
ગુજરાત સરકારનો કિડની ડાયાલિસિસ પ્રોગ્રામ સાવ નિષ્ફળ ગયો હોવાનો કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ કેગના અહેવાલની વિગતો દર્શાવીને આરોપ લગાવ્યો છે. તેમને કેગના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે, રાજ્યના ડાયાલિસિસ કેન્દ્રો પર તબીબો અને સ્ટાફની ભારે અછત છે. આ ઉપરાંત વહીવટમાં પણ ભારે ભોપાળું ચાલી રહ્યો હોવાનો આરોપ મૂક્યો હતો.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કાઠવાડિયાએ કેગના અહેવાલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગુજરાતમાં ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ 265 કેન્દ્રો કાર્યરત છે, પરંતુ આ કેન્દ્રોમાં તબીબો અને સ્ટાફની અછત છે. ગુજરાતમાં 65 લાખથી વધુ કિડનીના દર્દીઓ સત્તાવાર રીતે નોંધાયેલા છે. જેમાંથી 51 હજાર દર્દીઓ ગંભીર કિડનીના દર્દીઓ છે. ડાયાલિસિસ સેન્ટરો દર્દીઓ વિના જ ચાલે છે. આ 65 લાખ દર્દીઓમાંથી માત્ર 3,955 દર્દીઓ જ ડાયાલિસિસ સેન્ટરમાં નોંધાયેલા છે. 265 સેન્ટરોમાંથી 165 કેન્દ્રોમાં 12થી ઓછા દર્દીઓ છે. 18 સેન્ટરમાં એક પણ દર્દી નોંધાયેલો નથી. તો વળી 112 સેન્ટરોમાં 7થી ઓછા દર્દીઓ છે. ડાયાલિસિસ પ્રોગ્રામમાં 881 કર્મચારીઓ કામ કરે છે જે તમામ કોન્ટ્રાકટ કર્મચારીઓ છે. જેના કારણે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર છે.
રાજ્યમાં મોટા ભાગના ડાયાલિસિસ સેન્ટરો ખાલી પડ્યા છે. ડાયાલિસિસ સેન્ટરોમાં પૂરતા ડોકટરો અને સ્ટાફ નથી. કિડની હોસ્પિટલના નેફ્રોલૉજીસ્ટ ડૉક્ટરો ડાયાલિસિસ સેન્ટરોની મુલાકાત નથી કરતા. જેથી આરોગ્ય વિભાગે આ બાબતે નક્કર પગલાં લેવા જોઈએ. કિડની હોસ્પિટલમાં બે વિદેશી દર્દીઓને વેઇટિંગ લિસ્ટનો ભંગ કરી કિડની આપવામાં આવી ડોક્ટરોની બેદરકારીને કારણે ગુજરાતના બે દર્દીઓ કિડનીથી વંચિત રહ્યા હતા. જેથી આ ડોક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે.