
ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનારા અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં ફાંસી પામેલા 38 આરોપીઓના કન્ફર્મેશન કેસની સુનાવણી હવે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠ દ્વારા ડે ટુ ડે બેઝીઝ પર હાથ ધરવામાં આવશે. ખૂબ જ સંવેદનશીલ અને મહત્ત્વના આ કેસની ઝડપી અને અસરકારક સુનાવણી હાથ ધરવાના આશયથી હાઈકોર્ટે આજે આ મેટર પાર્ટ હર્ડ(કેસની આખરી સુનાવણી ન થાય ત્યાં સુધી આ ખંડપીઠ સમક્ષ સુનાવણી નિર્ધારિત) કરી દીધી હતી. જેથી કન્ફર્મેશન કેસની સુનાવણી રોજેરોજ હાથ ધરવામાં આવશે.
સાડા સાત લાખ પાનાનો દસ્તાવેજ બનાવાયો
ચકચારભર્યા આ કેસમાં નોંધનીય વાત એ છે કે, ફાંસીના આ કન્ફર્મેશન કેસમાં કેસના કાગળો અને દસ્તાવેજોના આશરે સાડા સાત લાખ પાના છે. અદાલતી કેસમાં આટલા બધા થોકબંધ દસ્તાવેજો સાથેના બહુ જૂજ કેસો હોય છે તે પૈકીનો આ કેસ માનવામાં આવી રહ્યો છે.
હાઈકોર્ટે કેસની લાઇવ સ્ટ્રિમિંગ પર મૂક્યો પ્રતિબંધ
26 જુલાઈ, 2008ના દિવસે શહેરની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ, મણિનગરની એલ. જી. હોસ્પિટલ સહિતના જુદા જુદા સ્થળોએ બસોમાં, સાયકલમાં, કાર સહિતના સ્થળોએ પ્લાન્ટ કરેલા બ્લાસ્ટમાં 56 લોકોના કરૂણ મોત નિપજયાં હતાં, જયારે 250થી વધુને ઈજા પહોંચી હતી. વર્ષ 2008માં અમદાવાદના ચકચારભર્યા સીરિયલ બ્લાસ્ટ કેસમાં સ્પેશ્યલ ડેઝીગ્નેટેડ કોર્ટ દ્વારા 18 ફેબ્રુઆરી, 2022ના દિવસે 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આ સિવાય 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં બે આરોપીઓ તરફથી જામીન અરજી પણ કરવામાં આવી છે તો, કેસમાં સજા મોકૂફીના મુદ્દે પણ સુનાવણી હાથ ધરવામાં આવશે. કેસમાં મહત્ત્વનો એવો પુરાવો પણ વંચાણે લેવાઈ રહ્યા છે. સાથે સાથે આ કેસ બહુ જ સંવેદનશીલ હોવાથી હાઈકોર્ટે તેના લાઇવ સ્ટ્રિમિંગ પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.