ગુજરાતમાં ચોમાસાની શરુઆત સાથે જ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગની શરુઆત કરી દીધી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ હવામાન વિભાગે પણ આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર રસ્તા તૂટી ગયા છે તો ક્યાંય મોટા ગાબડાં પડી ગયા છે. જેના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી આજે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તૂટેલા રોડ અને રસ્તાઓ પર પડેલા ખાડાઓને રિપેર કરવાના આદેશ આપ્યા છે.

