Home / GSTV શતરંગ : This work is being done from your taxes

GSTV શતરંગ/ તમારા ભરેલા ટેક્સમાંથી આ કામ થઈ રહ્યું છે

GSTV શતરંગ/ તમારા ભરેલા ટેક્સમાંથી આ કામ થઈ રહ્યું છે

- હોરાઈઝન

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એક વખત ત્રણ દેશના સરકારી અમલદારો વૈશ્વિક સંમેલનમાં ભાગ લેવા માટે ભારતમાં આવ્યા હોઈ તેઓની મિત્રતા ભારતના અમલદાર જોડે થઈ. રાત્રે હળવાશની પળોમાં રસ્તા પર ટહેલતા ચારેય અમલદારો તેમના દેશમાં તેઓ કેવો ભ્રષ્ટાચાર કરે છે તેની બડાશ મારવાની વાત પર ચઢી ગયા. થોડી મદ્યપાનની અસર પણ ખરી.

રશિયાના અમલદારે કહ્યું કે 'મારી પાસે શસ્ત્રોની ખરીદીના બીલ ઓકે કરવાનું આવે. મોંઘા મોડલના શસ્ત્રો બીલમાં બતાવી તેની જગ્યાએ સસ્તા ભાવના શસ્ત્રો ખરીદીને સ્ટોકમાં સામેલ કરી દઉં. તફાવતની મોટી રકમ ખિસ્સામાં સેરવી લેવાની. નક્કી થયા પ્રમાણે એક ઉપરી અધિકારીને પણ નિર્ધારિત ટકા રકમ આપી દેવાની.'

બ્રિટનના અમલદારે કહ્યું કે  'એમાં તમે શું નવું કર્યું. આવું તો લગભગ બધા દેશોમાં ચાલતું હોય છે. મારી પાસે તો તર્કબદ્ધ ડ્રાફ્ટ લખવાની એવી માસ્ટરી  છે કે વધુ સારી ગુણવત્તા ધરાવતી  ચીજવસ્તુ તુલનાત્મક રીતે ઘણી  સસ્તી  મળી શકે  તેવા ટેન્ડર આવે તો પણ તગડી રકમની કટકી કરીને સૌથી મોંઘા ટેન્ડર પાસ કરાવવામાં સફળ થાઉં . ખરીદ સમિતિને મારો ડ્રાફ્ટ ગળે ઊતરી જાય. વાર તહેવારે ખૂબ જ મોંઘી ભેટ આપીને તેઓને પણ ખુશ રાખું. આવી રીતે કરોડો રૂપિયા અત્યાર સુધીમાં તીજોરીમાં ભર્યા હશે.'

અમેરિકાનો અમલદાર કહે 'હું તો એવી પોસ્ટ પર છું કે જે ચીજવસ્તુની આયાત માટે જરૂર હોય તેના કરતા કેટલાયે ટન વધુ આયાતની જરૂર છે તેમ ચોપડા પર બતાવું અને જે દેશમાંથી ચીજ વસ્તુ આયાત થતી હોય તેના સપ્લાયર પાસેથી મોટી રકમનું કમિશન મને મળી જાય.હવે તમે વિચારો મારા જેટલો ભ્રષ્ટાચાર તમે કરી શકો ખરા?' 

હવે ભારતના અમલદારનો વારો હતો. તે તેની વાત કહેવા જતો હતો ત્યાં જ એક મોટા વહેણ ધરાવતી નદી આવી. તેણે નદીના એક કિનારેથી બીજો કિનારો બતાવીને કહ્યું કે 'જુઓ મિત્રો, નાગરિકોને એક કિનારેથી બીજા કિનારા જવા માટે અગાઉ બે કલાક લાગતા હતા પણ એક કિનારેથી બીજા કિનારાને જોડતો આ એક કિલોમીટરનો મજબૂત  તાકાત ધરાવતો નદી પરનો  પુલ તમે જુઓ છો ને તે બાંધવા માટે...'

હજુ ભારતના અમલદાર વાત પૂરી કરે તે પહેલાં જ  ત્રણ દેશના અમલદારોએ કહ્યું કે 'અરે ભાઈ, અમને મૂર્ખ ન બનાવ. આ નદી તો બંને કાંઠે મજાથી વહે છે અને કોઈ પુલ તો દેખાતો નથી.' તરત જ ભારતના અમલદારે છાતી ફુલાવતા કહ્યું કે 'બસ ..આ જ તો છે અમારી કમાલ.. તમને પુલ ન દેખાય પણ મને દેખાય છે ને.. સરકારી ચોપડાને અને પુલનો કરોડો રૂપિયાનો ખર્ચ ચૂકવનાર તીજોરી ઓફિસ અને ઓડિટરને દેખાય છે ને.

પુલ નિર્માણના તમામ તબક્કાના બાંધકામ વખતે તેને ઓકે કરીને સહી કરનારને દેખાય છે ને.'

અન્ય ત્રણેય અમલદારો અવાક થઈને ભારતના અમલદારને અહોભાવ સાથે જોવા માંડયા.તે પછી ચારેય સાથે મળીને ખૂબ હસ્યા.અમેરિકાના અમલદારે કહ્યું કે 

'યાર,અમે ભ્રષ્ટાચાર કરીએ છીએ પણ ઉતરતી કક્ષાની કે જરૂર કરતા વધારેનો ઓર્ડર પાસ કરાવીએ છીએ. કમ સે કમ ચીજ વસ્તુ તો દેશમાં આવે છે. જ્યારે તમે તો હવામાં પુલ બનાવ્યો અને સાચા તરીકે ચોપડે બતાવી જંગી રકમનો ભ્રષ્ટાચાર આદર્યો. માની ગયા.'

ભારતનો અમલદાર વધુ ફુલાયો. તેણે કહ્યું કે 'આ તો એકલા મારા વિભાગની જ વાત કરી. અમે સરકારના ચોપડામાં નાગરિકો માટે ફાળવેલી ફૂટપાથ હોય તેને પણ સ્ક્વેર ફૂટના ભાવે વેચી નાંખીએ છીએ. અમારો  ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રસ્તા બાંધકામનો જે કહેવાતો વિકાસ દેખાય છે તે નાગરિકો માટે નથી થતો પણ  તેના લીધે  ભ્રષ્ટાચાર કરવાનો માર્ગ ખુલે તે માટે થાય છે.

કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવુ. તેનું નિર્માણ કરવું એટલે તેમાં ભ્રષ્ટાચાર. તે પછી તેની ઉપેક્ષા કરીને તેની જાળવણી  ન કરવી. ત્રણ પાંચ વર્ષમાં તે જર્જરિત થાય તે સાથે ફરી નવીનીકરણ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવી અને તેમાંથી ફરી ભ્રષ્ટાચાર કરવો. આવું ચક્કર ચાલતું જ રહે છે.'

આટલી વાતો પૂરી કરી ત્યાં તેઓને જ્યાં ઉતારો અપાયો હતો તે હોટલ આવી ગઈ.

છૂટા પડતી વખતે અમેરિકાના અમલદારે કહ્યું કે 'સારું છે કે ઓલિમ્પિકમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર કોનો તે માટેનો કોઈ મેડલ નથી બાકી ગોલ્ડ મેડલ તો કાયમ માટે ભારત જ જીતી જાય.'

'જોયું ને ત્રણ શક્તિશાળી દેશોને કેવા પછાડયા'  તેવા કેફ સાથે ભારતનો અમલદાર હોટલમાં તેની રૂમમાં ગયો.'

આ વાત એટલા માટે યાદ આવી કે ગુજરાતમાં સીઝનના પહેલા જ બે ઈંચના વરસાદમાં આખે આખી કાર કે ટ્રક ગરક થઈ જાય તેવા ભુવા દર વર્ષે પડી જાય છે. હજુ નવા બનેલ રસ્તા પહેલા જ વરસાદમાં  ધોવાઈ ગયા છે  કે પછી કમરના હાડકા તોડી નાંખે તેવા ખાડા ખાબડ થઈ ગયા છે. પશ્ચિમનું શહેર જાણે તળાવમાં ફેરવાઈ જાય છે.પાણી નિકાલની સિસ્ટમ ભારતનો અમલદાર કહે છે તેમ તેના જંગી ખર્ચ સાથે ચોપડે બોલતી હશે.પણ કાર્યરત નથી.

અમેરિકાના કેલિફોર્નિયાનું ઉદાહરણ લઈએ તો નાગરિકોનું ગુણવત્તા સભર જીવન જોઈ શકાય છે. આખા રાજ્યમાં ક્યાંય પોલીસ દેખાય નહીં છતાં તેઓ તેમની રીતે હાજર તો હોય જ. ટ્રાફિક નિયમન માટે પણ કોઈ પોલીસ નહીં છતાં હજારો વાહનો ૧૦૦ કિલોમીટરની ઝડપે જાય અને એક પણ હોર્ન વગર નિયમિત અંતર રાખીને આગળ ધપે. આટલા મોટા દેશમાં રસ્તામાં એક પણ ઢોર કે રખડતું કૂતરું જોવા ન મળે. આમ છતાં અમેરિકામાં પશુ ધન ભારત કરતા વધારે છે. દૂધ અને તેની બનાવટોમાં ઉત્કૃષ્ટ ગુણવત્તા જોઈ શકાય છે. બનાવટી ચીઝ કે માખણ કે પછી કોઈપણ સામગ્રી પકડાય તો મોટી રકમનો દંડ, લાયસન્સ રદ કે જેલ પણ થાય.

પાળેલા કૂતરાને માટે અલગ પાર્ક પણ હોય. રસ્તાને પાળેલું કુતરું બગાડે તો તરત જ તેના માલિકે તેને ખાસ નાની થેલી કે ટિસ્યુ પેપરથી લઈ લેવાનું.

ચોતરફ વૃક્ષો, છોડ, વિવિધ ફુલની રેન્જ સાથે હરિયાળી જોવા મળે. આખા  શહેરનું જાણે લેન્ડ સ્કેપિંગ થયું હોય તેવું લાગે છતાં કોણ ક્યારે તેની મરમ્મત, માવજત કે પાણી પીવડાવા આવતું હશે તે ખબર જ ન પડે.

કેલિફોર્નિયામાં કોઈ જગ્યાએ જતા હોવ ત્યારે રસ્તા રિપેરિંગ કે અન્ય જાહેર સવલતોના કામ ચાલતા હોય ત્યારે ત્યાં જે બોર્ડ મૂક્યા હોય તે જોઈને દેશ માટે માન થઈ ગયું. જે સ્થળે રિપેરિંગ કે જાળવણી માટેનું કામ ચાલતું હોય ત્યાં બોર્ડ લગાવેલું હોય કે 'યોર ટેક્સ ડોલર્સ એટ વર્ક' એટલે કે તમે જે ટેક્સ ડોલરમાં ચૂકવ્યો છે તેમાંથી આ કામ થઈ રહ્યું છે.

આ ઉપરાંત કામ કઈ તારીખે શરૂ થયું, ક્યારે પૂરું થશે તે તો લખેલું હોય જ પણ કોન્ટ્રાકટર અને ઓડિટરનું નામ પણ બોર્ડ પર લખેલું હોય.

નાગરિકો તેમનો ભરેલો ટેક્સ તેઓ માટે ખર્ચ કરાય છે તેવું ઉચ્ચ ગુણવત્તાનું જીવન અનુભવી શકે છે અને તંત્ર પણ પારદર્શક બનીને સાઇટ પર તે મૂકે છે.

શહેરના કોર્પોરેશનની,રાજ્યની  અને અમેરિકાની એવી પોર્ટલ અને વેબસાઇટ છે કે જેમાં નાગરિક ઇચ્છે ત્યારે ટેક્સનું કલેક્શન અને ક્યાં કેટલો ખર્ચ થયો તે જોઈ શકે છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત પત્ર નથી લખવો પડતો. ગેરંટી પ્રમાણે કામ ન થાય કે નાગરિકને કોઈની બેદરકારીને લીધે  અકસ્માત કે ઇજા થાય તો મોટું વળતર આપવું પડે છે. એકાદ વ્યક્તિનું તંત્રની જવાબદારીને લીધે મૃત્યુ થાય તો સ્થાનિક મીડિયા ગજવી મૂકે છે. એવું નથી કે અમેરિકામાં નાગરિકો અને તંત્ર દૂધે ધોયેલા છે પણ તેઓ કાયદાથી ડરે છે. કોઈનો ફોન કે લાગવગ ચાલતી નથી. ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ જાય, દુકાનદાર ભેળસેળ કરી હોય તો ઊંચો ન આવી શકે તેટલો દંડ ભોગવે, બધા માપદંડોમાં ખરા ઉતરો પછી જ સર્ટિફિકેટ મળે અને ચીજવસ્તુ વેચી શકાય.ભારતમાં કાયદાનો કોઈને ડર નથી કેમ કે રાજકીય પક્ષો, નેતાઓ, રાજકારણીઓના ઈશારે જ પોલીસ ફરજ નિભાવતી હોય છે. વી.આઈ.પી. કલ્ચરે પણ દેશની હાલત કફોડી બનાવી છે.

ભારત ભલે વિશ્વમાં ચોથા નંબરની આર્થિક તાકાત ધરાવતો દેશ થયો પણ પશ્ચિમના જ નહીં ભારત કરતા પણ આર્થિક રીતે ઘણા જ પાછળ કહેવાય તેવા દેશો કરતા સુશાસન વગરનો અને કાયદાનો સહેજ પણ ડર ન ધરાવતો દેશ લાગે. ભારતના નાગરિકોની લાગણી દુભાવવાના જે કારણો છે તે જ  તેઓની પછાત માનસિકતા 
દર્શાવે છે.

શું અમદાવાદ કે ગુજરાતના કોઈ શહેરમાં એવી પ્રથા શરૂ ન કરી શકાય કે રસ્તા,પુલ કે અન્ય જાહેર કામ ચાલુ હોય ત્યારે એવું લખેલું બોર્ડ મુકાય કે 'તમે જે ટેક્સ ભર્યો છે તેમાંથી આ કામ થાય છે.' કોન્ટ્રાકટર અને એન્જિનિયરનું નામ જે તે પ્રોજેક્ટમાં તકતી મુકાતી હોય તે રીતે મૂકવામાં આવે તે પણ જરૂરી છે.

જ્ઞાનપોસ્ટ 

માનવ જગતે  રોમન સામ્રાજ્યથી માંડી સોવિયેત યુનિયનનું જે પતન જોયું છે તે કોઈ બાહ્ય આક્રમણને લીધે નહીં પણ તેમના જ દેશના નાગરિકોની ઉપેક્ષા કરીને થતા ભ્રષ્ટાચાર તેમજ  આત્મસન્માન પર પ્રહાર જારી રહ્યા તેના લીધે થયું છે.

- ભવેન કચ્છી

Related News

Icon