Gujarat Weather News: ગુજરાતભરમાં વરસાદે કહેર મચાવ્યો છે. ત્યારે ગુજરાત હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. અન્ય જિલ્લામાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે જેને કારણે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવે છે.
રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે (9 જુલાઈ) સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં 31 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં 1.89 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 15 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે બુધવારે તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને 10-11 જુલાઈના રોજ નવસારી, વલસાડ જિલ્લામાં મેઘગર્જના સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
12-13 જુલાઈની આગાહી
12 જુલાઈએ મહીસાગર, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ અને 13 જુલાઈએ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
14-15 જુલાઈની આગાહી
14 જુલાઈએ ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લી મહીસાગર, દાહોદ અને 15 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.