
સુરત સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે આ વખતે ફરી એક બાળક ચોરી થઈ જવાનો બનાવ સામે આવ્યો છે. સ્ટેમસેલ બિલ્ડિંગમાં રાત્રે હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થયાની ઘટના સામે આવી છે. જેથી ભારે ઉહાપોહ મચી ગયો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમોએ હોસ્પિટલમાં પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે.
સિવિલમાં પ્રસૂતિ થયેલી
પાંડેસરા બમરોલી રોડ ખાતે આવેલ ગોવર્ધન નગરમાં 23 વર્ષીય સંધ્યા ધીરજ શુક્લા પરિવાર સાથે રહે છે. સંધ્યાને પ્રસૂતિનો દુઃખાવો ઉપડયો હતો. જેથી પરિવારજનો તેણીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં સ્ટેમસેલ બિલ્ડિંગમાં તેણીને દાખલ કરવામાં આવી હતી. દરમિયાન સાંજના સમયે સંધ્યાએ બાળકને જન્મ આપ્યું હતું. બાદમાં બાળક અને સંધ્યાને બિલ્ડિંગમાં બીજા માળે વધુ સારવાર માટે દાખલ કર્યા હતા.
બહેન કાપડ લેવા ગઈ
ભોગ બનનારના મોટાભાઈ ત્રિલોકેશ શુક્લાએ કહ્યું કે, મારા નાના ભાઈના ઘરે સાંજે દીકરાનો જન્મ થયો હતો. મારી નાની બહેન આવી અને બાળકને જોયું હતું. ત્યારબાદ કપડાની જરૂર હોવાથી ત્યાં લાવારીસ બેસેલી મહિલાને બાળક આપીને મારી બહેનને કપડું લેવા જવા માટે કહ્યું હતું. ત્યારબાદ કાચની પેટીમાં મૂકવાનું હતું, પણ મારી બહેન પરત આવી તો એ મહિલા બાળકને લઈને જતી રહી હતી.રાત્રે 9 વાગ્યાના સુમારે નજર ચૂકવીને એક મહિલા બાળકને થેલામાં નાખી ચોરી કરીને પલાયન થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા પરિવારે હોસ્પિટલમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે બાળકનો કોઈ પણ પત્તો લાગ્યો ન હતો. આ સાથે જ હોસ્પિટલ તંત્રને પણ જાણ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.