Home / Gujarat / Devbhoomi Dwarka : Bet Dwarka/Gujarat High Court gives green signal to remove illegal religious place

બેટ દ્વારકા/ સરકારી-ગૌચરની જમીનો પર બનેલા ગેરકાયદે ધાર્મિક સ્થાન હટાવવા ગુજરાત હાઈકોર્ટની લીલીઝંડી

બેટ દ્વારકા/ સરકારી-ગૌચરની જમીનો પર બનેલા ગેરકાયદે ધાર્મિક સ્થાન હટાવવા ગુજરાત હાઈકોર્ટની લીલીઝંડી

બેટ દ્વારકા ખાતે સરકારી-ગૌચરની જમીનો પર ગેરકાયદે રીતે બાંધકામ કરી દેવાયેલા ધાર્મિક સ્થાનો હટાવવા(તોડી પાડવા) મામલે ગુજરાત હાઈકાર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે લીલીઝંડી આપી હતી. બેટ દ્વારકામાં સ્થિત આ મદરેસાઓ, દરગાહો તેમ જ મસ્જિદોને તોડી પાડવા સામે રક્ષણ મેળવવા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થયેલી જુદી જુદી રિટ અરજીઓ મંગળવારે (ચોથી ફેબ્રુઆરી) જસ્ટિસ મોના એમ. ભટ્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી.હાઇકોર્ટે સ્પષ્ટ પણે જણાવ્યું કે, 'આ કેસમાં તમામ રિટ અરજીઓ ગુણદોષ વિનાની હોઈ ફગાવી દેવામાં આવે છે.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'વકફ પ્રોપર્ટીને સત્તાવાળાઓ તોડી શકે નહીં'
ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાને પગલે બેટ દ્વારકામાં કથિત ધાર્મિક સ્થાનોના ગેરકાયદે અને અનઅધિકૃત બાંધકામો-દબાણને દૂર કરવાનો રસ્તો સ્થાનિક સત્તાવાળાઓ માટે મોકળો બન્યો છે. અરજદાર મુસ્લિમ જમાત તથા અન્યો તરફથી કરાયેલી જુદી જુદી રિટ અરજીઓમાં એવો દાવો કરાયો હતો કે, વિવાદીત બાંધકામો અને સ્થાનો એ ધાર્મિક છે અને સમુદાયની લાગણીઓ તેની સાથે જોડાયેલી છે. જેમાં કેટલીક દરગાહો અને મદરેસાઓ પણ સામેલ છે. તો જમીનનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે પણ થાય છે. આ વિવાદીત પ્રોપર્ટી વકફ એકટ હેઠળ આવરી લેવાયેલી છે, તેથી વકફ પ્રોપર્ટીને સત્તાવાળાઓ તોડી શકે નહીં. 

જો કે, રાજ્ય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ ગુરશરણસિંહ વિર્ક અને મદદનીશ સરકારી વકીલ ધારિત્રી પંચોલીએ અદાલતનું ધ્યાન દોરતાં જણાવ્યું કે, 'વિવાદીત ધાર્મિક સ્થાનો (મદરેસાઓ, દરગાહ કે મસ્જિદ) કોઈ વકફ પ્રોપર્ટી નથી, પરંતુ વાસ્તવમાં એ સરકારી અને ગૌચરની જમીન પર ઊભા કરાયેલા ગેરકાયદે અને અનઅધિકૃત બાંધકામો છે. વળી, વકફ પ્રોપર્ટી હોવા અંગેનો કોઈ પુરાવો સરકારી રેકોર્ડ કે દસ્તાવેજમાં સામે આવ્યો નથી કે અરજદારપક્ષ પણ તે રજૂ કરી શકયા નથી. પીટીઆર(પબ્લીક ટ્રસ્ટ રજિસ્ટર)ના રેકોર્ડમાં પણ વિવાદીત મિલ્કોવાળી સર્વે નંબરની જમીનનો સમાવેશ નથી. આ જમીન સરકારી જગ્યા છે અને જો તે કબ્રસ્તાન માટે જે તે વખતે અપાઈ હોય તો પણ તેનાથી તે વકફ પ્રોપર્ટી બની જતી નથી. 

કોઈ મંજૂરી લીધા વિના જ અનઅધિકૃત દબાણો કરી દેવાયા

ખુદ સરકારના જ 17-8-1984 અને 12-9-1989ના ઠરાવો મુજબ, જો કોઈ ચોક્કસ હેતુ માટે જમીન ફાળવાઈ હોય તો પણ તેની માલિકી રાજ્ય સરકારની જ છે. તેથી કોઇપણ કમીટી, ટ્રસ્ટ કે વકફ આ જમીન તેઓના નામે ટ્રાન્સફર કરી શકે જ નહી. ચોંકાવનારી વાત તો એ છે કે, ચેરિટી કમિશનર કે સ્થાનિક સત્તાવાળાઓની કોઈ મંજૂરી લીધા વિનાજ આ જમીનો પર મોટાપાયે ગેરકાયદે બાંધકામો અને અનઅધિકૃત દબાણો કરી દેવાયા છે. જે કાયદાની નજરમાં કોઇ સંજોગોમાં ટકી શકે નહી. કેસમાં કબ્રસ્તાન પર અને સરકારી-ગૌચરની જમીનો પર મોટી મોટી મસ્જિદો-મદરેસાઓ સહિતના ગેરકાયદે બાંધકામો થઈ ગયા હોઈ તેને તોડવા જરૂરી છે કારણ કે, સમગ્ર દ્વારકામાં આ ડિમોલીશનની કાર્યવાહીનો તબક્કાવાર એક ભાગ છે, તેમાં કોઈને અન્યાય કરવાની વાત નથી પરંતુ માત્ર કાયદાના પાલનની અને સરકારી-ગૌચરની જગ્યાનો કબ્જો લેવાની વાત છે.

આ બધી મિલ્કતો વકફ પ્રોપર્ટી હોવાના દાવાને પણ હાઇકોર્ટે ફગાવ્યો 

જસ્ટિસ મોના એમ.ભટ્ટ ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે, પબ્લીક ટ્રસ્ટ રજિસ્ટરમાં પણ અરજદારો દાવો કરે છે તે, સર્વે નંબરની જમીનો દેખાતી નથી. સંબંધિત જમીનો ગૌચરની અથવા તો રાજય સરકારની માલિકીની હોવાનું જણાય છે. ગ્રામ પંચાયતની એન્ટ્રીઓ જોતાં પણ આ જમીનો કબ્રસ્તાનના ઉપયોગ માટે ફાળવાઈ હતી અને તેથી પ્રસ્તુત કેસમાં વિવાદીત મિલ્કતો વકફ પ્રોપર્ટી હોય તેનું કયાંય પણ રેકર્ડ પર આવતુ નથી. વકફના ઉપયોગ કે તેની નોંધણીના દાવા માત્રથી અરજદારોના કહેવા પ્રમાણે આ મિલ્કતો વકક પ્રોપર્ટી બની જતી નથી. 

અત્યાર સુધીમાં 62.73 કરોડ રૂપિયાની 1.21 લાખ ચો.મીટર જમીન ખુલ્લી થઈ 

સરકારપક્ષ તરફથી હાઇકોર્ટને જણાવાયું કે, 'બેટ દ્વારકામાં સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા અત્યારસુધીમાં 406 અનઅધિકૃત બાંધકામો દૂર કરાયા છે. આ કાર્યવાહી મારફતે કુલ 62.73 કરોડ રૂપિયાની કિંમતની આશરે 1.21 લાખ ચો.મીટર જેટલી વિશાળ જમીન ખુલ્લી કરાઈ છે.'

 

Related News

Icon