
અમદાવાદની સિવિલ કેન્સર હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફનો વિરોધ સામે આવ્યો છે. રાજકોટમાં નર્સની હત્યાને લઇ નર્સિંગ સ્ટાફ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નજીવા કારણોસર સજાના ભાગ રૂપે નર્સને રાજકોટ મોકલવામાં આવી હતી. અમારી કોઈ સુરક્ષા જ નથી. અમે બદલી ન કરવા વારંવાર રજૂઆત કરી, લેટર લખ્યા પણ ન માનતા અમારી દીકરીએ જાન ગુમાવી.
GCRI અમદાવાદ દ્વારા સરકારની સૂચના અને સહયોગથી રાજકોટ, ભાવનગરમાં પણ સેન્ટર ચલાવવામાં આવે છે. રોટેશનલ લોકોની પોસ્ટિંગ કરવામાં આવે છે. ચાર મહિનાથી તેમની પોસ્ટિંગ કરવામાં આવી છે. અમે સતત સંપર્કમાં છીએ જેથી ન્યાય મળે. બોર્ડના નિર્ણય પ્રમાણે બદલી કરવામાં આવી છે. જે લોકોને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એમને પાછા બોલાવવામાં આવશે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, મૃતક ચૌલાબેન પટેલની પાછળની શેરીમાં રહેતા 34 વર્ષીય કાનજી વાંજા રાત્રે મહિલાના મકાને આવ્યો હતો. બાદમાં તેણે મહિલા સાથે બળજબરી કરી કરી હતી. પરંતુ મહિલાએ પ્રતિકાર કરતા આરોપીએ તેને છરીના ઘા ઝીંકી દીધા હતા. આ બનાવ અંગે મહિલાના પરિવારજનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે આરોપી સામે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે. આ બનાવના પગલે યુનિવર્સિટી પોલીસ મથકના PI સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, મૂળ અમદાવાદના વતની ચૌલાબેન ઋષિકેશ સોસાયટીમાં તેમના ઘરની પાછળ જ રહેતા શખસે હત્યા કરી નાખી હતી. આ મહિલા અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હતા અને ચારેક માસથી તેમની અહીં રાજકોટ બદલી થઈ હતી. પરંતુ પરિવારજનોએ અમદાવાદ રહેવાની વાત કરતા તેમણે બદલી અંગેની વાત કરી હતી.