
આજે એટલે કે 29 માર્ચે IPLની 18મી સિઝનમાં બે ભૂતપૂર્વ ચેમ્પિયન, ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ટકરાશે. બંને ટીમોની વર્તમાન સિઝનમાં હાર સાથે શરૂઆત થઈ છે અને હવે બંને બીજી મેચમાં પોતાનું ખાતું ખોલવાનો પ્રયાસ કરશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં, બધાની નજર બંને ટીમોના પ્લેઈંગ ઈલેવન પર રહેશે.
પહેલી મેચમાં હાર બાદ ટીમ મેનેજમેન્ટ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. ટીમો માટે પાછલી મેચની ભૂલોમાંથી શીખવું અને જીતનું ખાતું ખોલવું મહત્ત્વપૂર્ણ છે. જોકે, એક ટીમ આજે પણ નિરાશ થશે કારણ કે ફક્ત એક જ ટીમ જીતશે. કોણ જીતશે તે નક્કી કરવામાં પ્લેઈંગ ઈલેવન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને તેથી બંને ટીમોના કેપ્ટન બેસ્ટ કોમ્બિનેશન બનાવવાનો પ્રયાસ કરશે.
મુંબઈની પ્લેઈંગ ઈલેવનમાં થશે ફેરફાર
મુંબઈને પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમનો નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા આ મેચમાં નહતો રમ્યો કારણ કે તેના પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ગઈ સિઝનમાં મુંબઈની છેલ્લી મેચમાં સ્લો ઓવર રેટને કારણે તેના પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પહેલી મેચમાં આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. તે હવે ગુજરાત સામેની મેચમાં વાપસી કરશે. આ એ જ ટીમ છે જેને પંડ્યાએ પોતાની કેપ્ટનશિપ હેઠળ પહેલી જ સિઝનમાં વિજેતા બનાવી હતી.
મુંબઈની પ્લેઈંગ ઈલેવનમાં પંડ્યાની એન્ટ્રી થતા રોબિન મિંજને બહાર જવું પડશે. ટીમમાં બીજો કોઈ ફેરફાર નહીં થાય તેવું લાગી રહ્યું છે. ટીમે પહેલી મેચમાં જે ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તે ફરી એકવાર જોવા મળશે. ટીમને રોહિત શર્મા પાસેથી ઘણી આશાઓ રહેશે જે છેલ્લી મેચમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. વિલ જેક્સ અને રિયન રિકલટેન પણ પ્લેઈંગ ઈલેવનમાં હશે.
ગુજરાતની પ્લેઈંગ ઈલેવન કેવી રહેશે?
ગુજરાતને પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ટીમની બેટિંગ મજબૂત હતી, પરંતુ બોલરોએ નિરાશ કર્યા હતા. પંજાબના બેટ્સમેનોએ ઘણા રન બનાવ્યા હતા. અહીં શક્ય છે કે ગુજરાત પરિવર્તન લાવી શકે. મોહમ્મદ સિરાજ અને કાગીસો રબાડાનું રમવું નિશ્ચિત છે. અરશદ ખાનની જગ્યાએ ઈશાંત શર્માને તક મળી શકે છે.
સાઈ સુદર્શન અને જોસ બટલરે શાનદાર ઈનિંગ્સ રમી અને અડધી સદી ફટકારી હતી. ગિલે પણ સારી ઈનિંગ રમી હતી. શેરફેન રૂધરફોર્ડે સારી શરૂઆત કરી પણ પછી તેણે પોતાની લય ગુમાવી દીધી હતી. ટીમે તેનો ઉપયોગ એક પ્રભાવશાળી ખેલાડી તરીકે કર્યો હતો. અહીં ટીમ મુંબઈ સામે ગ્લેન ફિલિપ્સને તક આપી શકે છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
MI: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, રિયન રિકલટેન, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, સત્યનારાયણ રાજુ, .
GT: શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવતિયા, શાહરૂખ ખાન, સાઈ કિશોર, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.