
ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે ગૌવંશ સંવર્ધન વિધેયક પસાર કરવામાં આવ્યું હતું, જે સર્વાનુમતે પસાર થયું છે. આ બિલમાં વિશેષરુપે ગાય અને ભેંસના કૃત્રિમ ગર્ભધારણ માટેના નિયમો સામેલ કરાયા છે. ભવિષ્યના સમયમાં આ અંગે કાયદો પણ ઘડવામાં આવશે અને તેનું અમલીકરણ પણ કરવામાં આવશે. તેના માટે ગુજરાત ગૌવંશ સંવર્ધન નિયમનકારી સત્તામંડળની સ્થાપના થશે.
વિધાનસભામાં કોંગ્રેસ નેતા કિરીટ પટેલનો કટાક્ષ
વિધાનસભા ગૃહમાં ગૌવંશ સંવર્ધન વિધેયકની ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું છે. કિરીટ પટેલે આ મામલે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, આખલમાંથી ગાયો કરવાનું મશીન ભાજપ છે.
મળતી માહિતી પ્રમાણે, વિધાનસભા ગૃહમાં ગૌવંશ સંવર્ધન વિધેયકની ચર્ચા દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલે કટાક્ષમાં જણાવ્યું હતું કે, આ બાજુ જે આખલા હોય છે તે સામેની બાજુમાં જાય એટલે ગાય બની જાય છે. કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ પલટો કરીને ભાજપમાં ગયા તેના પર કટાક્ષ કર્યો હતો. જોકે અધ્યક્ષ તરીકે શૈલેષ પરમારે આ શબ્દો રેકોર્ડ પરથી દૂર કર્યા હતા.
એક ગૌભક્તની પ્રતિક્રિયા પણ સામે આવી
ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા ગૃહ માં આવેલ બિલ બાબતે ગૌ ભક્ત અર્જુન આંબલીયાની પ્રતિક્રિયા સામે આવી છે. અર્જુન આંબલીયાએ જણાવ્યું હતું કે ગાયને કારણે ખેતી, રોજગાર, આર્થીક, પર્યાવરણ ક્ષેત્રે અનેક લાભ થાય છે. ગૌ માતાના દ્રવ્યોથી ઘણા બધા પરિવારોને રોજગાર અને સ્વાસ્થ પ્રદાન થઈ રહ્યું છે. ત્યારે ગૌ માતને બચાવવી ખુબ જ જરુરી છે, અને તે ત્યારે જ બચશે જ્યારે તેને રાજ્યમાતા કે રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવશે. તમામ ગૌભક્તો આ બિલને સમર્થન આપે છે.