
IPL 2025ના એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઈટન્સ (GT) ને 20 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે ટીમ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. એલિમિનેટરમાં GTની હારનો મોટો વિલન કુશલ મેન્ડિસ અને ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝી રહ્યો હતો. MIના બેટ્સમેનોએ ગેરાલ્ડ કોએત્ઝીની ઓવરમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. પરિસ્થિતિ એવી બની કે કેપ્ટન શુભમન ગિલે તેને ફક્ત 3 ઓવર બોલિંગ કરાવી, જેમાં તેણે 51 રન આપ્યા અને એક પણ વિકેટ ન લઈ શક્યો.
કુશલ મેન્ડિસ મેચનો સૌથી મોટો વિલન બન્યો
જ્યારે શ્રીલંકાના કુશલ મેન્ડિસે GT માટે IPL ડેબ્યુ કર્યું, જે બહુ ખાસ ન રહ્યું. તેને જોસ બટલરની જગ્યાએ GTની ટીમમાં સ્થાન મળ્યું હતું. શ્રીલંકાના વિકેટકીપર-બેટ્સમેનનું MI સામે પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. એલિમિનેટર મેચમાં GT માટે ડેબ્યુ કરી રહેલા મેન્ડિસે વિકેટકીપિંગમાં બે મહત્ત્વપૂર્ણ કેચ છોડી દેતા ટીમ મુશ્કેલીમાં મૂકાઈ હતી.
પહેલો કેચ રોહિત શર્મા અને બીજો સૂર્યકુમાર યાદવનો હતો. રોહિતે આ તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને 81 રન બનાવ્યા, જેના કારણે મુંબઈએ મોટો સ્કોર બનાવ્યો. બીજી તરફ, કુશલ મેન્ડિસ બેટિંગમાં કંઈ ખાસ ન કરી શક્યો, ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમયે તે હિટ વિકેટ આઉટ થયો હતો. તે મિચેલ સેન્ટરની ઓવરમાં શોર્ટ રમવા જતાં બેકફૂટ પર ગયો ત્યારે તેનો પગ સ્ટમ્પને અડી ગયો હતો. કુશલ 10 બોલમાં 20 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
MI તરફથી રોહિત શર્માએ 50 બોલમાં 81 રનની શાનદાર ઈનિંગ રમી, જેના કારણે પાંચ વખતની IPL ચેમ્પિયન ટીમ 228/5 રન બનાવી શકી. સૂર્યકુમાર યાદવે 33 અને જોની બેયરસ્ટોએ 47 રનની શાનદાર ઈનિંગ રમી હતી. GT તરફથી પ્રસિદ્ધ કૃષ્ણા અને સાઈ કિશોરે બે-બે વિકેટ લીધી હતી. GT એ પણ સારી લડત આપી. સાઈ સુદર્શને 49 બોલમાં 80 રન (10 ચોગ્ગા, 1 છગ્ગા) અને વોશિંગ્ટન સુંદરે 24 બોલમાં 48 રન બનાવ્યા હતા. એક સમયે GT મેચ જીતવા તરફ આગળ વધી રહ્યું હતું પરંતુ ધીમે ધીમે વિકેટ ગુમાવતા અને રનરેટનું પ્રેશર વધતાં છેલ્લે GTની ટીમે MIના મોટા સ્કોર સામે શરણાગતિ સ્વીકારી હતી. હવે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની MIની ટીમ પહેલી જૂને અમદાવાદમાં પંજાબ કિંગ્સ (PBKS) સામે ક્વોલિફાયર-2 રમશે.