
Pahalgamમાં આતંકવાદીઓ દ્વારા થયેલા નિર્મમ હત્યાકાંડ જ્યારે પ્રવાસીઓ પાછા આવી રહ્યા છે અને ચારેકોર અફરાતફરી મચી ગઈ છે. તેવા સમયે મોટા ભાગની એરલાઈન્સોએ કાશ્મીરની ટિકિટ કેન્સલ કરાવતા તમામ પ્રવાસીઓની ટિકિટોને રિફંડ આપીને રાહતનો દમ આપ્યો હતો. પરંતુ સ્પાઈસ જેટ દ્વારા પહેલા વાયદો કરીને પછી રિફંડ આપવાની ના પાડતા હજારો પ્રવાસીઓના કરોડો રૂપિયા ફસાયા છે.
રિફંડ નહીં મળતા પ્રવાસીઓના રૂપિયા ફસાયા
અમદાવાદથી શ્રીનગરની જૂન મહિના સુધીની ટિકિટો જામ પેક હતી. જે પહેલગામ ઘટના બાદ 90 ટકા કેન્સલ કરવામાં આવી છે. આવા સમયે મોરલ ગ્રાઉન્ડ પર મોટાભાગની એરલાઈન્સ દ્વારા દરેક કેન્સલેશન પર રિફંડ આપવાનું નક્કી કર્યું હતું પરંતુ સ્પાઈસ જેટ દ્વારા ગ્રુપ બુકિંગના રિફંડ પરત કરવામાં આવ્યા નથી. આ રકમ રોજની 36 લાખ રૂપિયા અને મહિના પ્રમાણે 9 કરોડ રૂપિયા જેવી થાય છે. આટલું બધું માતબર ગ્રૂપ બુકિંગ રિફંડ ના આપતા અનેક મુસાફરોને હાલમાં હાલાકી પડી રહી છે. આ અંગે સ્પાઈસ જેટના દિલ્હી સ્થિત હેડ દેબોજીતને ફોન કરતાં તેમણે કોઈ જવાબ આપ્યો નહતો.
આ અંગે વાત કરતાં એક પ્રવાસીએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ એવી છે કે અમારે બ્લોકમાં ટિકિટો કેન્સલ કરાવવાની નોબત આવી છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં હત્યાકાંડ થાય ત્યારે સ્વાભાવિક રીતે માનસિક ધોરણે ફરવા જવાની ઈચ્છા ના થાય. હાલમાં મોટાભાગની એર લાઈન્સ કેન્સલેશન માટે લોકોને પૂરેપૂરા રિફંડ આપી રહી છે ત્યારે સ્પાઈસ જેટ દ્વારા બ્લોક બુકિંગ કરેલા મુસાફરોને રિફંડ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.
આ અંગે પ્રવાસીઓએ જણાવ્યું હતું કે જ્યારે અમે બુકિંગ કરાવ્યું હતું ત્યારે શ્રીનગરની ટિકિટના પ્રતિ વ્યક્તિ દસ હજાર ભાવે આખા પરિવારનું એક લાખનું બુકિંગ કરાવ્યું હતું. હવે જ્યારે સ્પાઈસ જેટ ના પાડે તો કેમ ચાલે?
વધુમાં તપાસ કરતા રોજ સ્પાઈસ જેટમાં 180 મુસાફરો પ્રવાસ કરી રહ્યા છે જેમાંથી 90 ટકા પ્રવાસીઓએ પોતાનો પ્રવાસ કેન્સલ કરાવતા સ્પાઈસ જેટ દ્વારા બ્લોક બુકિંગ પર રિફંડ કરવાની ના પાડતા હજારો પ્રવાસીઓના નાણા અટવાયા છે. જોકે આ અંગે પ્રવાસીઓએ સરકારને પણ પત્ર લખીને તેમની પરિસ્થિતિની જાણ કરી છે. આ જ સ્થિતિ અનેક ટૂર ઓપરેટોરોની પણ થઈ છે જેના કારણે અનેક ટૂર ઓપરેટરોને આર્થિક ફટકો પણ પડ્યો છે.