અવારનવાર લિફ્ટમાં ફસાઇ જવાની ઘટનાઓ બનતી હોય છે. ધૂળેટીના તહેવાર પર ચાંદખેડા વિસ્તારમાં 10 લોકો લિફ્ટમાં ફસાયા હતા. જેમને દિવાલ તોડીને ફાયર વિભાગે રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા. ત્યારે હવે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં 4 લોકો લિફ્ટમાં ફસાઇ જતાં ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવતાં રાહતનો શ્વાસ લીધો છે. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી.
12 કલાક 23 મિનિટે ફાયર વિભાગને કોલ મળ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર સાબરમતી વિસ્તારમાં મૈત્રી સર્કલ પાસે આવેલા આદિત્ય એવન્યુમાં લિફ્ટમાં 4 જેટલા સ્થાનિક રહીશો લિફ્ટમાં ફસાઇ જતાં જીવ તાળવે ચોંટી ગયો હતો. થોડીવારમાં બૂમાબૂમ મચી જવા પામી હતી. સ્થાનિક રહીશોએ ફાયર વિભાગને કોલ કરતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે. ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન આદરી તમામ લોકોને સહી-સલામત રીતે લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અચાનક લિફ્ટ બંધ પડી જતાં લિફ્ટમાં ફસાયેલા લોકો ગભરાઇ ગયા હતા અને બૂમાબૂમ કરી મૂકી છે. જોકે ગણતરીના કલાકોમાં જ ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા બહાર કાઢી લેવામાં રાહતનો શ્વાસ લીધો હતો.
આ ઘટનામાં ગોવિંદ પરમાર, રમીલા પરમાર, જીગ્નેશ શાહ અને તેજલ શાહ નામના ચાર સ્થાનિકો લીફ્ટમાં ફસાયા હતા. 12 કલાક 23 મિનિટે ફાયર વિભાગને કોલ મળ્યો હતો. જો કે, ફાયર વિભાગની 25 મિનિટની મહેનત બાદ ચારેય લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ચાંદખેડા ફાયર સ્ટેશનની ટીમ દ્વારા લિફ્ટમાંથી સ્થાનિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ધૂળેટીના દિવસે ચાંદખેડામાં 10 મહિલાઓ લિફ્ટમાં ફસાઇ હતી
ધૂળેટીના દિવસે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં 10 મહિલાઓ લિફ્ટમાં ફસાઇ જતાં ગભરાઇ ગઇ હતી અને બૂમરાડ મચી જવા પામી હતી. સોસાયટીના સ્થાનિક રહીશોએ તાત્કાલિક લિફ્ટની કંપનીના કર્મચારીઓને સંપર્ક કર્યો હતો પરંતુ લિફ્ટના કર્મચારીઓ મહિલાઓને બહાર કાઢવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ લિફ્ટ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ નિષ્ફળ જતાં દિવાલ તોડીને મહિલાઓને બહાર કાઢી હતી.