
અમદાવાદમાં અસામાજિક તત્ત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અસામાજિક પ્રવૃતિ કરતા વધુ 13 ગુનેગારોને પાસા કરાઇ છે. 10 ગુનેગારો સામે તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે. ચાલુ વર્ષે 233 ગુનેગારોને પાસા કરવામાં આવી છે. વર્ષ 2025માં કૂલ 34 ગુનેગારો સામે તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે. અલગ અલગ પોલીસ મથકના ગુનેગારો સામે પોલીસ કમિશનર જી.એસ.મલિકે કાર્યવાહી કરી છે.
21 આરોપીઓને કરાયા હતા પાસા
અમદાવાદના વસ્ત્રાલની ઘટના બાદ ડીજીપીએ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં માથાભારે તત્ત્વો સામે કાર્યવાહીના આદેશ આપ્યા હતા. જે અનુસંધાનમાં પોલીસ કમિશનર જી. એસ મલિકે અમદાવાદના 21 જેટલા માથાભારે તત્ત્વો સામે ગુનાની ગંભીરતાને ઘ્યાનમાં રાખીને પાસા હેઠળ કચ્છની ભૂજમાં આવેલી જેલમાં મોકલી આપ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં એક જ દિવસમાં 21 જેટલી પાસા કરવાની પ્રથમ ઘટના છે. જેમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં સૌથી વઘુ સાત પાસા, ઓઢવમાં ત્રણ અને ઈસનપુર, શાહીબાગ, આનંદનગર, બોડકદેવ, સોલા, નિકોલ, શાહપુર, નરોડા, નારોલ અને ડીસીપી પોલીસ સ્ટેશનમાંથી એક-એક આરોપીનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં હોળીની રાત્રે અસામાજિક તત્ત્વોએ મચાવ્યો હતો આતંક
અમદાવાદમાં હોળી (13 માર્ચ)ની રાત્રે વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. જેનો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તોફાની તત્ત્વોએ રાહદારીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. વિસ્તારમાં ઘર-મકાન-દુકાનોની આજુબાજુ ઊભેલા વાહનોમાં પણ તોડફોડ મચાવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, લગભગ 15 થી 20 તોફાનીઓના ટોળાએ આતંક મચાવ્યો હતો અને વાહનો અને રાહદારીઓ પર બેફામ હુમલા કર્યા હતા અને અપશબ્દો કહ્યા હતા.