
'સર, તમે એક વખત મદદ કરો. હું વીડિયો ઉપર સોગંધ ખાઈને કહું છું કે, કાલે સવારે શરાફને ત્યાં જઈને ચેઈન સામે પૈસા આપી દઈશ'
'હેલ્લો, રાજુ બોલો છો, તમારા નામે સીબીઆઈનું વોરંટ આવ્યું છે. તમારે એક કલાક પછી ઓનલાઈન કોર્ટમાં હાજર થવાનું છે.' - વોટ્સએપ ઉપર વીડિયો કોલ રિસિવ કરતા જ રાજુભાઈને સામેની વ્યક્તિએ કહ્યું.
'હું, રાજુ જ બોલું છું પણ એવું તો શું થયું કે, મારા નામે વોરંટ આવ્યું છે. મારો ગુનો તો મને જણાવો.' - રાજુભાઈએ કહ્યું.
'તમે સીબીઆઈ અધિકારી સાથે આમ દલીલો ન કરશો. તમારા નામે કેરાલાથી એક પાર્સલ આવેલું છે. તેમાં નશાકારક પદાર્થો ભરેલા છે, દવાઓ ભરેલી છે અને બીજો આપત્તિજનક સામાન છે. આ પાર્સલ સાથે તમારું આધારકાર્ડ જોડેલું હતું. તમે ૧ નંબર, મણીભદ્ર સોસાયટી, નવરંગપુરા પોસ્ટ ઓફિસ પાસે જ રહો છો ને.' - વીડિયોકોલ કરનાર વ્યક્તિએ કહ્યું. તેણે તરત જ એક મસેજે કર્યો જેમાં પાર્સલનો ફોટો, આધાર કાર્ડનો ફોટો હતો. પાર્સલ ઉપર રાજુભાઈનું જ એડ્રેસ લખેલું હતું.
'સર, તમારી વાત તો સાચી જ છે. તમે પ્લીઝ જણાવશો કે આ મોકલનાર કોણ છે. પાર્સલ ઉપર સામાન મોકલનારની તો વિગતો હોવી જોઈએ ને. એ વિગતો દેખાતી નથી.' - રાજુભાઈએ કહ્યું.
'મિ. રાજુ, માઈન્ડ યોર બિઝનેસ. તમે મને સવાલો ન કરશો. એક વખત પોલીસ ઉપાડીને લઈ ગઈ પછી તો જેલમાં સડવાનો વારો આવશે. અત્યારે એક ચાન્સ છે સાહેબ પાસે ઓનલાઈન કોર્ટમાં જે થાય એ સાબિત કરી લો અથવા દંડ ભરી દો.' - પેલી વ્યક્તિએ કહ્યું.
'ઠીક છે સર, હું ઓનલાઈન રહું છું. તમે જેમ કહેશો તેમ હું કરી દઈશ. પ્લીઝ મારા ઘરે પોલીસ ન મોકલાવશો.' - રાજુભાઈએ દયામણા અવાજે કહ્યું.
'તમારો વીડિયો કોલ ચાલુ જ રાખજો. તમારે અહીંયાથી ક્યાંય ખસવાનું નથી. તમે છટકવાનો પ્રયાસ કર્યો તો તમારા માટે જોખમી થઈ જશે.' - પેલા અધિકારીએ કહ્યું.
'સર, હું તમારી સામે જ છું. હું ક્યાંય જવાનો નથી. હું ઘરમાં જ છું. મને તો પગમાં વાગ્યું છે એટલે ક્યાંય જવાય એમ જ નથી. તમે કહો તો દસ મિનિટમાં ભોજન કરી લઉં. રાતના આઠ વાગ્યા છે, મારે દવા પણ લેવાની છે. પરાણે મહેનત કરીને જમવાનું બનાવ્યું છે.' - રાજુભાઈએ કહ્યું અને પેલા અધિકારીએ આશ્ચર્યજનક રીતે હા પાડી. રાજુભાઈએ પેલાની સામે ભોજન કરી લીધું.
'સાહેબ મારું કામ પૂરું થઈ ગયું છે. તમારા ઉપરી અધિકારી આવી ગયા હોય તો કેસ ચાલુ કરાવો તો મારે આરામ કરાય. દવા પણ ખાઈ લીધી છે. પેઈનકિલર લીધી છે તો મને ઉંઘ બહુ જ આવશે.' - રાજુભાઈએ કહ્યું અને પેલો અધિકારી થોડો અકળાઈ ગયો.
'તમે નિવૃત્ત લોકોને ખાવા-પીવા અને ઉંઘવા સિવાય બીજું કામ શું હોય છે. તમે અડધો કલાક મોડા આરામ કરશો તો કશું જ જવાનું નથી તમારું. ચુપચાપ બેઠા રહો અને સાહેબ આવે તેની રાહ જૂઓ.' - પેલા અધિકારીએ કહ્યું.
'કોણ નિવૃત્ત સાહેબ. હું તો કોલેજમાં અભ્યાસ કરું છું. તમે મારું મોઢું તો જૂઓ હું તમને ક્યાંય નિવૃત્ત કર્મચારી જેવો દેખાઉં છું. મારો કલર થોડો શ્યામ છે. સાહેબ હજી તો હું ભણવા માટે અમદાવાદ આવેલો છું. મારે અમદાવાદ આવ્યે બે વર્ષ થયા છે. તમે તો મને નોકરી કરાવીને નિવૃત્ત પણ કરી દીધો.' - રાજુભાઈએ જવાબ આપ્યો.
'મિ. રાજુ. આવી મજાક ન કરશો. તમારા આધારકાર્ડ પ્રમાણે તમારી ઉંમર ૬૫ વર્ષ જણાવે છે. તમે બેન્કમાં જોબ કરતા હતા. કાયદાકીય બાબતોમાં મજાક કરશો તો કોર્ટનું અને કેન્દ્રીય એજન્સીનું અપમાન કરવાનો કેસ પણ ઠોકી દઈશ.'- પેલો અધિકારી બરાબર અકળાયો.
'સાહેબ જરાય મજાક નથી કરતો. મારું નામ એમ એમ રાજુ છે. મારા પિતાનું નામ એમ એન રાજુ છે. મારા આધારકાર્ડમાં ભુલ થઈ છે. તેમાં એમ એમ રાજુની સામે જન્મ તારીખ એમ એન રાજુની નાખી દેવાઈ હતી. મને મહિના પહેલાં જ આના વિશે ખબર પડી હતી. અમે ગામડે આધારકાર્ડ કરાવ્યું ત્યારે તેનો ખાસ ઉપયોગ થયો નહોતો. મારા પિતાજી તો બેન્કમાંથી નિવૃત્ત થઈને ગામડે સેટલ થઈ ગયા છે.' - રાજુએ કહ્યું અને પેલા અધિકારીના હાવભાવ બદલાયા.
'અમે એ જાણવા નથી માગતા કે, કોણ પિતા અને કોણ પુત્ર છે. તમારા નામે પાર્સલ આવ્યું છે અને તેમાં નશાખોરીનો સામાન છે.' - પેલા અધિકારીએ કહ્યું.
'સાહેબ ખરેખર કહું છું, કંઈક લોચો થયો છે. હું તો સ્ટુડન્ટ છું. મારા નામે કોણ પાર્સલ મોકલાવે. તેમ છતાં તમે કહો છો તો માની લઉં છું. સાહેબ ખરેખર મને દવાની અસર થઈ રહી છે. તમે મોટા સાહેબને કહીને પેનલ્ટી નક્કી કરાવી દો. શક્ય હોય તો સાહેબ કેસ કાલે સવારે ચલાવજો. હું કાલે દવા લીધા વગર સામે બેસી રહીશ. પ્લીઝ સર.' - રાજુભાઈએ કહ્યું.
'પાંચ મિનિટ બેસો હું સાહેબ સાથે વાત કરી લઉં.' - પેલા અધિકારીએ કહ્યું અને ખિસ્સામાંથી ફોન કાઢીને કોઈની સાથે વાત કરી.
'સાહેબને આવતા લગભગ કલાક થશે. તેમણે કહ્યું છે કે, પાર્સલનું આખું ચેકિંગ થાય ત્યારે જે સજા થશે તે થશે પણ પહેલાં વોરંટ કેન્સલ કરવા માટે ૨૦,૦૦૦ પેનલ્ટી કરી દો. જો તેઓ કાલે બપોર સુધીમાં પેનલ્ટી ન ભરી શકે તો વારંટ જારી કરીને ધરપકડ કરાવી દેજો.'- પેલા અધિકારીએ કહ્યું.
'સાહેબ હું ૨૦,૦૦૦ તો શું ૨,૦૦૦ પણ ભરી શકું તેમ નથી. હું તો પરાણે રહું છું અને મારું ગુજરાન ચલાવું છું. હું પાર્ટટાઈમ નોકરી કરું છું. તેનો પગાર આવવાને પણ અઠવાડિયું બાકી છે. મેં બે દિવસ પહેલાં જ મારી સોનાની ચેઈન ગીરવે મુકીને ૧૫,૦૦૦ રોકડા ઉપાડયા હતા. મારો એક્સિડન્ટ થયો હતો તેની સારવાર પણ આ પૈસામાંથી જ કરાવી છે. તમે થોડી મદદ કરો તો હું પૈસા આપી શકું.' - રાજુભાઈ કહ્યું.
'ખોટી દલિલો ન કરશો. તમે પેનલ્ટી નહીં ભરો તો સજા માટે તૈયાર રહેજો. હું તમને કોઈ મદદ કરી શકું તેમ નથી.'- પેલા અધિકારીએ કહ્યું.
'સાહેબ સમજો મારે સોનાની ચેઈન ૭૫,૦૦૦ની છે. તેના ઉપર મેં માત્ર ૧૫,૦૦૦ લોન લીધી છે. હું પગાર આવ્યા બાદ આ રકમ જમા કરાવીને ચેઈન છોડાવવાનો હતો. જો તમે મને ૧૫,૦૦૦ની મદદ કરો તો હું ચેઈન છોડાવીને વેચી દઉં અને પૈસા ભરી દઉં. હું માત્ર એક જ કલાકમાં આ કામ કરી દઈશ. તમે કહો તો હું વીડિયો પણ ચાલુ રાખીશ જેથી તમે મને જોઈ શકશો. જો તમને ગુનો મોટો લાગે તો હું ચેઈનની તમામ કિંમત તમને દંડ રૂપે આપી દઈશ.' - રાજુભાઈએ કહ્યું.
'તમારો દંડ હજી નક્કી નથી થયો. તમારે પહેલો દંડ ૨૦,૦૦૦ ભરવાનો છે. તેની વ્યવસ્થા કરો. હું કોઈ મદદ નહીં કરી શકું.' - પેલા અધિકારીએ કહ્યું.
'સર, તમે એક વખત મદદ કરો. હું વીડિયો ઉપર સોગંધ ખાઈને કહું છું કે, કાલે સવારે શરાફને ત્યાં જઈને ચેઈન સામે પૈસા આપી દઈશ અને તરત તે ચેઈન જ્વેલરને ત્યાં વેચીને તમને બધા જ પૈસા ટ્રાન્સફર કરી દઈશ. તમે એડવાન્સ દંડ પેટે જમા કરી લેજો. કાલે મોટા સાહેબ જે દંડ કરશે તે અલગથી ભરીશ. મારી પાસે બે વીંટી પણ છે જે લોકરમાં પડી છે. લગભગ સાડા ત્રણ લાખ જેવી રકમ આરામથી થઈ જશે. પ્લીઝ સર. તમારી નાનકડી મદદથી હું તમામ મુશ્કેલીઓમાંથી બહાર આવી જઈશ. તમારો ઉપકાર જિંદગીભર નહીં ભુલું.' - રાજુભાઈએ કહ્યું.
'સારું તારા નંબર ઉપર હું ડિજિટલ ટ્રાન્સફર કરું છું. કાલે સવારે ચેઈન લઈને વેચીને તરત જ પૈસા મને મોકલાવજે. આ વીડિયો ચાલુ જ રાખજે. તારે ઉંઘવું હોય તો ઉંઘી જા.' - અધિકારીએ પૈસા મોકલાવતા કહ્યું.
'આભાર સાહેબ, કાલે સવારે દસ વાગ્યે હું પહેલાં તમારું જ કામ કરીશ. આ વીડિયો ચાલુ જ છે. તમે પણ આરામ કરો.' - રાજુભાઈએ એમ કહીને લંબાવી દીધું.
સવારે દસ વાગ્યે તેઓ વીડિયો ચાલુ રાખીને રીક્ષામાં નિકળ્યા અને સીધા જ નજીકના પોલીસ સ્ટેશને પહોંચ્યા. ત્યાં જઈને તેમણે પેલા નકલી અધિકારીને વાત કરવા કહ્યું.
'સાહેબ, આ અમારા શરાફ છે તેઓ ચેઈન પાછી આપવાની ના પાડે છે, તમે વાત કરો ને.'
પેલા નકલી અધિકારીએ પોલીસને જોતાની સાથે જ ફોન કટ કરી નાખ્યો અને સ્વીચ ઓફ પણ કરી દીધો. રાજુભાઈએ સમગ્ર વાત પોલીસને જણાવી અને પોલીસે રાજુભાઈની સમજદારી અને ચાતુર્યને વધાવી લીધા. બીજા દિવસે પોલીસ ઉચ્ચ અધિકારીએ રાજુભાઈને બોલાવીને તેમનું સન્માન કર્યું. રાજુભાઈએ એક ધૂતારાને છેતર્યો હતો. રાજુભાઈએ પણ હરખ સાથે તે પૈસા એક અનાથ આશ્રમના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા.