 

બહાર આકાશ ઘેરાયેલું હતું. વરસાદ કોઈ પણ ક્ષણે ત્રાટકી શકે છે.   રિયાને ફોન કરવો જોઈએ? અનિકેતે મનોમન સમયની ગણતરી કરી. અત્યારે ન્યુ યોર્કમાં મધરાત હશે, ફોન કરવાનો કશો મતલબ છે. પોતાને આંચકી ઉપડી હતી અને આ પાગલખાનાની હોસ્પિટલમાં એડમિટ થવું પડયું હતું એ વાત રિયાને કહેવી નથી. નાહકની ચિંતા કરશે... અનિકેતે વિચાર્યું. 

અનિકેતે રિયાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ખોલી. એણે નવી તસવીરો અને રીલ્સ શેર કરી હતી. રાત્રે ઝળહળ ઝળહળ થઈ રહેલું ટાઇમ્સ સ્કેવર, પ્રસિદ્ધ રેડ સ્ટેપ્સ પર દુનિયાભરના પ્રવાસીઓની વચ્ચે બેઠેલી રિયા, ફૂટપાથ પર સ્પાઇડરમેનનો હાથ પકડીને ઊભેલાં આર્જવ અને ઝારા, વર્તુળ બનાવીને ઊભા રહી ગયેલા પચરંગી લોકો વચ્ચે ચાલી રહેલું ડાન્સ પર્ફોર્મન્સ... 

રિયા સાથે પહેલી મુલાકાત ન્યુ યોર્કમાં જ થઈ હતીને! અનિકેત અને રિયા એક જ હોટલમાં ઉતર્યાં હતાં, અને એક સવારે બ્રેકફાસ્ટ બૂફેમાં ભેગાં થઈ ગયાં હતાં. રિયા પોતાની પ્લેટ લઈને અનિકેતના ટેબલ પાસે આવી હતી. સહેજ સંકોચાઈને એણે કહ્યું હતું, 'એક્સક્યુઝ મી, સર... મેં તમને સોશિયલ મીડિયા પર ખૂબ જોયા છે. આઇ એમ સો સોરી, તમારું નામ યાદ આવતું નથી, પણ તમે ફેમસ માણસ છો એટલી મને ખબર છે!'

અનિકેતે સ્મિત કર્યું હતું. પછી કહ્યું હતું, 'અનિકેત મહેતા... ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર ફ્રોમ મુંબઈ.'

'ઓહ યેસ, યેસ, યેસ! આઇ એમ સો સોરી. સો હેપી ટુ મીટ યુ હિઅર, સર!'

'થેન્ક્સ. તમે ઊભાં કેમ છો' બેસોને!' 

'થેન્ક્યુ. પણ બેસતાં પહેલાં એક સેલ્ફી, પ્લીઝ?' 

રિયાએ અનિકેત સાથે સેલ્ફી લીધી હતી. અનિકેતે થનગન થનગન થઈ રહેલી આ ઉર્જાવાન યુવતીને કહ્યું હતું, 'મને પણ કેમ એવું લાગે છે કે મેં તમને ક્યાંક જોયા છે? તમારો ચહેરો મને પરિચિત લાગે છે...'

'સર, હું ટીવી એક્ટ્રેસ છું. રસ્તાઓ પર મારી સિરીયલનાં હોર્ડિંગ્સમાં કદાચ તમે મને જોઈ હશે. અફ કોર્સ, તમે મારી સિરીયલ તો ન જ જોઈ હોય!' 

'એટલે તમે ટીવી સિરીયલમાં કામ કરો છો?'

'બિલકુલ! ટિપિકલ સાસ-બહૂ સિરીયલોમાં, એ પણ પ્રાઇમ ટાઇમની! પ્લીઝ, ડોન્ટ હેટ મી! આઇ એમ ગિલ્ટી!' રિયા ખિલ ખિલ કરતી હસી પડી હતી.   

પહેલી જ મુલાકાતમાં ખૂબ વાતો કરી હતી રિયાએ. પોતે કઈ રીતે એક્ટ્રેેસ બની, કઈ રીતે એક પછી એક શો હિટ થતા ગયા ને એની ડિમાન્ડ વઘતી ગઈ, વગેરે. 

'જો તમે મને પૂછતા હો કે શું એક્ટિંગ મારું પેશન છે? તો મારો જવાબ છે, ના, જરાય નહીં! ફ્રેન્કલી, આઇ એમ તો એક્સિડેન્ટલ એક્ટ્રેસ! બહુ મહેનત કરવી પડે છે સર, રોજ રોજ ચૌદ-પંદર કલાક કામ કરવું પડે છે. હું તો આ બધું છોડી દેવાની છું. આટલી બધી મહેનત કોણ કરે? પણ હા, પૈસા સરસ મળે છે, ફેમ પણ મળે છે અને તમારા જેવા મોટા માણસો સાથે સેલ્ફી લેવાની તક મળે છે!' 

રિયાની વાતે વાતે હસી પડવાની આદત, એની નિખાલસતા અને સહજતા અનિકેતને આકર્ષક લાગ્યાં હતાં. બન્નેએ ફોન નંબરની આપ-લે કરી હતી. એકાદ મહિના પછી મુંબઈમાં અનિકેત પર રિયાનો ફોન આવ્યો હતો. 

'હાઇ, રિયા!' 

'ઓહ માય ગોડ! તમે હજુ સુધી મારો નંબર સાચવી રાખ્યો છે! મને એમ કે ડિલીટ કરી નાખ્યો હશે!' 

'હું શું કામ તમારો નંબર ડિલીટ કરી નાખું?' 

'આઇ ડોન્ટ નો! તમે રહ્યા સિરીયસ ફિલ્મમેકર... મારા જેવી ટીવી સ્ટારનો નંબર તમે શું કામ સાચવો?' 

'રિયા, તમને ખરેખર મારા વિશે ઘણી ગેરસમજ છે!' 

'તો ગેરસમજ દૂર કરો! લેટ્સ મીટ ફોર કોફી...' 

'કેમ, તમારે આજે ચૌદ-પંદર કલાક શૂટિંગ કરવાનું નથી?' 

'આજે શૂટ કેન્સલ થયું છે, તો મને થયું કે લાવ તમને ફોન કરું. તો આજે પોસિબલ છે મળવાનું?' 

-અને તેઓ મેરિયેટની કોફી શોપમાં મળ્યાં હતાં... અને પછી અવારનવાર મળતાં રહ્યાં. અનિકેતની ધીરગંભીર પ્રકૃતિ સાથે રિયાનો સ્વાભાવિક થનગનાટ એક સંતુલન પેદા કરતો હતો. એનિકેતે જોયું કે રિયા પાસે રૂપ, સફળતા અને સેલિબ્રિટી સ્ટેટસ હોવા છતાં એનામાં પોતાની જાત પ્રત્યે એક ન સમજાય એવી હીન ભાવના છે. એનામાં મહત્ત્વાકાંક્ષા નથી, પોતાની કળામાં ઊંડા ઊતરવાનો તલસાટ નથી. એ વર્તમાનની ફિક્કી સપાટી પર સરકતાં રહીને નાની નાની સિદ્ધિઓથી ખુશ રહી શકે છે. રિયાને અનિકેતની બૌદ્ધિકતા અને સ્ટેટસ સતત પ્રભાવિત કરતાં હતાં, તો અનિકેતને રિયાનો પોતાની જાતને ગંભીરતાથી ન લેવાનો અભિગમ આહ્લાદક લાગતો હતો. 

આઠેક મહિના પછી એમની મૈત્રીમાં સહજપણે શરીરનું પરિમાણ ઉમેરાયું. દોઢેક વર્ષની 'પ્રોપર રિલેશનશિપ' પછી રિયાએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, જે અનિકેતે સ્વીકારી લીઘો. અનિકેતનાં મા-બાપ વર્ષો પહેલાં મૃત્યુ પામ્યાં હતાં. મોટો ભાઈ-ભાભી હતાં, જે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયાં હતાં. અનિકેત વર્ષોથી મુંબઈમાં એકલો રહેતો હતો અને એકલતાથી ડરવા જેવું શું છે તે એને કદી સમજાયું નહોતું. મજાના મિત્રો હતા, વફાદાર સ્ટાફ હતો અને ખાસ તો, પોતાના કામ પ્રત્યે ગહન પ્રેમ હતો. કામ પ્રત્યેના સાચુકલા પ્રેમે અનિકેતના જીવનને સમૃદ્ધ બનાવી દીધું હતું. સુખી થઈ જવા માટે જીવનમાં સ્ત્રીની એકધારી હાજરી એને ક્યારેય જરૂરી લાગી નહોતી... પણ પિતૃત્વ! આ તદ્દન જુદી વસ્તુ છે. પિતૃત્વ પ્રકૃતિનો આદેશ છે. એક સંતાન હોવું જોઈએ, મારું પોતાનું, મારું ખુદનું બાયોલોજિકલ ચાઇલ્ડ...

...અને અનિકેત પોતાના કરતાં સાત વર્ષ નાની રિયાને પરણી ગયો. 

આકાશમાં પ્રચંડ કડાકા સાથે વીજળી ગરજી. વરસાદ પૂરેપૂરી આક્રમકતાથી તૂટી પડયો. અનિકેત ઊભો થયો. બારી બંધ કરી. બારી પર પછડાઈ રહેલાં વરસાદનાં ટીપાંથી કાચની પારદર્શક સપાટી ભીંજાઈ રહી હતી. ફરી પાછાં મારી જાસૂસી કરવા વરસાદનાં બેશરમ ટીપાં આવી ગયાં...

અનિકેત બેડ પર આવ્યો. ઊંડો શ્વાસ લઈને લેપટોપ પર કાનજીના પોલીસ કન્ફેશનનો વીડિયો ઓન કર્યો. પોલીસ અધિકારી પૂછી રહ્યો હતો: બોલો... કેમ ત્રાસી ગયા હતા બૈરીથી? અને કાનજી સપાટ ચહેરે કહી રહ્યો હતો:

'બદચલન હતી, મારી પીઠ પાછળ લફરાં કરતી ફરતી હતી-'

-પીઠ પાછળ એટલે?

'સાહેબ, હું બિઝનેસમેન છું, મહિનામાં દસ-પંદર દિવસ બહારગામ રહેવું પડે છે. હું જેવો રાજકોટની બહાર પગ મૂકું કે પાછળથી એના ભવાડા ચાલુ.'  

-શું નામ છે પત્નીનું?

'સંધ્યા.' 

-શું કામ કરે છે, એટલે કે કરતી હતી સંધ્યા? 

'કાંઈ કામ કરતી નહોતી. ઘર ને છોકરાંવને સાચવતી હતી. ને આખો દિ' મોબાઇલ મચડયા કરતી હતી. એ જ એનું કામ. આ મોબાઇલે જ પત્તર ઠોકી નાખી, સાહેબ. 

-કેમ?  

'સંધ્યા આખો દિ' ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પડીપાથરી રહેતી. લોકો સાથે ચેટું કરે. મધરાતે મારી ઊંઘ ઉડી જાય ને જોઉં તો એ કોઈની સાથે ચેટિંગ કરતી હોય. એ ચેટ ઉપર અટકી ગઈ હોત તોય વાંધો નહોતો, પણ આ તો સામેવાળાને પોતાનો મોબાઇલ નંબર આપે, દોસ્તી આગળ વધારે, કલાકો સુધી ફોન પર વાતો કર્યા કરે, જાણે જન્મોજનમની ઓળખાણ હોય. ધીમે ધીમે મળવાનું ગોઠવે. આમ ને આમ વાત આગળ વધતી જાય ને લફરાં ચાલુ થઈ જાય.'      

 -તમે એને રોકતા નહોતા? સમજાવતા નહોતા? 

'કેટલીય વાર સમજાવી સાહેબ, કે તું બે છોકરાની મા છે, તું કંઈ કોલેજીયન કન્યા નથી, તને આવું બધું ન શોભે. એ હા-હા કર્યા કરે ને પછી પોતાને જે કરવું હોય એ જ કરે.' 

-ઘરમાં બીજું કોણ કોણ છે? તમારાં મા-બાપ? 

'મારાં બા-બાપુજી ધરમ-ધ્યાનમાં ઉતરી ગયાં છે, વર્ષોથી હૃષિકેશમાં જ રહે છે. ઘરમાં અમે ચાર જ - હું, સંધ્યા ને બે દીકરા. સંધ્યાને એટલેસ્તો ફાવતું મળી ગયું હતું. કોઈ જોવાવાળું નહીં, કોઈ પૂછવાવાળું નહીં. હું તો મહિનાના બાર-પંદર દિવસ બહારગામ હોઉં.'

-તમને પાક્કી ખાતરી છે કે તમારી પત્નીને પરપુરુષ સાથે સંબંધ હતા જ? તમારી ગેરસમજ પણ હોઈ શકે છે. 

'પરપુરુષ નહીં, સાહેબ, પરપુરુષો... અને ગેરસમજ શાની? પાક્કા પુરાવા છે.' 

-પણ લફરાં હોય એટલે વાઇફને મારી નાખવાની? સાથે રહેવાતું ન હોય તો છૂટાછેડા આપી દેવાય, અલગ થઈ જવાય. ખૂન કેમ કર્યું?

'સાહેબ, તમને એમ લાગે છે કે સંધ્યા ખાલી લફરાં કરતી હતી એટલે મેં એને મારી નાખી? વાત ખાલી લફરાંની નહોતી, સાહેબ.'

-તો?     

કાનજી ચુપ રહ્યો. 

-બોલો? વાત લફરાંની નહોતી તો બીજી શું હતી? 

'સાહેબ, એમાં એવું છેને કે...' 

વીડિયો અટકી ગયો. લેપટોપની સ્ક્રીનને તાકી રહેલા અનિકેતનું ધ્યાનભંગ થઈ ગયું. એણે અકળાઈને વીડિયોની ફાઇલ ક્લોઝ કરીને ફરી ઓપન કરી. કાનજીની કબૂલાતવાળો વીડિયો એક જ જગ્યાએ આવીને અટકી જતો હતો. વીડિયો ફાઇલ કરપ્ટ થઈ ગઈ લાગે છે. અનિકેતને ગુસ્સો આવ્યો, પણ અત્યારે કશું થઈ શકે તેમ નહોતું. લેપટોપ બંધ કરી એ પથારીમાં લાંબો થયો. એણે બારી તરફ નજર કરી. 

બહાર વરસાદ પાગલની જેમ વરસી રહ્યો હતો...          

***

ચાર-પાંચ રિંગ પછી શિલ્પા જોશીએ ફોન ઊપાડયો. 

'હલો?'

શિલ્પાનો અવાજ કાને પડતાં જ અનિકેતના ચિત્તમાં એનો ચહેરો ઝબકી ગયો. શિલ્પાના જમણા હોઠના ખૂણા પાસે પેલો તલ અને... 

'શિલ્પાજી, આઇ એમ સો સોરી, તમને અત્યારે ડિસ્ટર્બ કરી રહ્યો છું. એક રિક્વેસ્ટ છે.' 

'બોલો.'

'મારે કાનજીને મળવું છે,' અનિકેતે કહ્યું, 'અત્યારે જ.' 

'અત્યારે?!' શિલ્પા ચોંકી, 'સર, રાતના પોણાબાર થયા છે. કાલે દિવસ દરમિયાન તમે કહો ત્યારે મળવાનું ગોઠવી આપું છું.' 

'મારે કાનજીને અત્યારે જ મળવું છે,' અનિકેતે મક્કમતાથી કહ્યું, 'તમે સમજો છો હું શું કહું છું તે? તમે કહો તો હું સુપ્રિન્ટેન્ડન્ટ સરની પરમિશન લઈ લઉં.'

'તમારે અત્યારે કાનજીનું શૂટિંગ કરવું છે?'

'ના. ફક્ત વાતચીત. હું એકલો જ મળીશ. મારી સાથે બીજું કોઈ નહીં હોય.' 

'મને પાંચ મિનિટ આપો. હું તમને ફોન કરું છું,' કહીને શિલ્પાએ કૉલ ડિસ્કનેક્ટ કર્યો. 

દસેક મિનિટ પછી શિલ્પાનો ફોન આવ્યો, 'તમે કાનજીને મળી શકો છો. ત્યાં સખારામ હશે. એ તમને ગાઇડ કરશે.' 

ગળામાં આઇ-કાર્ડ લટકાવીને અનિકેત એકલો જ લિફ્ટથી નીચે આવી ગયો. ડોક્યુમેન્ટરીની ટીમ માટે ફાળવવામાં આવેલી કારનો ડ્રાઇવર નીચે રાહ જોઈને ઊભો હતો. હવામાં વરસાદ અટકી ગયા પછીની તીખી ઠંડક પ્રસરી ગઈ હતી. 

કાર ફોરેન્સિક સાઇકિએટ્રિક વિંગ તરફ આગળ વધી. રસ્તામાં અનિકેતનું ધ્યાન અનાયાસે કેમ્પસની પેલી સૌથી ઊંચી અને એકલીઅટૂલી બંધ બિલ્ડિંગ તરફ ખેંચાયું. અત્યારે ઉપલા માળે કશો પ્રકાશ દેખાતો નહોતો. આખી બિલ્ડિંગ અંધકારમાં સ્તબ્ધ થીજેલી હતી. 

ફોરેન્સિક સાઇકિએટ્રિક વિંગની બહાર ઊભેલો સિક્યોરિટીનો એક માણસ અનિકેતને છેક અંદર સુધી મૂકી ગયો. અડધી ઊંઘમાંથી જાગેલો સખારામ એન્ટ્રેન્સ હૉલમાં રાહ જોઈને બેઠો હતો. દસેક મિનિટ પછી સખારામ અનિકેતને ઓબ્ઝર્વેશન રૂમમાં લઈને ગયો. એ જ વન-વે મિરરવાળી કાચની દીવાલ, એ જ ખુરસી પર બંધાયેલો કાનજી... 

અનિકેતે કહ્યું, 'સખારામ, તમે જાઓ. તમારે અહીં ઓબ્ઝર્વેશન રૂમમાં બેસવાની જરૂર નથી.'  

સખારામ ગૂંચવાઈને જોઈ રહ્યો. અનિકેતે કહ્યું, 'અરે, કાનજીને તો તમે જડબેસલાક બાંધી રાખ્યો છે. ડરવાની શું જરૂર છે? તમે આઇસોલેશન રૂમનું લૉક ખોલી આપો અને બહાર મારી રાહ જુઓ.'  

સખારામે ક-મને અનિકેતની આદેશનું પાલન કર્યું. અનિકેતે તક જોઈને ઓડિયો કેપ્ચરિંગ સિસ્ટમ અને સીસીટીવી કેમેરા ઓફ કરી નાખ્યા. પછી હળવેથી આઇસોલેશન રૂમમાં પ્રવેશ્યો. કાનજીએ એની સામે બેધ્યાનપણે જોયું.

અનિકેત નજીક ગયો. ધીમેથી એના માથે હાથ ફેરવ્યો. પછી એની આંખોમાં આંખો પરોવીને કહ્યું, 'જો કાનજી, બધું પ્લાનિંગ પ્રમાણે જ આગળ વધી રહ્યું છે. તું નિર્દોષ છે તે તું ય જાણે છે ને હું ય જાણું છું. મારી વાત ધ્યાનથી સાંભળજે અને હું જેમ કહું તેમ કરતો રહેજે. હું અહીં મેન્ટલ હોસ્પિટલમાં તને ભગાડી જવા માટે જ આવ્યો છું...'  

(ક્રમશ:)

- શિશિર રામાવત

Related News

Icon