
ગુજરાત રાજ્યના બહુ ચર્ચિત મનરેગા કૌભાંડ મામલે ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે મંત્રી બચુખાબડના બન્ને પુત્રોને કોર્ટે જામીન આપ્યા છે. બન્ને પુત્રોને દાહોદમાં પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે મંત્રીના બન્ને પુત્રો સામે 29મી મેના રોજા ફરિયાદ નોંધાઈ હતી. તો બીજી તરફ બળવંત ખાબડ અને કિરણ ખાબડ સવા મહિને જેલમાંથી બહાર આવ્યા હતા. બન્ને વિદેશ ભાગી ન જાય તે માટે પાસપોર્ટ જમા કરાવવાનું કોર્ટે જણાવ્યું હતું.
71 કરોડના મનરેગા કૌભાંડમાં મંત્રીજીના બન્ને પુત્રો હતા જેલમાં
દાહોદ જિલ્લામાં બહુચર્ચિત રૂ.71 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસે બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરી રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્ર બળવંત અને કિરણ ખાબડની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ દરમિયાન બંનેના રિમાન્ડ મેળવ્યા બાદ કસ્ટડીમાં મોકલી દીધા હતા.
રાજકીય વગનો ઉપયોગ કરીને ગેરરીતિ આચરી
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તેમજ ધાનપુરના ત્રણ ગામોમાં મનરેગા અંતર્ગત 71 કરોડના કામોમાં ગેરેરીતિ આચરાઈ હોવાનું સામે આવ્યું હતું. દાહોદ જિલ્લામાં દેવગઢબારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગાના તમામ કામ મંત્રી પુત્રોની એજન્સી શ્રી રાજ ટેડર્સ અને શ્રી રાજ કન્સ્ટ્રકશન કંપનીને અપાયા હતા. આ બંને એજન્સીઓએ પિતાની રાજકીય વગનો ઉપયોગ કરીને ગેરરીતિ આચરી હતી.
મંત્રીના પુત્રોએ મનરેગાને પણ કમાણીનું સાધન બનાવી દીધું હતું
નોંધનીય છે કે ગરીબોને રોજગારી આપતી મનરેગા યોજનાને પણ મંત્રી પુત્રોએ કમાણીનું સાધન બનાવી દીધું હોવાના આરોપ છે. આ જ કૌભાંડમાં થોડા દિવસ પહેલા મંત્રી પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરાતા રાજકારણ ગરમાયું હતું. સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસ પ્રતિનિધિમંડળે સ્થળ તપાસ કરતાં ઘટસ્ફોટ થયો હતો કે, મંત્રી પુત્રોએ ચેકડેમ, હેન્ડપંપ-પાણીના બોર, માટી મેટલના રસ્તા બનાવ્યા વિના જ બારોબાર જ બિલો પાસ કરાવી લાખો કરોડો રૂપિયા સેરવી લીધા હતા.