
- વામાવિશ્વ
- નાના શહેર, ગામડાઓના નાના નાના ખુણે પણ આવી અનેક યુવતીઓ અને મહિલાઓ, પુરુષ સમોવડીયા કાર્ય ક્ષેત્રમાં પર્દાપણ કરી સફળતા મેળવે છે
લખનવ શહેરથી ૧૨ કિ.મી. દૂર મલ્હોર વિસ્તારમાં રેલ્વે ફાટક આવેલું છે. અહીં ફાટક ખુલ્લું હોય તો પણ લોકોની ભીડ રહે છે. સામાન્ય જતા આવતા લોકોને એમ થાય કે અહીં કોઈ સમસ્યા ઊભી થઈ છે પરંતુ આ કોઈ સમસ્યાના ઉકેલ માટેની ભીડ નથી, આતો સેલ્ફી લેવા માટેની ભીડ છે. અહીં ફાટક અંગેની જવાબદારીઓ નીભાવવા માટે 'ગેટમેન' નથી, પરંતુ 'ગેટ વુમન' છે. એક યુવતીને આ ભારેખમ કામ કરતી જોઈને લોકોને અચંબો થાય છે અને તે પણ હિજાબમાં. આથી લોકો તેની સાથે સેલ્ફી લેવા ઊભા રહે છે.
આ 'ગેટ વુમન' એટલે મીર્જા સલમા બેગ ૧૯ વર્ષની હતી ત્યારથી તે 'ગેટ વુમન' તરીકે જોડાઈ હતી અને આજે ૧૦ વર્ષથી તે આ જવાબદારી બહુખુબી નીભાવી રહી છે. ભારતમાં કોર્પોરેટ મહિલાઓ પેજ થ્રી મહિલાઓ જ પુરુષ સમોવડીયા કાર્યક્ષેત્રમાં પ્રવેશી સફળતા મેળવે છે તેવું નથી. ભારતની મેગાસીટીઓ, નાના શહેર, ગામડાઓના નાના નાના ખુણે પણ આવી અનેક યુવતીઓ અને મહિલાઓ, પુરુષ સમોવડીયા કાર્ય ક્ષેત્રમાં પર્દાપણ કરી સફળતા મેળવે છે અને ઇતિહાસ રચે છે.
આવા જ એક લખનવ પાસેના મલ્હોર વિસ્તારના ખૂણા પર ફોકસ કરવું છે અને સલમાબેગની આગવી કહાની રજૂ કરવી છે.
મીર્ઝા સલમાબેગ કોલેજના પ્રથમ વર્ષમાં આવી અને તેની માતાને લકવાનો એટેક આવ્યો. આથી સલમાને ઘરની જવાબદારી ભણવા સાથે ઉપાડવી પડી. હજુ તો, આ ઘા માંથી બહાર આવી નથી ને કોલેજનું પ્રથમ વર્ષ પૂરું થવા આવ્યું હતું ને સલમાના પિતાજીને એવો રોગ થયો કે કાને લગભગ બહેરા થઈ ગયા અને બીજા લક્ષણમાં તેઓ કોઈપણ વસ્તુ પર ધ્યાન ના કેન્દ્રીત કરી શકે તેમજ ભૂલી જાય.
સલમાના પિતાજી આ જ ફાટક પર ગેટમેન તરીકે કામ કરતા હતા. ગેટમેન તરીકેની ફરજમાં ખૂબ ચોકસાઈ ને ચીવટ રાખવી પડે છે. આથી આ રોગને કારણે તેમણે ફરજિયાત નિવૃત્તિ લેવી પડી. ભારતીય રેલ્વેના નિયમ પ્રમાણે પ્રથમ સંતાન તરીકે સલમાબેગનો આ જગ્યા એટલે મલ્હોરની ગેટવુમન તરીકેની નોકરી માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો.
સલમા પર મુસીબતનો પ્હાડ તૂટી પડયો. એક બાજુ તે ભણતી હતી, તો તેની સામે પ્હાડ જેવા ત્રણ પ્રશ્નો ખડા થઈ ગયા. જો પિતાજી નોકરી ના કરે તો તેના કુટુંબની ખાધાખોરાકી કેવી રીતે ચાલે? બીજો પ્રશ્ન માતાની લકવાની દવા કેવી રીતે આવે? ત્રીજો નાની બહેનનું ભણવાનું છૂટી જાય તો? આ પ્રશ્નો સામેની મુસિબતના પહાડને ૧૯ વર્ષની સલમાબેગે દ્રઢ મનોબળ અને હિમ્મતનો કરાટેનો મુક્કો મારી તોડી પાડયો અને આ નોકરી લેવાનું સ્વીકાર્યું. આ સમયે સલમાની ઉંમર ફકત ૧૯ વર્ષની હતી.
સલમાબેગના હિમ્મતના કોડીયામાં, તેના પિતાજીએ પ્રેરણાનાં તેલનું સીંચન કર્યું અને વિકાસનો પ્રકાશ ફેલાયો. સલમાએ 'ગેટ વુમન' તરીકે મલ્હોરનાં ફાટક અંગેની નોકરી સ્વીકારી. હિમ્મત આપવા અને થોડી ટેવડાવવા, તેના પિતાજી સલમા સાથે જવા લાગ્યા.
શરૂઆતમાં બીજા જ દિવસે, રેલ્વેના ત્યાંના સ્ટાફે સલમાની ઠેકડી ઊડાવતાં કહ્યું કે, 'આ છોકરડી શું આ તોતીંગ ફાટક બંધ કરવાનું ને ખોલવાનું કામ કરી શકવાની ? હમણા ચાર દિવસમાં ભાગી જશે.'
આ દલીલ સામે હસતા હસતા મીર્ઝા સલમા બેગ કહે છે, 'ભાગેડુ સમજનાર સલમાએ દસ વર્ષ પૂરા કર્યા અને તાજેતરમાં લખનવના રેલ્વે ડિપાર્ટમેન્ટ તરફથી મને 'બેસ્ટ એમ્પ્લોઈ'નો એવોર્ડ મળ્યો. ત્યારે આ ટીકા કરનાર સ્ટાફ જ અભિનંદન આપવા આવ્યો. જો કે થોડા જ સમયમાં બધાને મારી ઇમાનદારી, હોશિયારી અને સચ્ચાઈનો પરિચય થઈ ગયો હતો. આથી બધા મારા કાર્યને બીરદાવતા હતા.
આ તો પછીની વાત પણ, શરૂઆતમાં સલમા બેગને ઘણી મુશ્કેલીઓ પડી હતી.
આ નોકરી લીધી ત્યારે પ્રથમ કુટુંબમાં વિરોધ થયો. તેના દાદાએ, મોસાળ પક્ષે ને અન્ય સગાવહાલાઓએ વિરોધ કર્યો. બીજી અગત્યની વાત કે લખનવના વર્તમાનપત્રોએ વિરોધ કર્યો કે, આટલી જવાબદારીવાળી જગ્યા આટલી નાની છોકરીને કેવી રીતે અપાય? રેલ્વે ડિપાર્ટમેન્ટને ચોખવટ કરવી પડી કે, આ જગ્યા માટે 'ગેટમેન' અને 'ગેટ વુમન' બંને માટે છે, પરંતુ અત્યાર સુધી કોઈ 'ગેટ વુમન' તરીકે આવી ન હતી આથી આ જગ્યા સ્ત્રીઓ માટે ખાલી હતી.
મુશ્કેલીઓનો સામનો કરતા કરતા સલમા ટેવાઈ ગઈ. આ નોકરીના કાર્યોનું વર્ણન કરતા સલમા કહે છે કે, 'પ્રથમ જે ટ્રેન આવવાની હોય કે પસાર થવાની હોય તેના આગલા બે સ્ટેશનથી ટેલીફોન આવે છે. જે ટાઈમ અમારે નોંધવો પડે છે.
તરત જ ફાટક બંધ કરવો પડે છે પછી લીવર વડે લોક કરવો પડે છે. તરત જ ત્વરીત ઝડપથી અંદર જઈ, બહારના સીગ્નલ માટેની સ્વીચ દબાવવી પડે છે. જે જોઈ ટ્રેનના ડ્રાઈવરો પસાર થાય છે. ટ્રેનો એટલી ઝડપમાં હોય છે કે, જરા પણ બેધ્યાનપણું મોટો અકસ્માત સર્જી શકે છે. ટ્રેન જાય પછી તેનો પસાર થવાનો ટાઈમ, જવાનો ટાઈમ વગેરે બધુ નોંધવું પડે છે. ટ્રેન જાય પછી લાલ / લીલી ઝંડી બતાવી આગળનું કામ કરવું પડે છે.
આ ફાટક પરથી કલાકની લગભગ દસ ટ્રેનો અને આખા દિવસની ૭૦-૮૦ ટ્રેનો પસાર થાય છે. બારબાર કલાકની બે શીફટ હોય છે.
ઘણીવાર આવતા જતા લોકો સલમાને, ફાટક જલ્દી બંધ કરી દે છે વગેરે ફરિયાદો કરે છે. પરંતુ સલમા આ ટીકાઓ તરફ કોઈ ધ્યાન આપતી નથી. ઘણીવાર તો લોકો લડવા પણ આવે છે અને ગાળાગાળી પણ કરે છે. પણ આની સામે સલમા આંખઆડા કાન કરે છે.
સલમાબેગનું કહેવું છે, લોકો તો બોલ્યા કરે, હું તેની સામે આંખઆડા કાન કરું છું. જેને સફળ કામગીરી કરવી છે તેણે ટીકાઓ નજર અંદાજ કરવી પડે છે.'
સલમાની આ ગેટવુમનની યાત્રા દરમ્યાન તેના નિકાહ થયા. શરૂઆતમાં પતિ અને સાસરીયાઓએ ગેટવુમનની નોકરી છોડી દેવા કહ્યું, પરંતુ સલમાએ આ નોકરી ચાલુ રાખવાની હિમાયત કરી, આથી તેના પતિ અને કુટુંબીજનોએ સાથ આપ્યો.
આજે સલમા ૧ વર્ષના દીકરાની માતા છે. તે સવારની ૧૨ કલાકની શીફટ લે છે. વહેલી ઊઠી ઘરનું, દીકરાનું બધું જ કામ કરીને આવે છે અને ૧૨ કલાકની શીફટ પણ કરે છે.
સલમા બેગ માને છે કે, જો ગૃહિણીને તેના ટાઈમ મેનેજમેન્ટ પ્રમાણે કામ કરવા દેવામાં આવે તો જરૂરથી તે ઘર અને નોકરી બંને જીવનબિંદુઓને સમતોલ કરી શકે છે.