
Gujarat Weather Forecast: પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં બે દિવસથી સત્તાવાર ચોમાસું બેસી ગયું છે જેથી મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં વરસાદી બઘડાટી બોલાવી રહ્યો છે. બીજી બાજું હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા વરસાદનો વર્તારો વ્યક્ત કર્યો છે.
આજે ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકવાની આગાહી હવામાને દર્શાવી છે. અમરેલી, ભાવનગર, ભરૂચ, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થયું છે. બીજી બાજું ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રાજ્યમાં આગામી 30 મેથી 1 જૂન સુધી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગાજવીજ તેમજ ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. કારણ કે, દરિયાકાંઠે પવનની ગતિ 40થી 45 કિલોમીટર પ્રતિ કલાકે ફુંકાશે. હવામાન વિભાગે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી વ્યક્ત કરી છે.
આ ઉપરાંત દેશમાં 106 ટકા વરસાદ પડશે તેવો વર્તારો વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં 114 ટકા વરસાદની સાથે સિઝનમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 199 ટકા વરસાદની સંભાવના દર્શાવી છે. જો કે, અમદાવાદમાં તો 40 ડિગ્રી તાપમાન સાથે ગરમી રહેવાની છે.