
રાજ્યમાં બદલાતા વાતાવરણ સાથે રોગચાળો પણ વધી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ મુદ્દે સોલા સિવિલ હોસ્પિટલમાં રાજ્યભરમાંથી આવતા રોગચાળાના દર્દીઓના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ પશ્ચિમમાં સ્થિત સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યા 9713એ પહોંચી હોવાની માહિતી મળી રહી છે. જ્યારે 1202 જેટલાં દર્દીઓને એડમિટ કરવાની ફરજ પડી છે.
ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા તથા સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા
સોલા સિવિલ હોસ્પિટલ ARMO ડો. કિરણ ગોસ્વામીએ આ અંગે વધુ માહિતી આપી હતી. તેમણે અલગ અલગ બિમારીઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ડેન્ગ્યુના શંકાસ્પદ લક્ષણ દેખાતા 90 દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા છે. મેલેરિયાના 162 શંકાસ્પદ કેસ પણ નોંધવામાં આવ્યા છે. તેમજ ચિકનગુનિયાના પણ કેસ નોંધાયા છે. અને સ્વાઇન ફ્લૂના લક્ષણ ધરાવતા 24 દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા છે.